આણંદ તા.29
આણંદના સામરખા ગામમાં નવેમ્બર-2019માં પતિએ પત્નીને ઘેનનું ઇન્જેકશન આપી મૂર્છીત કર્યા બાદ કેબલ વાયરથી તેનું ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાનું આ બીજું લગ્ન હતું અને તેના પ્રથમ પતિનું મકાન હડપ કરવા માટે તેની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ હત્યા કેસમાં કોર્ટે પતિને આજીવન કેદની સજા ફટકારી હતી.
આણંદના સામરખા ગામમાં મિલ્લતનગર દરગાહ પાસે રહેતાં ગફુર દાઉદ વ્હોરા ભાડાના મકાનમાં રહેતો હતો. તેના લગ્ન શરીફાબહેન સાથે થયાં હતાં. જોકે, શરીફાબહેનના બીજા લગ્ન હતાં. પ્રથમ લગ્ન યાકુબભાઈ વ્હોરા (રહે. ઇસ્માઇલનગર) સાથે થયાં હતાં. જેમાં તેમને ત્રણ સંતાનો થયાં હતાં. પરંતુ યાકુબભાઈનું અવસાન થતાં તેઓએ ગફુર વ્હોરા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. ગફુર ટેમ્પીમાં ગેસ – સગડી, કુકર રિપેરીંગનું કામ કરતો હતો. આ લગ્ન દરમિયાન શરીફાબહેનના પ્રથમ પતિ યાકુબભાઈ વ્હોરાનું ઇસ્માઇલનગરનું મકાન વારસામાં શરીફાબહેનના સંતાનોને વારસામાં મળ્યું હતું. જ્યારે વાર તહેવારે સંતાનો શરીફાબહેનને મળવા આવે તે ગફુરને ગમતું નહતું. તેઓ કંઇ પણ વાંધા બહાના કાઢી ઝઘડો કરતો હતો.
આ ઉપરાંત ઇસ્માઇલનગરવાળુ મકાન તેમને સોંપી દેવા તેમજ ગફુરના નામે કરી આપવા દબાણ કરતો હતો. જોકે, શરીફાબહેન વિરોધ કરતાં હતાં. જેથી ઘર કંકાસ વધી ગયો હતો. ક્યારેક ગફુર ઉશ્કેરાઇ ગેસની પાઇપ શરીફાબહેનને મારમારતો હતો. દરમિયાનમાં શરીફાબહેનનું 10મી નવેમ્બર,2019ના રોજ મૃત્યું નિપજ્યું હતું. આ અંગે કોઇએ તેમની દિકરી આઇશાબહેનને જાણ કરતાં તેઓ તુરંત સામરખા દોડી આવ્યાં હતાં. જોયું તો શરીફાબહેનના મૃતદેહ ઘરમાં પલંગ પર પડ્યો હતો. ગળા તથા કપાળ પર ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં. આ અંગે પુછતાં ગફુરે બીપી વધી જતાં પડી જતાં મરણ ગયાની વાત કરી હતી. જોકે, આ મૃત્યું શંકાસ્પદ લાગ્યું હતું.
આથી, પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જેમાં માદક કે ઝેરી ઇન્જેકશન આપી મુર્છીત કર્યા બાદ કેબલવાયરથી ગળેફાંસો આપી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
આ અંગે જે તે સમયે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી ગફુર વ્હોરાની ધરપકડ કરી હતી. બાદમાં જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.
આણંદની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ વી. બી. મહિડાની દલીલ, પુરાવા અને સાહેદોને સાંભળી કોર્ટે હત્યા કેસમાં ગફુર વ્હોરાને દોષીત જાહેર કર્યો હતો અને આઈપીસી કલમ 302 હેઠળ આજીવન કેદની સજા તથા રૂ.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.