વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં આગામી દિવાળીના (Diwali) તહેવારને અનુલક્ષીને હંગામી ફટાકડાના (Fireworks) લાયસન્સ (License) મેળવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જિલ્લામાં 230 દુકાનોને (Shop) લાયસન્સ અપાશે. જે માટે સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરીએથી જરૂરી અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી તેમાં જરૂરી પુરાવા સામેલ રાખી 26 સપ્ટેમ્બર સુધીમાં પરત કરવાના રહેશે.
ક્યાં કેટલી દુકાનો
પારડી નગરપાલિકા વિસ્તારમાં 30, ધરમપુર દશેરા પાટી વિસ્તારની ખુલ્લી જમીનમાં 25, વાપી પાલિકાની બાજુમાં આવેલા મેદાનમાં 20, વાપી નોટીફાઇડ એરીયા હસ્તકના રામલીલા મેદાન ખાતેના પ્લોટમાં 50, ઉમરગામ પાલિકા વિસ્તારના કુમારશાળાની બાજુમાં આવેલી ખુલ્લી જમીનમાં 15, વલસાડ પાલિકા હદ વિસ્તારમાં આવેલા ધી ચર્ચ ઓફ ધી બ્રધર્સ (સી.બી. હાઇસ્કૂલ)ના ગ્રાઉન્ડમાં 40, નાનાપોંઢા ગ્રામ પંચાયત વિસ્તારમાં તથા 65 વાળી ખુલ્લી જગ્યામાં 50 દુકાનો માટે લાયસન્સ આપવામાં આવશે. આ સિવાયના રહેણાંક સિવાયના વિસ્તારના કોઇ સ્થળો માટે હંગામી ફટાકડા લાયસન્સની અરજી સ્થળ, સલામતી તથા ગુણદોષ તેમજ સરકારની સ્થાયી સુચના અનુસાર તપાસી નિકાલ કરવામાં આવશે.
ફાયર સેફટી અંગે અધિકારીની પરવાનગી લેવાની રહેશે
હંગામી સ્ટોલના સ્થળે ફાયર એકસ્ટીંગ્યુસર મુકવાનું રહેશે. તેમજ આગની સામે રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે. તથા તે સંબંધે સ્થળ પર ફાયર સેફટી અંગે નિયત અધિકારીની પરવાનગી લેવાની રહેશે. સ્ટોલના આગળ- પાછળ દરવાજો ફરજીયાત રાખવાનો રહેશે.
જણાવી દઈએ કે છેલ્લાં બે વર્ષના કોરોનાકોળ પછી આ વર્ષે લોકો ધામઘૂમથી દિવાળીની ઉજવણી કરશે. લોકોમાં આ વર્ષે તમામ તહેવારો અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળી હિંદુઓ માટે મહત્વનો તહેવાર હોય છે. આ તહેવાર તમામના જીવનમાં અનેરો ઉત્સાહ ભરી દેતો હોય છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ વર્ષે લોકોમાં ખરીદી અંગેનો પણ અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.