Editorial

દેશમાં શાસનવ્યવસ્થા નહીં હોય તો કુદરતી આફતો કેવો વિનાશ વેરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ લિબિયા છે

જો શાસન માટેની વ્યવસ્થા જ નહીં હોય અને તેવા સમયે પૂર અને વાવાઝોડની આફત ત્રાટકે તો કેવો વિનાશ થાય તેનો પ્રત્યક્ષ દાખલો જોવો હોય તો લિબિયાનો દાખલો જોવો જોઈએ. લિબિયામાં છેલ્લા 10 વર્ષથી ગૃહયુદ્ધ ચાલે છે. હાલમાં લિબિયામાં એક ભાગમાં એક જૂથનું શાસન છે તો બીજા ભાગમાં બીજાનું. છેલ્લા દસ-બાર વર્ષમાં લિબિયામાં નવા રસ્તાઓ બન્યા નથી. ડેમની જાળવણીઓ થઈ નથી અને તેવામાં વાવાઝોડાએ લિબિયાના આખા ડેર્ના શહેરને તબાહ કરી નાખ્યું છે.

અત્યાર સુધીમાં 6900 જેટલા મૃતદેહ મળી ગયા છે અને એવું માનવામાં આવે છે કે મરણાંક 20 હજારથી પણ વધુ થાય તો નવાઈ નહીં હોય.10 હજારની વસતી ધરાવતા ડેર્ના શહેરમાં બે ડેમ તૂટતાં એટલું ઝડપથી પાણી ફરી વળ્યું કે પાણીની સાથે બધું જ, માણસો કે સંપત્તિ સહિત તમામ તણાઈ ગયું. આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં મૃતદેહો જ દેખાઈ રહ્યા છે. મૃતદેહોને દફનાવવા માટે જેસીબીથી ખાડાઓ ખોદવા પડી રહ્યા છે. આખું શહેર હાલમાં પાણીમાં છે.

ગૃહયુદ્ધને કારણે લિબિયામાં હાલમાં પૂર્વ ભાગ 80 ટકા નાશ પામી ગયો છે. લિબિયાની બરબાદી તેના ઈતિહાસમાં જ લખાયેલી છે. ઈટાલીએ 1911-12માં ઓટ્ટોમનના સામ્રાજ્યનો નાશ કર્યો હતો અને લિબિયા પર કબજો કરી લીધો. 1920માં ઈટાલીના શાસન સામે લિબિયામાં ભારે વિરોધ ઉઠ્યો. આ આંદોલને 20 વર્ષના અંતે લિબિયાને આઝાદી અપાવી હતી. 1942માં ઈટાલી અને તેના સાથી જર્મનીએ લિબિયા છોડી દીધું.

આ દેશનું શાસન જતાં રહેવા છતાં પણ લિબિયામાં આદિવાસી સંઘર્ષ ચાલુ જ રહ્યો હતો અને 195માં રાજા ઈદ્રિસે લિબિયાને સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. સ્વતંત્ર દેશ બન્યા બાદ લિબિયામાં 1956માં તેલ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું પણ 1969માં સરમુખત્યાર ગદ્દાફીએ રાજા ઈદ્રિસને હટાવીને પોતાને શાસક જાહેર કરી દીધો. 2011માં ગદ્દાફીની સામે પણ વિરોધ શરૂ થઈ ગયો અને આખા દેશમાં તેની વિરૂદ્ધ પ્રદર્શનો થયા બાદ તેની હત્યા કરી દેવામાં આવી. 2016 સુધી લિબિયામાં આંતરિક રમખાણોની સ્થિતિ રહી અને બાદમાં 2021માં અબ્દુલ હમીદ લિબિયાની સરકારના વડાપ્રધાન બન્યા. જો કે, તેનો કોઈ જ ફાયદો થયો નથી અને લિબિયામાં ગૃહયુદ્ધ ચાલી જ રહ્યું છે.

હાલમાં લિબિયામાં પશ્ચિમ ભાગમાં ત્રિપોલીમાં સરકાર છે. જ્યારે પૂર્વ ભાગમાં આશરે એક ડઝન જેટલી જ્ઞાતિઓ છે અને તેના દરેક કુળ પશ્ચિમ વિભાગના કેટલાક વિસ્તારો પર શાસન કરે છે. ડેર્ના શહેર નજીક બે ડેમ હતા. આ બંને ડેમની છેલ્લા ઘણા સમયથી મરામત જ થઈ નહોતી. વાવાઝોડાને કારણે આ બંને ડેમ તૂટી ગયા. જેને કારણે પૂરની સ્થિતિ સર્જાવા પામી હતી. જે બે ડેમ તૂટ્યા તે પૈકી એક ડેમની ઉંચાઈ 230 ફુટ હતી. આ ડેમ પ્રથમ તૂટી ગયો અને બાદમાં બીજો ડેમ પણ તૂટી ગયો. જેને કારણે આખા શહેરમાં ઘોડાપૂરની જેમ પાણી ફરી વળ્યું હતું. ડેર્ના શહેરને ધમરોળનાર આ ડેનિયલ વાવાઝોડાએ ગત સપ્તાહે જ ગ્રીસ, ટર્કી અને બલ્ગેરિયામાં તબાહી મચાવી દીધી હતી. આ દેશોમાં જોકે, અગાઉથી જ પગલાઓ લઈ લેવામાં આવ્યા હોવાથી માત્ર 12 જ વ્યક્તિના મોત થયા હતા.

જ્યારે લિબિયામાં આ વાવાઝોડાથી શું થશે તેવી હવામાન વિભાગની કોઈ જ આગાહી નહીં હોવાથી શહેર આખું નાશ પામી ગયું છે. લિબિયાની મોટાભાગની વસતી અને શહેરો દરિયાકિનારે હોવાથી સુનામીની જેમ વાવાઝોડાને કારણે પૂર આવ્યું હતું અને પાણીની મોટી દિવાલે સર્વનાશ કરી નાખ્યો. ડેર્ના શહેરમાં થયેલી તબાહી હાલમાં તો માત્ર ઝાંખી જ છે. ભારે પૂરને કારણે 10 હજારથી વધુ લોકો તણાઈ ગયા છે. જેમની કોઈ જ ભાળ નથી. લિબિયામાં સર્જાયેલી આ સ્થિતિને કારણે વિશ્વના દેશો તેને સહાય મોકલી રહ્યા છે પરંતુ વિશ્વના દેશોએ જો લિબિયાનું ભલું જ કરવું હોય તો આ દેશમાં તાકીદે સ્થિર અને આખા દેશમાં શાસન કરી શકે તેવી સરકારની સ્થાપના કરવાની જરૂરીયાત છે. દેશમાં સરકારો નહીં હોય તો કેવી સ્થિતિ સર્જાય છે તેનું લિબિયા ઉત્તમ ઉદાહરણ છે.

Most Popular

To Top