નવી દિલ્હી: જર્મનીમાં (Germany) રહેતા એક ગુજરાતી દંપતિની બાળકીનો કબજો જર્મન સત્તાવાળાઓ પાસેથી મા-બાપને અપાવવા વિવિધ પક્ષોના સાંસદો (MP) પણ સક્રિય થયા છે. સપ્ટેમ્બર 2021માં જર્મન સત્તાવાળાઓ દ્વારા તેનાં માતા-પિતા પાસેથી છીનવી લેવામાં આવેલી એક ભારતીય બાળકીની વાપસી સુનિશ્ચિત કરવા માટે 19 પક્ષોના 59 સાંસદોએ ભારતમાં જર્મન રાજદૂતને પત્ર લખીને તેમના હસ્તક્ષેપની માંગ કરી છે.
જર્મન બાળ કલ્યાણ એજન્સી જુગેન્ડમ્ટે અરિહા શાહની કસ્ટડી લીધી હતી, જ્યારે તે સાત મહિનાની હતી અને આરોપ લગાવ્યો હતો કે તેનાં માતા-પિતા તેને હેરાન કરે છે. સંસદસભ્યોએ લખ્યું હતું કે, ”અમે તમારા દેશની કોઈપણ એજન્સી પર આક્ષેપ કરતા નથી અને માની લઈએ છીએ કે જે પણ કરવામાં આવ્યું હતું તે બાળકના શ્રેષ્ઠ હિતમાં હતું. અમે તમારા દેશમાં કાનૂની પ્રક્રિયાઓનું સન્માન કરીએ છીએ, પરંતુ પરિવારના કોઈ પણ સભ્યની સામે કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી તે જોતાં ઉપરોક્ત બાળકને ઘરે પરત મોકલવાનો સમય વધુ થઈ ગયો છે.”
આ પત્રને સાંસદોએ પાર્ટી લાઇનથી ઉપર ઊઠીને સમર્થન આપ્યું છે. તેમાં હેમા માલિની (ભાજપ), અધીર રંજન ચૌધરી (કોંગ્રેસ), સુપ્રિયા સુલે (એનસીપી), કનિમોઝી કરૂણાનિધિ (ડીએમકે), મહુઆ મોઇત્રા (ટીએમસી), અગાથા સંગમા (એનપીપી), હરસિમરત કૌર બાદલ (એસએડી), મેનકા ગાંધી (ભાજપ), પ્રનીત કૌર (કોંગ્રેસ), શશિ થરૂર (કોંગ્રેસ) અને ફારૂક અબ્દુલ્લા (એનસી)નો સમાવેશ થાય છે.
તેઓએ જણાવ્યું કે, અરિહાનાં માતા-પિતા ધારા અને ભાવેશ શાહ બર્લિનમાં હતાં. કારણ કે, બાળકના પિતા ત્યાંની એક કંપનીમાં નોકરી કરતા હતા. એક દુ:ખદ ઘટનામાં બાળકીને ગુપ્તાંગમાં આકસ્મિક ઈજા થતાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તે પછી અરિહાને તેનાં માતાપિતા પાસેથી લઈ જવામાં આવી હતી. બાળકના જાતીય શોષણ માટે તેનાં માતા-પિતા સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2022માં માતા-પિતા સામે કોઈપણ આરોપો વિના પોલીસ કેસ બંધ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલે પણ જાતીય શોષણને નકારી કાઢતો અહેવાલ જારી કર્યો હતો છતાં આ બાળકીને હજી તેના મા-બાપને સોંપવામાં આવી નથી.