Business

‘‘પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ,સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.’’

વાસંતી વાયરાના ખુશનુમા વાતાવરણ સાથે વેલેન્ટાઈન ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… મહાસુદ પાંચમ એ હિન્દુ મહિનાનો વસંતપંચમીનો દિવસ છે. તો પશ્ચિમના લોકો પાસે 14 ફ્રેબુઆરીના રોજ ‘વેલેન્ટાઈન ડે’ નો દિવસ છે, પશ્ચિમના દેશોનો ઉત્સવ છે અને તે પણ માત્ર એક દિવસનો ઉત્સવ છે. જ્યારે આપણા ભારતદેશની સંસ્કૃતિમાં તો પ્યાર-મોહબ્બતના ઈઝહાર માટે એક આખી વસંતઋતુ છે. વસંતઋતુ એ પ્રેમના રંગે રંગાવાની ઋતુ છે. પૂર્વ કે પશ્ચિમ ઉત્સવનું નામ ગમે તે આપો પણ ઋતુરાજ વસંતના વધામણાંની સાથે જ્યારે સમગ્ર પ્રકૃતિ પણ રંગબેરંગી ફૂલો ને કેસૂડાની મોહક નજાકત જોઈને ઝૂમી ઊઠે છે ત્યારે યુવાનોનાં હૈયાં પણ નાચી ઊઠે છે. પ્રેમના પાલવને વાસંતી વાયરાનો રંગ એટલે વેલેન્ટાઈન ડે… પ્રેમનો એકરાર કરવાનો સ્પેશ્યલ દિવસ. પ્રેમ શબ્દ જ એવો છે જેમાં સાગરનો અનંત પ્રવાહ, ઝરણાંની ઊંડાઈ, સુગંધની માદકતા તથા ઊર્જાથી પરિપૂર્ણ શક્તિ છે. જેને કોઈ યંત્ર વડે માપી શકાતી નથી.. રંગબેરંગી લાગણીઓનો સરવાળો એટલે પ્રેમ, જીવન જીવવાનું પ્રેરક બળ એટલે પ્રેમ. વગર વરસાદે તન-મનને ભીંજવતું વારિ એટલે પ્રેમ, એ એક એવો અહેસાસ છે, જેમાં ડૂબવાનું હરકોઈ પસંદ કરે છે.

આજની યંત્ર સંસ્કૃતિના ઘોંધાટ અને ગીચ વાતાવરણામાં મોરલાના ટહુકાર સુકાઈ ગયા છે પણ હૃદયમાં જે પ્રેમના મયૂરની વિશાળ સૃષ્ટિ છે એ તો સર્વત્ર પોતાની રીતે ‘વેલેન્ટાઈન ડે’ ના દિવસે લાગણીઓ રૂપે રેલાય છે. હૈયામાં મધુર ઝંકાર કરતી મનભાવન લાગણીઓ સામેની પ્રિય વ્યક્તિના હૈયા સુધી પહોંચાડવાનો આ દિવસ છે. પ્રેમ મળશે તો સંસારની બધી ખુશીઓ મળી જશે. જ્યાં પોતાની સાચી ભાવના, સાચી દ્રષ્ટિ હોય છે તેને માટે જ આ વેલેન્ટાઈન ડે છે. પ્રેમ માત્ર આકર્ષણનું નામ નથી, પ્રેમ સમર્પણનું નામ છે. પ્રેમમાં ખેંચાણ હોય ખેંચતાણ ન હોય, પ્રેમમાં અપેક્ષા હોય, હઠાગ્રહ ન હોય. પ્રેમમાં અધિકાર હોય પણ અત્યાચાર ન હોય. પ્રેમની એક મૂક પરિભાષા છે, એ ગૂઢ સંવાદની વાણી છે. પ્રેમ એટલે જીવન જીવવાનો મકસદ. આ વસુંધરા પર સૌથી સુંદર હોય તો તે પ્રેમ છે. પ્રેમ અમૃતમય છે. પ્રેમ આત્માને પવિત્ર રાખે છે. આ જગત પ્રેમરૂપી તાંતણાને આધારે જ ટકી રહ્યું છે.

પ્રેમમાં માત્ર શ્રધ્ધા અને વિશ્વાસ જ રહેલાં હોય છે. માતા-પિતા અને સંતાનોનો વાત્સલ્ય ભાવવાળો પ્રેમ, ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ. ગુરુ શિષ્યનો આત્મસંવાદી પ્રેમ અને અંતે પ્રિયતમ-પ્રિયતમાનો શૃંગારપૂર્ણ પ્રેમ. પ્રેમની ફરતે જ વિશ્વ ધૂમી રહ્યું છે. પ્રેમમાં ક્ષણે ક્ષણે અજ્ઞાતનો દિવ્ય પ્રકાશ આવે છે. તે ક્ષણ શાશ્વત પ્રેમની ક્ષણ બની જાય છે.પ્રેમની સર્વ ક્ષણોમાં દામ્પત્ય પ્રેમની ક્ષણો રમ્ય હોય છે. રામ અને સીતાના ઉદ્ાત દામ્પત્ય પ્રેમના પાયા પર જ હિન્દુ ધર્મ, પ્રેમ સંસ્કૃતિ અને હિન્દુ પ્રજાનું અસ્તિત્વ એક અદ્દભુત બળ લઈ વિશ્વની સામે ટકી રહ્યું છે. શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ ચિરંતન પ્રેમ છે. આજેય યમુનાના તીરે કૃષ્ણની પ્રતીક્ષા કરતી રાધાના આંસુ યમુનાના પ્રવાહને વહેતો રાખે છે. વિશ્વ પાસે પ્રેમનાં અસંખ્ય ઉદાહરણો છે. કાલિદાસના દુષ્યંત-શકુંતલાનો પ્રેમ. નળ દમયંતીનો પ્રેમ કે દાન્તે, બીઆટ્રિસનો કે રિલ્કે-એરિકાનો પ્રેમ કે દાન્તે, બી આટ્રિસનો કે રિલ્કે-એરિકાનો પ્રેમ વિશ્વ વિખ્યાત પ્રેમનાં અમર દ્રષ્ટાંતો છે. સમગ્ર માનવજાતિમાં એક છોકરો અને છોકરી યૌવનના ઉંબરે પગ મૂકે છે કે પ્રેમની ભાષા સમજવા લાગે છે.

સત્તરમું વર્ષ જીવનનું ખટમધૂરું વર્ષ છે. આંબાડાળે જેમ કોયલ પંચમ સ્વરમાં ગાય અને વસંતઋતુ આવે તેમ સત્તરમે વર્ષે જીવનમાં વસંત ડોકિયાં કરવા લાગે છે! ઉત્ક્રાંતિ માટે એક છોકરાનો અને એક છોકરીનો પ્રેમ સનાતન સત્ય છે, આવો નિર્દોષ પ્રેમ કરનારાં યુવકો અને યુવતીઓ 14 ફેબ્રુઆરીને ‘વેલેન્ટાઈન ડે’ તરીકે ઉજવે છે. આમ તો પ્રેમની ઋતુ ચોવીસ કલાક અને ત્રણસો પાંસઠ દિવસ હોય પણ 14 ફેબ્રુઆરી ‘પ્રેમ દિવસ’ બનાવી દેવાયો છે. એ માટે યુવા હૈયાંઓનો થનગનાટ કંઈ જુદો જ હોય છે અને તેની પૂર્વતૈયારીમાં કેટલાંય દિવસ પહેલાં મંડી પડ્યા હોય.  ડ્રીંક-ડાન્સ અને ડીનર એવી ભવ્ય પાર્ટીઓનું આયોજન- પાર્ટીઓમાં મોકલવા મા-બાપોની આનાકાની હોય છે પરંતુ ઉછળતાં યૌવનને તે બિલકુલ ગમતું નથી.

તેઓ છાનાછપનો પ્રોગ્રામ બનાવે છે. ઊર્વીની વાત જોઈએ. તે બારમા ધોરણમાં ભણે છે. તેની મોટી બહેન કોઈ કારણસર તેની સ્કૂલે આવી. તો સમાચાર મળ્યા કે ઊર્વી આજે સ્કૂલે નથી આવી ચૂપચાપ આશ્ચર્ય સાથે તે સ્કૂલની બહાર નીકળી ગઈ. ટીચરને શક જતાં તેણે પ્રિન્સિપાલનો સંપર્ક કરીને તેમને આ બાબતની જાણ કરી. તેમણે તપાસ કરી તો બીજી સખીઓ દ્વારા જાણવા  મળ્યું કે ઊર્વી દરવાજા પાસેથી જ પોતાના બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે ની ઉજવણી માટે પાર્ટીમાં ક્યાંક ગઈ છે. બાળકોની આવી હિંમતથી સ્કૂલના ટીચર જ નહીં પણ મા-બાપ કે વાલી પણ ખૂબ જ હેરાન-પરેશાન થાય છે. આ વાત માત્ર ઊર્વીની જ નથી એના જેવી અનેક કન્યાઓની છે. તેઓને પરિણામની કોઈ ચિંતા જ નથી. મમ્મી-પપ્પાની રોકટોક ગમતી નથી.

આંગી અને અરિહા મમ્મીની એક પણ વાત માનવા તૈયાર નથી આંગીએ એક વીક પહેલાંથી બધી સખીઓ અને બોયફ્રેન્ડ સાથે ભેગા મળીને વેલેન્ટાઈન ડેની ઉજવણી રૂપે હોટલમાં બુકીંગ કરાવી દીધું હતું. ભેટસોગાદો પણ લઈ રાખી હતી. પપ્પાને આ અંગે થોડી જાણ કરી હતી પણ મમ્મીએ જ્યારે જાણ્યું ત્યારે આંગીને ચોખ્ખાં શબ્દમાં કહ્યું- છોકરા-છોકરી સાથેની હોટલમાં મોડી રાત સુધીની પાર્ટી મને પસંદ નથી. આંગીએ જવા માટે ખૂબ ધમપછાડા કર્યા પણ મમ્મી એકની બે ન થઈ. પછી એણે આંગીને ખૂબ સમજાવી તારી મમ્મી શા માટે ના પાડે છે કારણ તારી મને ચિંતા થાય છે. આજે કેવા કેવા બળાત્કારોના બનાવો બને છે. તારી ઉંમરના એક પડાવને લીધે, હરવાફરવાની ઉંમરને લીધે તને એનાં ભયસ્થાનો દેખાતાં નથી અને બન્યું પણ એવું કે આ પાર્ટીમાં પૈસાવાળા નબીરાઓ એ પીપીને છાકટા થઈને બે ત્રણ છોકરીઓ જોડે અણછાજતું વર્તન કર્યુ. પરિણામે મારામારી થઈ, ખુરશીઓ ઉછળી. પોલીસ આવી. વાત છાપે ચઢી. જ્યારે આંગીએ આ વાત સાંભળી ત્યારે એને સમજાયું કે મમ્મી મારી ખરેખર હિતેચ્છુ છે. મારી સલામતી માટે તેને કેટલી ચિંતા છે. પુખ્ત વયની ઉંમરનો પ્રેમ સમજણપૂર્વકનો, સારાનરસાનો ખ્યાલ રાખીને કરાતો હોય છે પણ અપરિપક્વ, કાચી ઉંમરમાં ફક્ત વિજાતીય આકર્ષણ જ હોય છે અને પાછળથી કોઈકનું જ લગ્નજીવન સાચા પ્રેમનું પ્રતીક બને છે જ્યારે કોઈકનું લગ્નજીવન  વેરણછેરણ બની જાય છે. જ્યાં પ્રેમની સાચી ભાવના, સાચી દૃષ્ટિ હોય છે તેને માટે જ આ ‘વેલેન્ટાઈન ડે’ છે.

તો વાચકમિત્રો! પ્રેમના અનેક રંગો છે. એમાં સાદ સાથે વિષાદ પણ છે અને મિલન સાથે જુદાઈ પણ. એમાં પ્રતીક્ષા છે તો સંયોગ પણ છે. એમાં કસક છે તો એમાં કરામત પણ છે. એમાં આરપાર લઈ જતી કેડી છે તો ગડથોલિયા ખાય જવાય એવી ગલીઓ પણ છે. સવાલ પ્રેમના પ્રમાણનો નથી. પ્રેમની પવિત્રતાનો છે. પ્રેમમાં પડવું સહેલું છે પણ પ્રેમ નિભાવવો અઘરો છે. પ્રેમની આરંભની ક્ષણો તો બાગ બાગ છે તો પછીની ક્ષણો આગ આગ પણ હોઈ શકે. પ્રેમમાં આપવાનું હોય લેવાનું નહિ એ સમજાય તો દરરોજ ‘વેલેન્ટાઈન ડે’ ની આનંદસભર ઉજવણી થઈ શકે. આપણાં જીવનમાં દરેક દિવસ પ્રેમનો જ દિવસ હોય તેમ રહેતાં ને વર્તન કરતાં શીખીએ, જેમના હૃદય યુવાન છે  એમના ધબકારાને સાંગોપાંગ ઝીલતી લાગણીઓને જીવંત વાચા આપવા માટે …. ‘Happy Valentine day’

Most Popular

To Top