Comments

દેહદાન કરી પર્યાવરણ અને શિક્ષણ સેવા કરવાનું પુણ્ય લેતા જઇએ

બાલ્યાવસ્થામાં માના હાલરડા સાથે જુલતો હિંચકો અને છેક વૃદ્ધાવસ્થામાં હાથનો ટેકો બનતી લાકડી વૃક્ષ આપે છે. વિદ્યાર્થીકાળમાં સપોર્ટ પેડ, ઓફીસમાં ટેબલ ખુરશી તેમ જ રસોડામાં પાટલી વેલણ સુધી વૃક્ષ એક માનવ આયખા સાથે અનેક રીતે જોડાઇ રહે છે. માનવજાતને ટકાવી રાખનાર ઓક્સિજન, જમીનના પેટાળ સુધી સંગ્રહિત થતુ પાણી કે પછી ખોરાક વૃક્ષોના ઉપકારથી જ મળે છે. આમ, છતાં આજે માણસજાત પર્યાવરણ પ્રત્યે નમક હરામ બની માતા પૃથ્વીનું વસ્ત્ર ઉતારી રહી છે.

ભારતીય સંસ્કૃતિમાં તો મુનિઓને વિચરતાં વૃક્ષો કહ્યાં છે અને વૃક્ષોને સ્થિર ઉભેલા સાધુ તરીકે જાણ્યાં છે. શાસ્ત્ર કહે છે કે જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ભોગ માટે વૃક્ષો રોપે છે, તે પરમ ગતિને પામે છે. ઋષિ તેના શિષ્યને કહે છે કે જે મનુષ્ય શાખા અને ઉપશાખાવાળાં વૃક્ષો રોપે છે, તે નરકમાં જતો નથી. અગ્નિ પુરાણની ઋચામાં કહેવાયું છે, ‘‘ફુલ અને ફળથી સુગંધિત વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે જ્ઞાની પુરુષ સમૃદ્ધ દેશમાં ઉત્તમ ગૃહમાં નિવાસ કરીને મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરે છે.’’ ‘‘તેપુત્રા: ધર્મતોમૃતાઃ’’ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે વૃક્ષોને ધર્મ પ્રમાણેના પુત્રો ગણ્યાં છે.

આમ છતાં એક સશક્ત વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના અગ્નિદાહ પાછળ ૧૬૦ કિલો લાકડું રાખ કરી દેવામાં આવે છે. ત્રણથી આઠ ઇંચ જાડાઇ ધરાવતાં ગોરસ, આંબલી, પીપર, કેશિયો, બાવળ, સાજડ જેવાં પાંચ જલાઉ વૃક્ષોને સ્મશાન માટે ઉતારવામાં આવે છે ત્યારે પોતાના પ્રાણ ધરી દેનાર વૃક્ષો તો તેમના ધર્મ અનુસાર મૃતાત્માને અગ્નિસંસ્કાર આપી પંચમહાભૂતમાં વિલિન કરે છે. પરંતુ લૌકિક કરનાર ઉત્તરાધિકારી ‘‘વૃક્ષોમાં હું પીપળો છું’’ તેમ કહી વૃક્ષોમાં પોતાનું ઐશ્વર્ય બક્ષનાર ભગવાન શ્રી કૃષ્ણના ગુનેગાર બની ઘેર પાછા ફરે છે.

ભારતમાં રોજ ૧૬૦૦ ટન લાકડું મનુષ્યના દેહવિર્સજન માટે હોમાઇ જાય તે કેવી હિંસા! ભારત સરકારના બિનપારંપારિક ઉર્જા વિભાગના વડા ડૉ. એન.એ. માથુરના અભ્યાસલેખ- ‘ધ ઇકોનોમિક્સ ઓફ એનર્જી પ્લાંટેશન’ ના પ્રયોગો આધારે જણાવાયું છે કે એક કિલો કેલરી લાકડું બળે છે ત્યારે ૩૭૦૦ કિલો કેલરી ઉર્જા પેદા થાય છે અને માણસના મૃત શરીરને નાશ કરવા ૬૫૦થી ૭૦૦ ડીગ્રી સેંટિગ્રેડ ઉષ્ણતામાનની જરૂરત રહે છે, તે સ્થિતિએ પહોંચવા ૫,૯૨,૦૦૦ કિલો કેલરી ઉર્જાનો વપરાશ થાય છે. આ ઉર્જાનો સકારાત્મક ઉપયોગ ન થઇ શકે? ગુજરાત રાજ્યના એનર્જી ડેવલપમેન્ટ વિભાગના કચ્છ જીલ્લાના અબડાસા ક્ષેત્રના વનીકરણ કાર્યક્રમના પરિણામ આધારે જોવા મળે છે કે એક હેક્ટરમાં ૧૦૦૦ વૃક્ષ વાવીએ અને તેને પાણી પાઇ માવજતથી ઉછેરવામાં આવે તો ૫ વર્ષે ૧૦૦ ટન લાકડું મળે છે.

આનો અર્થ એ કે રાજકોટ, ભાવનગર, જામનગર જેવાં મોટા શહેરોમાં મૃત્યુ પામતા દેહો ચાર દિવસે એક હેક્ટરનાં વૃક્ષોનું હર્યુ ભર્યુ જંગલ સાફ કરી નાખે છે! સંત સમાં દ્વેષહીન વૃક્ષોને સાચા અર્થમાં તારણહાર કહેનાર ગ્રંથસાહેબે વૃક્ષના વિવેકપૂર્ણ ઉપયોગનું શબ્દકીર્તન કર્યું છે અને વૃક્ષોને ન સાચવનારનું જીવન ઝૂંટવાઇ જશે તેવી ભવિષ્યવાણી ભાખી છે. ભારતીય સંસ્કૃતિની યશોગાથા સમાન સ્કંદપુરાણમાં કહેવાયું છે કે જે કોઇ મનુષ્ય નગર કે વૃક્ષ તોડે છે તે જું ભણ નામના ભયંકર નર્કમાં પડે છે. પુરાણો કહે છે કે કુળની તથા ધનની વૃદ્ધિ કાયમ રહે એમ ઇચ્છતા હો, તો વૃક્ષો ક્દાપિ કાપતા નહીં.

ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા સેવક રવિશંકર મહારાજ ઘસાઇને ઉજળા થવાની શીખ દેતા. તો ભાગવત કથાકાર ડોંગરેજી મહારાજ ગાતા, “ધૂપસળી સમ સુગંધ દેતાં આયુષ પૂરું કરવું છે.’’ત્યારે વિચારીએ કે જીવતા જીવ બીજાને ખપમાં અવાયું ન અવાયું, પરંતુ મરતી વેળાએ સંતો જેવાં વૃક્ષોને બાળી હવામાં ૩૦ ટકા કાર્બનડાયોક્સાઇડ, ૨૦ ટકા કાર્બન મોનોક્સાઇડ ઉપરાંત દેહના પ્રદૂષણને શા માટે પર્યાવરણમાં ભેળવીએ છીએ? એનાં કરતાં મૃત શરીરને જમીનમાં દફનાવી તેના પર એક વૃક્ષ રોપવાનો સંકલ્પ કરાય તો શરીરમાંના નાઇટ્રોજન, હાઇડ્રોજન, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ અને મિનરલ્સ જમીનમાં ભળશે ને ઘરતીમાતા સમૃદ્ધ થશે.

ર૧મી સદીના પ્રારંભે ગ્લોબલ વોર્મિંગનો શંખનાદ ફુકાઇ ચુક્યો છે. દેશ અને દુનિયાનું પર્યાવરણ નાજુક સ્થિતિમાં મુકાઇ ગયું છે અને ઇશ્વરની કરુણારૂપ વર્ષાને ધરતી ઉપર ઉતારનારાં વૃક્ષો ખૂટી રહ્યાં છે. ત્યારે સ્થિતિની ગંભીરતા સમજી વૃક્ષોને કપાતાં અટકાવીએ. અમેરિકા અને યુરોપથી ગ્રીન ડેથ નામની સંસ્થાએ પણ પોતાના સભ્યોને કોફીનમાં સડી જવાના બદલે એક વૃક્ષના પોષક બનવાનું અભિયાન પ્રચલિત કર્યું છે. તે પ્રકારે તમામ પર્યાવરણ પ્રેમી પોતાના દેહને અંતકાળે વૃક્ષને સમર્પિત કરવા સંકલ્પબદ્ધ થાય તો આપણી ભાવિ પેઢી ગૌરવભેર ગાન કરી કહી શકે, ‘‘વૃક્ષોની નિત્ય વૃદ્ધિ કરનાર હે પૃથ્વી તું અતિ શીલવતી છે. પુણ્ય અને દ્રવ્ય દેનારી છે અને સર્વનું પાલન કરનારી છે. આથી હે માતા, તને સદા નમસ્કાર.

મૃતાત્માને પંચ મહાભૂતમાં ભેળવવાનો વિચાર વિશ્વની તમામ સંસ્કૃતિઓએ અપનાવ્યો છે. હિન્દુઓ અગ્નિ તત્ત્વમાં શરીરને વિલીન કરે છે, તો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પૃથ્વી તત્ત્વમાં, પારસીઓ અને જરથ્રુસ્ટો આકાશ તત્ત્વમાં મૃત શરીરનો નાશ ઇચ્છે છે. તો તિબેટની બૌદ્ધ પરંપરા શબને પહાડ ઉપરથી ઉંડી ખીણમાં ગબડાવી વાયુ તત્ત્વની સાર્વત્રિક સત્તામાં શરીરને ભેળવી દે છે. પરંતુ તેથી એક ક્રમ આગળ ચાલી મૃત શરીરનું દેહદાન કરવાનો સંકલ્પ બળવત્તર થાય તો મેડીકલ કોલેજમાં ભણી શરીર વિજ્ઞાન શિખતા ભાવી ડૉક્ટરો પાસે શરીર રૂપી દાન વિધ્યાદાનનાં પુણ્યમાં પ્રગટ થશે.

ભાવનગરથી લોક સેવક માનભાઇ ભટ્ટે યુવાનીમાં રક્તદાન અને મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ સ્વીકાર્ય કર્યો તે રેડક્રોસના માધ્યમથી ૮૦૦ થી વધુ શરીર અગ્નિદાહ માટે સ્મશાન જવાના બદલે વિદ્યાભ્યાસ માટે મેડીકલ હોસ્પિટલમાં મુકાયા. રાજકોટની જનકલ્યાણ સંસ્થાએ ઓરગન ઇન્ડિયા દિલ્હીના સહકારથી ૬૬૦ દેહદાન સ્વીકારી ૭૦૦ ટન લાકડું બળતું બચાવી પર્યાવરણની ઉમદા સેવા કરી છે. ગેસ અને ઇલેક્ટ્રીક ફરનેસમાં દેહ વિર્સજન બાદ માનવ અસ્થિને ભાવનાત્મક રીતે પારંપારિક શ્રદ્ધા સાથે જોડવાની લાગણી છોડવા માટે સમાજ હજુ તત્પર નથી. પરંતુ દેહદાન પ્રવૃત્તિ સાથે જોડાએલ વિવિધ સંગઠનો વિદ્યાર્થીઓ માટેનું શિક્ષણ કાર્ય સંપન્ન થતાં મેડીકલ કોલેજ પાસેથી અસ્થિનો નાનો એવો ભાગ પરત મેળવી દાતાના પરિવાર સુધી પહોંચાડેતો વૈદિક ભાવના અનુસાર દાન અને દક્ષીણાનો હેતુ સાર્થક બની રહે.

પવિત્ર માટીના સહારે માટી બની વૃક્ષ થઇ પુન: પ્રકૃતિ વચ્ચે ઋષિતુલ્ય જીવન જીવવાનો મોકો આજના વિજ્ઞાને આપ્યો છે, જેને વધાવી લઇશું તો આપણી ભાવિ પેઢી ગૌરવભેર ગાન કરી શકશે, ‘‘વૃક્ષોની નિત્ય વૃદ્ધિ કરનાર હે પૃથ્વી, તું અતિ શીલવતી છે. પુણ્ય અને વ્ય દેનારી છે. સર્વનું પાલન કરનારી છે. આથી હે માતા, તને સદા નમસ્કાર’’. ગુજરાતના યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો એક વૃક્ષ માટે એક શરીર સોંપવાના વસિયતનામાથી સુજલાં સુફલાં મલયજ શીતલાંનું સ્વપ્ન સાકાર કરે.

માનવજાતને પ્રાણવાયુ આપનાર વૃક્ષો હવે છૂટયાં છે. કોવિડ મહામારીએ દુનિયાને ઓક્સિજનની કિંમત સમજાવી છે અને પ્રદુષણથી ભરેલા શહેરમાં ઓક્સિજન બાર ખૂલી રહ્યા છે, ત્યારે શહેરોને ગામડાંઓમાં સ્થપાયેલ પર્યાવરણ મંડળોના ઉપક્રમે સ્મૃતિવન તૈયાર થાય. સ્મૃતિવનમાં સ્વર્ગસ્થદેહોને સ્વીકારી તેના પર પવિત્ર વૃક્ષ ઉછેરવાની કાળજી લેવાય. મૃત શરીરનું દેહદાન થાય તો જીવાત્માનો આ ભવ ભલે સુધર્યો ન સુધર્યો પણ તેની બીજી જીંદગી જરૂરથી તેજોમય બની રહેશે. યાદ રહે માટીના માનવ પિંડ માટે તો પ્રકૃતિના હવાલે જતાં રહેવામાં જ સમ્યક જીવન છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top