Comments

ચાલ હથેળીમાં ચાંદ બતાવું…!

હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો અમસ્તા કરોડો રૂપિયાની ઘારી ખાયને ફાંદની વૃદ્ધિ કરતાં હશે? પણ કવિએ કહ્યું છે કે, ‘સૌંદર્યને પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે..!’સાવ સીધી વાત છે કે, કુવામાં હોય તો જ હવાડામાં આવવાનું. જેના કુવામાં જ ભમરડા ફરતા હોય, ને દેડકાઓ રેશનકાર્ડ કઢાવીને મૌજમાં જીવતા હોય, એની તો દયા જ ખાવાની. સ્વીકારી લેવાનું કે, કુવો જ ખાલી હોય તો હવાડો પણ ખાલી રહેવાનો.

જેમ ગાંધીજીના રેંટીયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી નહિ થવાય, એવું માની લેવાનું. આકાશમાં સોળે કળાએ ચંદ્ર ખિલવાડ કરતો હોય, ત્યારે ઘોરીને ઊંઘવાની ચેષ્ટા ત્યાગી, ઘારી ખાવી પડે. એ એક એવી જૈવિક ક્ષણ છે કે, ‘સોળે કળાએ ખીલેલા ચંદ્ર સાથે ‘સેલ્ફી’લેવાય, પણ તેની ચાંદનીનો વાટકો ભરીને મહોલ્લામાં પ્રસાદ વહેંચવા નહિ જવાય.’શરદ પૂર્ણિમા એટલે અંતરમનની આરપાર જવાનો પ્રવાસ. દૂધ-પૌંવામાં ચંદ્રને ઝીલી, પીઈ જવાની રાત. અશ્વિન માસના શુકલ પક્ષમાં આવતી પૂનમ, એટલે ‘બ્રાન્ડેડ’પૂનમ..! શરદ પૂનમ જ એવી રાત છે કે, ચંદ્ર મન મુકીને સોળે કળાએ ખીલે.

જેમણે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર નહિ કર્યો હોય, એમના માટે એ સાક્ષાત-આકાર કહેવાય. છે. પણ ભગવાન બનવાની આપણી ત્રેવડ નહિ, એટલે ભગાભાઈ બનીને સોળ કળામાં પોતીકી કળા ઉમેરીને અનેક કળા કરીએ. હથેળીમાં ચાંદ બતાવવા જેવી, કળાઓ વિકસિત નહિ કરીએ ત્યાં સુધી ટાઢક નહિ વળે. પામર માનવી બીજું કરી પણ શું શકે..? પ્રકૃતિનો નિયમ છે કે, જેને જેવી કળા સંપન્ન થાય, તેવું તેનું ઘડતર થાય. કળાઓને પામવા ને માણવા તો અંતરમનની આરપાર જવું પડે. જેમ પ્રાર્થના આત્માનો ખોરાક છે, એમ આનંદ અને પ્રસન્નતા એ મનનો ખોરાક છે. જેનું મન પ્રસન્ન એને બારેય માસ વસંત..! કંટાળો ટાળવા હવા ખાવા જવું એ તો માણસનું એક બહાનું છે.

બાકી જેમણે શરદ પૂનમની રાત સાથે ઘરોબો રાખ્યો છે, વસંતની મહેક સાથે મિત્રતા રાખી છે, કે વરસાદની હેલીમાં મન ભીંજવ્યા છે, એને હવા ખાવા જવાની જરૂર જ નથી. એ લોકો હવા ખાવા જતાં નથી, પણ હવા ભરવા જાય છે. ચિત્તની પ્રસન્નતા હોય તો, શ્વાસની વૃદ્ધિ થાય ને શ્વાસની વૃદ્ધિ વધે એટલે આવરદા લંબાય એ કુદરતે ગોઠવેલી વ્યવસ્થા છે. શરદ પુનમનો ચાંદ એટલે રૂડો ને અનોખો લાગે. શરદ પૂનમ આવે એટલે આકાશ ચંદ્રને બદલી નાંખતો નથી, કે એનું ફેસિયલ કરાવવા મોકલતો નથી. ..! સ્વયં સુંદર જ છે. પણ એની સુંદરતા માણવા મન પ્રસન્ન જોઈએ. આદિકાળથી એમાં કોઈ બદલાવ આવ્યો નથી. એ જે છે તે જ છે. બદલાય છે માત્ર દ્રષ્ટિકોણ..!

 સીધી વાત છે ને, ખોરાકની વૃદ્ધિથી શરીરનો બાંધો બંધાય, માથું નાનું ને પેટ ફાટ-ફાટ થાય, એનાથી મગજની મલાઈ નહિ બંધાય. મનને સ્વસ્થ રાખવા તો હાસ્ય જોઈએ, મનોમંથન અને મનોરંજન જોઈએ. જે વાત કવિ-લેખકો અને ગઝલકારો સમઝી ગયેલા એટલે તો એમણે ચંદ્ર અને ચાંદનીને ભરપેટ રમાડ્યા. કારણ તેઓ સંવેદનશીલ છે. શરદ પૂનમની રાત એટલે પ્રેમની અજોડ તાકાત. એને માણવાની દ્રષ્ટિ ભલે ધારદાર હોય, પણ દ્રષ્ટિકોણમાં જો મોતિયો હોય તો, માશૂકા પણ સુર્પણખાં લાગે. જેના સંસારમાં જ મધમાખીએ પૂડા બાંધ્યા હોય, એને તો હથેળીમાં ચાંદ આપીએ તો પણ એના જીવનમાં અજવાળું નહિ થાય. એમાં રતનજી પણ શું કરે..?

 શરદ પૂનમના ચાંદ અને ચાંદનીને માણવાનો અવસર એટલે અનુપમ યોગ. કોઈ મદમસ્ત કન્યાના કપાળ ઉપર થાળી જેવો ચાંદલો જોઈએ ત્યારે શરદ પૂનમનો ચંદ્રમા પણ મોબાઈલ દર્શન આપતો લાગે..! સૌના કપાળે શરદ પૂર્ણિમા ખીલી હોય એવું લાગે. ચાંદલો ભલે સફેદની જગ્યાએ લાલ હોય, રંગ મહત્વનો નથી, એના ‘ઓરા’મહત્વના છે..! એનો દેખણહારો કે (હારી) ભલે ભલીવાર વગરની હોય, છતાં અગાશીએ ચઢી ફેમીલી સાથે ઘારી તો ઝાપટે છે ને..? પછી તો જેવી જેના પેટની ‘કેપીટીટી’sorry કેપેસીટી..! એ વધારે ઝાપટે કે ઓછી, ‘What goes our father..?

‘બીજાની ખુશીમાં ખુશ રહેવું, ને બીજાને પણ ખુશ કરવું, એ જ શરદ પૂર્ણિમાનો મહિમા..! આળસુ પણ શૈયા-ત્યાગ કરીને હાથમાં કલગી અને નાળીયેર લઈને થનગનવા માંડે, એનું નામ શરદ પૂર્ણિમા..! એને પણ સંવેદના જાગે કે, લાવ એકાદ રાસડો ખંખેરી આવું ને શીતળ ચાંદનીમાં છબછબીયા કરી ઘારીનું એકાદ બટકુ મારતો આવું. શરદ પૂનમની સફેદી આંગણામાં ઉતરી હોય ત્યારે, તો ઘેલા મનનો માનવી પણ પ્રકૃતિ પ્રેમી બની જાય.

પછી તો જેવી ઈશ્વરની માયા..! ધરાઈસુધ ઘારી ઠોકી નાંખ્યા પછી પણ ઘારી ખાધાનો ઓડકાર નહિ આવે, ને હૃદય વીણાના તાર ‘તુણતુણ’થવા નહિ માંડે, તો માનવું કે, ભાઈનામાં ‘કંપની-ફોલ્ટ’છે. ક્યાં તો પછી માની લેવાનું કે, તમામ વક્ર ગ્રહો ભાઈની કુંડળીમાં આડા પડીને ઘોરતા હોય, એમાં એનો પણ શું દોષ..?  કસ્સમથી કહું તો શરદ-પૂર્ણિમા મને ગમે બહુ. શરદ પૂનમની રાત એટલે પ્રેમીઓનું પ્રભાત….! એ રાતે અમે કંઈ કાળો કમળો ઓઢીને અમે પણ સુઈ નહિ રહીએ? હવે તો કુંવારા પણ એટલાં ‘નોલેજેબલ’થઇ ગયેલાં કે. ‘વાંઢા થઈને ‘હાઈ પ્રેસર‘માં રહેવું, એના કરતાં પરણીને પત્નીના ‘કહ્યાસર ‘રહેવું સારું.’સારામાં સારી અવસ્થા હોય તો તે, કુંવારાઓની, બાકી બીજી બધી તો વ્યવસ્થા જ કહેવાય..! હથેળીમાં ચાંદ બતાવવા જેવી..!

 લાસ્ટ ધ બોલ
શ્રીશ્રી ભગાના ચંપુનો જનમ અમાસની અંધારી રાતે લીપ યરમાં થયેલો. પણ ઉજાસ શરદ પૂર્ણિમા જોઇને આવેલો. એક દિવસ થાંભલે ચઢીને કહે, “એ પેલી શરદ પૂર્ણિમા આવી..શરદ પૂર્ણિમા આવી..!
મને નવાઈ લાગી કે, ‘સાલી પંચાગમાં અમાસ છે, ને આ શરદ પૂર્ણિમા કેમ બોલે?’
પછી ખબર પડી કે, સામેથી શરદભાઈ અને પૂર્ણિમાબેન આવતા હતાં.
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top