આજના સમયમાં કોઈ વ્યક્તિ 40 દીકરીઓના પિતા હોઈ શકે? અમને ખબર છે તમારા બધાનો જવાબ એક જ હશે. ના હોય! આ તો અસંભવ છે પણ તમે જ્યારે શહેરના સલાબતપુરા વિસ્તારમાં જશો તો ખાંગડ શેરીમાં તમને જયરૂપના નામે ઓળખાતા જયેશ ચૌહાણ સાથે ભેટો થઈ જશે. આ જયરૂપભાઈ જ 40 દીકરીઓના પિતા છે. હવે પાછો તમને સવાલ થશે કે જયરૂપભાઈને 40 દીકરીઓ કઈ રીતે? આજના સમયમાં એક કે 2 બાળકોની જવાબદારી ઉઠાવતાં મા-બાપના નાકે દમ આવી જાય છે એવા સમયમાં જયરૂપભાઈ 40 દીકરીઓની જવાબદારી કેવી રીતે ઉઠાવતાં હશે?
તો અમે તમને જણાવી દઈએ મા-બાપ વિહોણી કે સિંગલ પેરેન્ટ ધરાવતી અત્યંત ગરીબ ઘરની છોકરીઓની ભરણપોષણ, ભણતરની, રહેવાની જવાબદારી ઉઠાવતા જયરૂપભાઈ 40 દીકરીઓના પિતા કહેવાય છે. વળી તમને પ્રશ્ન થશે કે, આ છોકરીઓ તેમને ક્યાંથી મળી? જયરૂપભાઈ અધ્યાત્મમાં ખૂબ માને છે અને સમાજ માટે કંઇ કરવાની તેમની ઇચ્છા હતી. જ્યારે તેમણે ફૂટપાથ પર ચાર બાળકોને જોયા ત્યારે તેમને અંદરથી જ થયું કે હું જે કરવા ઇચ્છુ છું તે આજ છે. મારે આ ગરીબ બાળકો માટે કંઇક કરવું જોઇએ. ગુજરાતમિત્ર’ ‘સન્નારી’ની ટીમ જ્યારે જયરૂપભાઈને મળવા સલાબતપુરાની તેમની ઓફીસે પહોંચી ત્યારે તદ્દન નીરવ, શાંત,બુદ્ધાની અનેક મૂર્તિઓ વચ્ચે જયરૂપભાઈ બેઠા હતા. અમે જયરૂપભાઈ સાથે વાતચીત કરી અને તે 40 દીકરીઓના પિતા કઇ રીતે બન્યા તે વાત જાણી.
તમારી આ સફર કઇ રીતે શરૂ થઇ?
22 વર્ષ પહેલાં ફૂટપાથ પર ચાર ચીંથરેહાલ બાળકોને ચોક અને દેશી પાટી (સ્લેટ) સાથે જોયા અને મારા અંતરાત્માએ કહ્યું જયરૂપ તું આ બાળકોની જવાબદારી ઉઠાવી લે. નિઃસ્વાર્થ ભાવે હું બાળકોની સારસંભાળ રાખતો હોવાની વાત ફેલાતી ગઈ તેમ-તેમ ગરીબ, અનાથ, સિંગલ પેરેન્ટ તેમનાં બાળકોની જવાબદારી મને સોંપતા ગયા અને આ રીતે બાળકોનો કાફલો વધતો ગયો અને હું 40 દીકરીઓનો પિતા બની ગયો.
શું એ ચાર બાળકોનાં માતા-પિતા તેમનાં બાળકો તમને સોંપાવા સરળતાથી તૈયાર થઈ ગયાં હતાં?
વર્ષ -2000માં સુરત ટોકીઝની સામેના રોડ પર ફૂટપાથ પર ત્રણ છોકરી અને એક છોકરો ભણી રહ્યાં હતાં. મારો અંતરાત્મા જાગ્યો મને બાળકો પહેલાંથી જ ગમતાં અને મારો જન્મ પણ 14 નવેમ્બર બાળદિનના દિવસે થયો છે. એ ચાર બાળકોની જવાબદારી ઉઠાવી લેવા મારા અંતરાત્માએ કહ્યું પણ બાળકોના સિંગલ પેરેન્ટ, દાદા-દાદીને આ વાત સમજાવતાં મને 3 મહિના લાગ્યા.
આ ચાર બાળકોને કયાં રાખ્યાં?
ભાઠેનામાં ભાડાનો રૂમ લીધો. અહીં બે કેરટેકર રાખ્યા બાળકોની સારસંભાળ માટે. પણ અહીં ટોયલેટ- બાથરૂમ એક જ હતાં. બાળકોની સંખ્યા જેમ જેમ વધતી ગઇ તેમ તેમ આ જગ્યા અપૂરતી લાગી.
તમારે ત્યાં પનાહ લેનાર બધી છોકરીઓ જ છે તો છોકરાઓને પણ રાખવાનો વિચાર તમને ન આવ્યો?
પહેલાં તો હું છોકરા-છોકરી બંનેને રાખતો હતો પરંતુ પછી કાયદો એવો આવ્યો કે એક જ હોસ્ટેલમાં છોકરા-છોકરીઓને સાથે નહીં રાખી શકાય. તેના માટે 2 બિલ્ડીંગ જોઈએ અને તે 2 બિલ્ડીંગ વચ્ચે 100 મીટરનું અંતર હોવું જોઈએ એટલે નક્કી કર્યું કે દીકરીઓને રાખવી. છોકરાઓની સંખ્યા ઓછી હોવાથી તેમને વાત્સલ્યધામમાં મોકલ્યાં.
બાળકોની જવાબદારી લેવાનો નિર્ણય તમે કર્યો ત્યારે ફેમિલીનો પ્રત્યાઘાત શું હતો?
મારી વાઈફ અને મારાં બાળકોનો મને ખૂબ જ સપોર્ટ છે. એમના સપોર્ટ વગર તો આ ભગીરથ કાર્ય થઈ જ ન શકે. મારી વાઇફ દિવસમાં ત્રણથી ચાર કલાક અહીં જ હોય છે શરૂઆતમાં મારા બાળકોને થોડોક પ્રોબ્લેમ લાગતો હતો કારણકે હંું દર રવિવારે મારા બાળકો સાથે ફરવા જતો. પણ કાર્ય શરૂ કર્યા બાદ દર રવિવાર આ દિકરીઓ સાથે વીતાવું છું. પણ ધીમે ધીમે ફેમીલીના લોકો સપોર્ટ કરતા ગયા. મારી વાઇફ જરૂર હોય તેટલા જ કપડાં અને પ્રમાણમાં રીઝનેબલ ભાવના જ કપડાં પહેરે છે. કોઇક ખોટા ખર્ચા કરતાં નથી. જેથી અમે અમારા આ મોટા પરિવારને શક્ય હોય એટલી સારી રીતે સાચવી શકીએ. મારી વાઇફ છોકરીઓને જે ખાવાની ઇચ્છા હોય તે બનાવી આપે છે. પછી તે પિઝ્ઝા હોય સમોસા હોય કે પાણીપૂરી હોય
નવું ભવન ક્યારે બનાવ્યું? તે બનાવતી વખતે કોઈ મુશ્કેલી પડી?
સંખ્યા વધતી ગઈ એટલે નવી જગ્યાની જરૂર પડી. આથી નવું મોટું ભવન 8 વર્ષ પહેલાં રૂસ્તમપુરામાં બનાવ્યું. એક તબક્કે પૈસાના અભાવે બાંધકામ અટકી પડે તેમ હતું. બિલ્ડરે કહી દીધું કે 3 લાખ તો આપો જ નહીં તો બધી એજન્સીઓ કામ બંધ કરી જતી રહેશે. બાકીના પૈસા સગવડ થાય એમ કટકે કટકે આપજો. એટલે મને ત્રણ લાખનું ટેન્શન થયું. આ પૈેસા કઇ રીતે આવશે મેં તો ઇષ્ટદેવ પર જ છોડી દીધું. આ બોલતાં જ જયરૂપભાઈ ખૂબ ભાવુક થઈ ગયા અને તેમની આંખમાંથી અશ્રુ સરી પડ્યાં. આંસુ લૂછતાં-લૂછતાં તેમણે કહ્યું એક દિવસ રાતના 8 વાગે મારા ઘરનો દરવાજો કોઈએ ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો ત્યારે એક શ્યામવર્ણી સાઉથ ઇન્ડિયન વેંકટેશ નામની એક વ્યક્તિ દરવાજા પર ઊભી હતી. તેણે ઘરમાં આવી પેપરમાં લપેટેલા એક લાખ રૂપિયા આપ્યા. મેં તેમને રસીદ આપવાનું, તેમનો ફોનનંબર આપવાનું કહ્યું પરંતુ તેમણે કહ્યું કે તમારા કામ વિશે સાંભળ્યું છે એટલે મેં 1 લાખ રૂપિયા આપ્યા અને મારે કોઇ રસીદ જોઇતી નથી. તે કંઈ પણ બોલ્યા વિના હસતાં હસતાં ચાલી ગયા. બીજા દિવસે ફરી પાછો એ જ ઘટનાક્રમ. રાતે વેંકટેશ આવ્યો અને એક લાખ રૂપિયા આપી ગયો. ફરી ત્રીજા દિવસે રાતના 8 વાગે વેંકટેશ આવ્યો અને ફરી એક લાખ રૂપિયા આપ્યા ચોથા દિવસે એજ સમયે ઘરનો દરવાજો કોઇએ ખખડાવ્યો. દરવાજો ખોલતા સામે મારા સત્સંગ ગ્રુપનાં એક ટેક્સટાઇલના વેપારી આવ્યા તેમના હાથમાં સ્ક્રોલ હતો અને તેમણે કહ્યું આ હું તમારા માટે ભેટ લાવ્યો છું. એ ખોલ્યું તો તેની પર લોર્ડ વેંકટેશનું એમ્બ્રોઇડરી કરેલંુ ચિત્ર હતું આને તમે શું કહેશો એક ચમત્કાર જ કહેશો ને. આ જોઇને મને ખાત્રી થઇ ગઇ કે ઉપરવાળો સ્વયં મને મદદ કરી ગયો.
આટલી મોટી આર્થિક જવાબદારી કઈ રીતે નિભાવો છો? કોઈ મદદ મળી રહે છે?
લોકો મોટી મોટી વાતો તો બહુ કરે છે પરંતુ ખાસ મદદ મળતી નથી. મારા મિત્રો અને મારા બિઝનેસ સાથે સંકળાયેલા કસ્ટમર જરૂરિયાતની વસ્તુઓની મદદ કરે છે. મોટા ભાગે મારું જ ભંડોળ હોય છે. મદદ મળે તે પણ એકાદ મહિનાનાં દૂધ, શાકભાજી, કરિયાણાની.
નવા ભવનનું ‘ઢીંકા ચીકા ચાર્લી હાઉસ’ નામ કેમ રાખ્યું?
આ નવું ભવન બન્યું ત્યારે મેં મારી આ દીકરીઓને જ પૂછયું કે શું નામ રાખવું છે? અને દીકરીઓએ ઢીંકા ચીકા નામ રાખવાનું કહ્યું. હું યુવાનીમાં ચાર્લી ચેપ્લિનની એક્ટિંગ કરતો હતો. એક વખત પદ્મશ્રી યઝદી કરંજીયાએ કહ્યું હતું કે, જયરૂપ તારામાંનો ચાર્લી કાયમ જીવંત રહેવો જોઈએ એટલે ઢીંકા ચીકાની પાછળ ચાર્લી હાઉસ ઉમેરી દીધું અને આ રીતે આ નવા ભવનનું નામ ‘ઢીંકા ચીકા ચાર્લી હાઉસ’ રાખ્યું.
તમને આ સેવાકાર્ય કરતા કોઈ ને કોઈ કડવા અનુભવ તો થયા હશે ને?
હા, એક કડવો અનુભવ હું તમને કહું. એક ભાઈ તેની દીકરીને મારે ત્યાં મૂકી ગયા હતા. એની મા મૃત્યુ પામી હતી. તે છોકરીની દાદીને ખબર પડતાં તેણે પોલીસ ફરિયાદ કરી અને મને કોર્ટનું તેડું આવ્યું. કોર્ટમાં તે દીકરીએ જવાબ આપેલો કે, જયરૂપ સર બહુ સારા છે. મને અહીં મારા પપ્પા મૂકી ગયા હતા. આ બનાવ પછી અમે ડોક્યુમેન્ટેશનની પૂરતી તકેદારી રાખીએ છીએ અને જ્યારે કોઇ દીકરી મુકી જાય ત્યારે એ લોકો પાસે લેખિત લઇ લઇએ છીએ. જેથી કોઈ તકલીફ ના પડે.
દીકરીઓના ભણતરનું શું?
વનિતા વિશ્રામ સ્કૂલમાં ભણવા મૂકું છું પણ જો સ્કૂલવાળા કહે કે આ છોકરીઓ ભણવામાં નબળી છે તો શરૂઆતમાં એ બાળકીઓને સરકારી સ્કૂલમાં ભણાવું છું. છોકરીઓ માટે ટ્યુશનની વ્યવસ્થા પણ કરી છે. દીકરીઓને સ્કૂલે લઇ જવા અને લાવવા માટે વેન રાખી છે. તેની ડ્રાઇવર પણ મહિલા છે અને રસોઇ બનાવનાર પણ મહિલા. તમામ સ્ટાફ મહિલાઓનો છે.
તમારા બાદ ચાર્લી હાઉસનું શુ઼ં થશે?
મારા બાદ પણ ચાર્લી હાઉસ આ જ રીતે ચાલતું રહેશે. મારા દીકરા-દીકરીએ કીધું છે કે તેઓ ચાર્લી હાઉસને ચાલુ રાખશે. એટલે મારા બાદ ચાર્લી હાઉસનું શું થશે તેનું મને કોઇ ટેન્શન નથી. મને વિશ્વાસ છે કે ઉપરવાળો બધું સંભાળી લેશે.
હાલમાં 40 છોકરીઓ છે, ભવિષ્યમાં વધારે છોકરીઓ આવી તો તેમના રહેવા માટેની વ્યવસ્થાનું શુ઼ં?
ચાર્લી હાઉસમાં 100 છોકરીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરી રાખી છે. એટલે ભવિષ્યમાં છોકરીઓની સંખ્યા વધી તો પણ જગ્યાનો અભાવ નહીં રહે. તિબેટથી વાયા સિંગાપોર થઈને સુરતમાં જયરૂપભાઈના હાથમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ આવી હતી
જયરૂપભાઈ ભગવાન ગૌતમ બુદ્ધને ખૂબ માને છે. તેઓ મેડિટેશન કરે છે. તેમણે કહ્યું કે, તેઓ ગુરુની શોધમાં ભટકતા હતા. જેટલા પણ માસ્ટર પાસે ગયા તેઓ નાસીપાસ થઇ જતા અને એમ થતું કે આ તો નહીં જ. હું પ્રભુને પ્રાર્થના કરતો કે મારે એક સારા ગુરુ જોઈએ. પછી અંતરાત્માનો અવાજ સંભળાયો કે, હું તારો ગુરુ છું અને હું બુદ્ધ છું. તિબેટથી આજે નીકળીને હું સિંગાપોર નરેન્દ્ર પાસે પહોંચી અને ત્યાંથી નરેન, હરેશ અને હોશંગ દ્વારા હું તારી પાસે પહોંચી રહ્યો છું. સિંગાપુરમાં કોઈ ઓળખાણ નહીં અને ત્યાં નરેન્દ્રને શોધવા ક્યાં? આથી સિંગાપુરની ટેલિફોન ડિરેક્ટરી મેળવીને નરેન્દ્ર નામની વ્યક્તિઓના ફોનનંબર શોધી ફોન કર્યા કે, આ રીતે ઘટના થઈ છે. ત્યારે કોઈએ મારી મજાક ઉડાવી, કોઈએ કહ્યું આવું નહીં હોય અને 7 દિવસ પછી મેં જેમને ફોન કરેલા તેમાંથી જ એક વ્યક્તિ નરેન્દ્રનો ફોન મને સિંગાપુરથી આવ્યો કે, એક બુદ્ધિસ્ટ સાધુએ તેમને નાનકડી બુદ્ધની પ્રતિમા આપી છે અને તેઓ (નરેન્દ્રભાઈ) તંદ્રામાં ચાલ્યા ગયા અને તંદ્રામાંથી જાગ્યા ત્યારે તે બુધ્ધિસ્ટ સાધુ અદ્રશ્ય થઈ ગયા હતા. હવે મને ચિંતા થઇ કે સિંગાપોરથી આ પ્રતિમાને અહીં લાવવી કેવી રીતે? પરંતુ પ્રભુ કૃપાથી બધું ગોઠવાતું ગયું.નરેન્દ્રભાઈને ત્યાં ભારતનો વ્યાપારી નરેન આવ્યો અને આ વ્યાપારીએ પૂછ્યું કે, ઇન્ડિયા કશું લઈ જવાનું છે? અને નરેનના હાથમાં નરેન્દ્રએ મૂર્તિ આપી. નરેન મૂર્તિ લઈને મુંબઇ આવ્યા. જયરૂપભાઈએ વાતને આગળ વધારતા કહ્યું હવે મુંબઈ એરપોર્ટ પરથી મૂર્તિ લેવાની હતી. મને મારો મિત્ર હરેશ યાદ આવ્યો. મેં હરેશને આ મૂર્તિ નરેન પાસેથી કલેક્ટ કરવા કહ્યું પણ હરેશ પોતાની જ તકલીફોમાં હતો એટલે પહેલાં તો ના પાડી. મેં આખી ઘટના કહી સંભળાવી. અને ત્રીજું નામ હરેશનું હોવાનું કહ્યું એટલે હરેશ નરેન પાસેથી મૂર્તિ લાવવા તૈયાર થઈ ગયા. ત્યાર બાદ મારા એક મિત્ર હોશંગ તે મૂર્તિ સુરત સુધી મારી પાસે લઈ આવ્યા. આમ તિબેટથી સિંગાપુર થઈને મુંબઈથી મૂર્તિ મારી પાસે સુરતમાં આવી. જેટલા પણ વ્યક્તિઓના હાથમાં આ મૂર્તિ આવી તે બધા જ કોઇ ને કોઇ તકલીફમાં હતા પણ મૂર્તિ હાથમાં આવ્યા બાદ તેમની તકલીફો દૂર થઇ ગઇ.
ચાર્લી હાઉસમાં દીકરીઓ પિતાની જેમ જયરૂપભાઈને વળગી પડી અને વાતાવરણ ભાવનાત્મક બન્યું
જ્યારે ‘ગુજરાતમિત્ર’ ‘સન્નારી’ની ટીમ ચાર્લી હાઉસ જયરૂપભાઈ સાથે પહોંચી ત્યારે શિસ્તબધ્ધ રીતે બેઠેલી દીકરીઓ જયરૂપભાઈને જોઈને તેમને ગળે વળગી પડી અને તેમના ચહેરા પર હાસ્ય રેલાયેલું જોવા મળ્યું હતું. એક પણ દીકરી જયરૂપભાઈથી દૂર જવા તૈયાર નહોતી. કોઈની પણ આંખોમાં આ દ્રશ્ય જોઈ ખુશીનાં આંસુ આવી જાય તેવું ત્યાંનું વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું. જયરૂપભાઈ પણ નાના બાળકની જેમ તે દીકરીઓ સાથે રમવા લાગ્યા. દીકરીઓ પોતાની વાતો સર જયરૂપભાઈને કરવા લાગી અને હસીમજાક ચાલવા લાગી. અમે કેટલીક દીકરીઓ સાથે વાત કરી.
અમે ચાર્લી હાઉસમાં પનાહ લેનારી કેટલીક છોકરીઓ સાથે વાત કરી…
પરિવારથી છૂટા પડ્યા બાદ ચાર્લી હાઉસમાં બીજો પરિવાર મળ્યો: માયા સકટ
22 વર્ષની માયા ઉધનાની સિટીઝન કોલેજમાં M.A. with સાયકોલોજીનો અભ્યાસ કરી રહી છે. તેને સાઈકિયાટ્રીસ્ટ બનવું છે. માયાએ કહ્યું કે, ‘‘મારા પપ્પાનું 2002નl સાલમાં નિધન થયું હતું અને ત્યારબાદ હું ચાર્લી હાઉસમાં આવી હતી. આમ પરિવારથી છૂટા પડયા બાદ મને ચાર્લી હાઉસમાં બીજો પરિવાર મળ્યો. હું આગળનો અભ્યાસ કરીને પગભર થવા માંગું છું. તેણે કહ્યું કે જો મારા મેરેજ સુરતમાં થયા તો હું અહીં દર પંદર દિવસે આવીને મારી સેવા આપીશ. જો સુરત બહાર લગ્ન થયા તો મહિનામાં એક વાર તો અચૂક અહીં આવીશ.
કિરણ બેદીની જેમ IPS ઓફિસર બનવું છે: વૈષ્ણવી ચૌહાણ
વૈષ્ણવી વાત કરતાં કહે છે કે, ‘‘મમ્મીના મૃત્યુ બાદ પપ્પાની હેલ્થ સારી નહોતી રહેતી. પપ્પા વધુ બીમાર પડતા અમે સુરત કાકાને ત્યાં આવ્યાં. મારાં કાકીના છોકરાને અમે આવ્યાં તે ગમતું નહોતું એટલે મને મારા કાકી ચાર્લી હાઉસમાં મૂકી ગયાં હતાં. IPS ઓફિસર કિરણ બેદીથી હું ઇન્સપાયર થઈ હતી અને કિરણ બેદી રિલેટેડ ઘણાં બધાં પુસ્તક વાંચેલાં. મારે કિરણ બેદીની જેમ IPS ઓફિસર બનવું છે.’’ સર એટલે કે, જયરૂપભાઈ તેમની સાથે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેના વિશે ડિસ્કસ કરે છે અને એકશન લે છે. બધી જ છોકરીઓને ફરવા પણ લઈ જવામાં આવે છે.
જે સુવિધા ઘરે નહીં મળી તે ચાર્લી હાઉસમાં મળી રહી છે: દિવ્યા
ચાર્લી હાઉસમાં ઘર જેવી સુવિધામાં રહેતી 11 વર્ષની દિવ્યાએ કહ્યું કે, ‘‘મારા મમ્મીનું છાપરું હતું. વરસાદમાં છાપરું ઊડી ગયું. પછી મમ્મી મને ચાર્લી હાઉસમાં લઈ આવી. અહીં સવારે દૂધ અને કોરો નાસ્તો મળે છે. બપોરે દાળ-ભાત અને કઠોળનું શાક મળે છે. રાત્રે રોટલી અને શાકનું ભોજન મળે છે. ગણેશ ઉત્સવ, જન્માષ્ટમી, દિવાળી, નવરાત્રી ઉત્સવ બધા સાથે મળીને ઉજવીએ છીએ. દિવ્યાએ કહ્યું આ વખતે ફાધર્સ ડે પર અમે બધી ગર્લ્સ મળીને જયરૂપ સરને સરપ્રાઇઝ આપવાના છીએ.