દાદી સાવિત્રીબા ગોળકેરીનું અથાણું બનાવી રહ્યા હતા, રીના અને તેની મમ્મી બંને સાથે મદદમાં હતા. દાદીના હાથની ગોળકેરી બહુ સરસ બનતી અને એટલે દાદી 10 થી 12 કિલો ગોળકેરી બનાવી પરિવારમાં બધાના ઘરે મોકલતા. ગોળકેરીનો બધો સામાન આવી ગયો હતો. કાચી કેરી, ગોળ, મેથી, મરચું, મીઠું વગેરે. દાદીએ ગોળકેરી બનાવવાનું શરુ કર્યું. મમ્મીએ કેરી કાપી ટુકડા કર્યા, ગોળ સમારવાનું કામ રીનાને સોંપ્યું, દાદીએ પોતાના હાથે ખાસ ગોળકેરીનો સંભાર મસાલો તૈયાર કર્યો. ગોળકેરીનું અથાણું બની રહ્યું હતું…તે બનાવતાં બનાવતાં દાદીએ સરસ વાત કરી દાદી બોલ્યા, ‘’આ ગોળકેરી સ્વાદમાં અદકેરી હોય છે અને ભોજનની થાળીનો સ્વાદ વધારી દે છે અને જો ધ્યાનથી સમજો તો તે જીવનનો સ્વાદ કઈ રીતે વધારી શકાય તેનો સંદેશ પણ આપે છે.’’
રીના હસી અને બોલી, ‘’દાદી, તમારી ગોળકેરી સુપર ટેસ્ટી હોય છે એટલે તે ભોજનનો સ્વાદ વધારી દે છે પણ તેમાં જીવનનો સ્વાદ વધારવાનો શું મેસેજ છે તે સમજાયું નહિ.’’ દાદી બોલ્યા, ‘’જો આ કાચી કેરી સ્વાદમાં કેવી હોય છે..એકદમ ખાટી; આ ગોળ એકદમ મીઠો, આ મેથી કડવી, આ મરચું તીખું, આ મીઠું ખારું આમ આ ગોળકેરી જે સામગ્રીમાંથી બને છે તે બધી સામગ્રીનો મૂળ સ્વાદ એકબીજાથી સાવ જુદો છે. છતાં જયારે આ બધા એકસાથે ભેગા થઈને એકબીજા સાથે જે રીતે ભળીને, એડજેસ્ટ થઈને જે અથાણું બનાવે છે તેનો સ્વાદ કેવો ટેસ્ટી ન ભૂલાય તેવો હોય છે કે જે ખાય તે આંગળા ચાટતા વખાણ કરતા ન થાકે બરાબર …. ‘’
રીના બોલી, ‘’હા બરાબર દાદી, બધાના સ્વાદ એકબીજાથી જુદા છે પણ સાથે મળીને અદ્ભુત સ્વાદિષ્ટ કોમ્બીનેશન બનાવે છે.’’ દાદી બોલ્યા, ‘બસ આ જ ગોળકેરીનો મેસેજ છે જેનાથી તમે જીવનને મધુરું બનાવી શકો છો. જીવનમાં આપણને જે લોકો મળે છે, પરિવારમાં જે લોકો સાથે રહેતા હોય છે બધાના મૂળ સ્વભાવ જુદા જુદા હોય છે પણ જો તમે બધાના સ્વભાવને સમજી લો અને એકબીજા સાથે હળી મળીને એડજસ્ટમેન્ટ કરતા શીખી લો તો જીવન પણ આ બધા જુદા જુદા સ્વાદવાળી વસ્તુઓથી બનેલા અથાણાં જેવું ટેસ્ટી મધુરું થઇ જશે. દરેકનો સ્વભાવ જુદો હોય છે તે સ્વીકારી લો અને એકબીજા સાથે ભેગા થઈને થોડું એડજેસ્ટ કરીને જીવન જીવતા શીખી લેશો તો એક બધાને ગમશો અને જીવન થોડી તીખી- થોડી ખાટી -વધુ મીઠી ગોળકેરી જેવું મધુરું બની જશે.’’ દાદીએ ટેસ્ટી અથાણું બનાવતા શીખવ્યું અને સાથે સાથે મધુરા જીવનની રીત પણ સમજાવી. ચાલો આપણે પણ જીવનમાં બનાવીએ ગોળકેરી અને બનાવીએ ગોળકેરી જેવું મધુરું જીવન.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.