સુરત : આવતીકાલે તા. 7 મે ને મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા સામે ક્ષત્રિયોના રોષને કારણે ભાજપને અહી નવાજુની થવાનો અંદેશો હોય તેમ વધુમાં વધુ મતદાન કરાવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. તેમાં પણ આજે રાજકોટના લોકો જ્યાં વસે છે તે વરાછા વિસ્તારમાં રાજકોટ જઇ મતદાન કરવા માટે બેનરો લગતા તર્ક-વિતર્ક ઉઠી રહ્યા છે.
- સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવાની અપીલનો ઉલ્લેખ કરાયો
- ચાલો રાજકોટ…. 100 ટકા મતદાન કરીયે… વરાછામાં બેનર લાગતા રાજકીય ગરમાટો
- વરાછા ફ્લાય ઓવરબ્રિજની નીચે ચાલો… રાજકોટ…ના લખાણ સાથે મતદાન કરવા રાજકોટ જવા અપીલ કરાતા તર્ક-વિતર્ક
વિસ્તૃત વિગતો મુજબ શરૂઆતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતની તમામ 26 બેઠકો વન સાઇડ લાગતી હતી. જો કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે થયેલી ટીપ્પણી બાદ ધીમેધીમે ક્ષત્રિયોનો વિરોધ આખા રાજ્યમાં ફેલાઇ ગયો છે. ત્યારે રાજકોટમાં કાચુ ન કપાઇ જાય તે માટે રૂપાલાના સમર્થનમાં ચાલો રાજકોટ… લખેલા બેનરો સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં લાગતા રાજકારણ ગરમાયું છે. બેનરોમાં સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવાની અપિલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દરમિયાન શહેરના વરાછા અને કતારગામ વિસ્તારમાં ચાલો રાજકોટના બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. પાટીદાર વિસ્તારમાં લાગેલા બેનરોમાં ગામ અને સીમમાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ચાલો રાજકોટ મતદાન માટે, હિંદુ એકતાની જય, સૌરાષ્ટ્રની શાંતિ માટે ચાલો 100 ટકા મતદાન કરીએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નોધનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હોય સમગ્ર પાટીદાર સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં પુરૂષોત્તમ રૂપાલાના સમર્થનમાં જાહેરસભા યોજવામાં આવી હતી. મોટાવરાછાના ગોપીન ગામ ખાતે મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના સમર્થન માટે યોજાયેલી સભા દરમિયાન રૂપાલાએ સુરત શહેરમાં રહેતા રાજકોટ જિલ્લાના રહીશોને એક સપ્તાહ માટે ચૂંટણી પ્રચાર માટે રાજકોટ આવવાની અપીલ કરી હતી.
વરાછાના માનગઢ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખે પણ સૌરાષ્ટ્રના ભાજપના ઉમેવારોને બને એટલી મદદ કરવાની હાંકલ કરી હતી. જેને પગલે બહુલ પાટીદાર વિસ્તાર એવા વરાછા અને કતારગામમાં ઠેર-ઠેર ચાલો રાજકોટના બેનરો લાગ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.