કાવડમાં ગંગાજળના કુંભ ભરીને દૂર દૂરથી આવનારા શિવભક્તો પગયાત્રા કરીને શિવમંદિરમાં શિવજીને જલાભિષેક કરે છે. એ આપણી પુરાતન પરંપરા છે પણ રાત્રે મધરાત્રે આ ભકત ધાર્મિક ભજનો લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને તે જાહેર જનતાના વિશ્રામ સમયે ખલેલ નિર્માણ કરે છે. લોકોનો નિદ્રાભંગ થાય છે, કાવડ યાત્રા કરો, પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરો. તો તે યાત્રા વધારે ફળદાયી થશે. ભાદ્રપદ માસમાં પવિત્ર દેવતા શ્રી ગણપતિ ભગવાનની સ્થાપના શેરી-શેરીના નાકે થશે. સાર્વજનિક ગણેશોત્સવો પણ મૂર્તિ સ્થાપના કરશે અને શ્રીને મૂર્તિ પાસે રોજ સવાર, સાંજે ઢોલ ત્રાંસાના સંગીતની જમાવટ થશે, જે કલાકો સુધી ચાલે છે, જે આજુબાજુનાં દર્દીઓને ખલેલ પહોંચાડે છે.
ભગવાનની આરતી સમયે મંજીરા, ઘંટ, શંખ, વગાડો તે ઇષ્ટ છે. પણ ઢોલ, નગારા, ત્રાંસાનું સંગીત સામાજિક સ્વાસ્થ્ય બગાડે છે. લગ્ન પ્રસંગે વરઘોડામાં બેંડવાળાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને ગીતો ગાય છે તે પણ ધ્વનિ પ્રદૂષણ કહેવાય. ઇશ્વરના મંદિરોમાં કે પ્રાર્થના સ્થાનો પર લાઉડસ્પીકરની ગોઠવણ અને તેનો સવાર, બપોર, સાંજના પ્રદરમાં ઉપયોગ કરવાની રીત સમાજ હિતકારી નથી.સમજદારીથી ઉપરોકત વિષય પર વિચાર કરીને લાઉડસ્પીકરનો ઉપયોગ યોગ્ય સમયે કરવામાં આવશે તો ધ્વનિ પ્રદૂષણથી સમાજમુકત બની શકશે. આ પ્રશ્ન અંગે સરકારી નિયંત્રણ પણ યોગ્ય કરી શકશે.આ દ્વારા સમાજહિતની વાત સમાજ આગળ મૂકી છે.
સુરત – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
S.T. લોકલ બસો ચાલુ કરે
એસ.ટી. સુરત વિભાગ દ્વારા લોકડાઉનમાં કઠોર ગામ અને કામરેજ તાલુકા ગામોની લોકલ બસો બંધ કરી દેવામાં આવી છે. એકથી દોઢ વર્ષનો સમયગાળો વિતી ગયા પછી અનેક રજૂઆતો લેખિત અને મૌખિક રીતે કરવામાં આવી છે, ન તો બસ ચાલુ કરી કે ન જવાબ આપવામાં આવ્યો. લોકોને રીક્ષામાં કામરેજ એક્સપ્રેસ બસમાં સુરત જવું પડે છે. સમય અને નાણાંનો આ કારમી મોંઘવારીમાં બચાવ થઇ શકે. ગરીબ, મધ્યમ વર્ગ અને નોકરીવાળાની જીવાદોરી સમાન લોકલ બસ તાત્કાલિક ચાલુ કરવા મહેરબાની.
કઠોર – વિક્રમ ભાવસાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.