દરેક સજીવ સૃષ્ટિમાં ચાલવાનું કામ કરનારા બંને પગોમાં કેવી સમજદારી હોય છે! એક આગળ ચાલે તો બીજો એની પાછળ…પણ, ક્યારેય આગળવાળાને અભિમાન નહીં અને પાછળવાળાને એનું અપમાન નહીં લાગે; કારણ કે, એને ખબર છે કે થોડી જ વારમાં સ્થિતિ બદલાવાની છે.
એટલે એ “થોભો અને રાહ જુઓ” ની નીતિ મુજબ ધીરજ રાખે છે અને એટલે જ, એક પગ આગળ ચાલે છે ત્યારે પાછળવાળા પગના મનમાં કોઈ આક્રોશ કે અસંતોષ પેદા થતો નથી.
કોઈ પણ પરિસ્થિતિમાં આપણી પ્રતિક્રિયા બે રીતે વ્યક્ત થતી હોય છે. હકારાત્મક અને નકારાત્મક… “હું પહેલાં કેમ નહીં? “ આ રીતે વિચારવાનું કામ મગજનું છે એટલે કે બુદ્ધિનું છે. આવા અજંપાના મૂળમાં હોય છે સમજદારીનો કે સ્નેહનો અભાવ. આનાથી ઉલટું, “કંઈ નહીં, એના પછી મને તક મળવાની જ છે ને…?!
આમે ય એ ક્યાં પારકો છે?!!” આ રીતે વિચારવાનું કામ હ્રદયનું એટલે કે, લાગણીનું છે. જેના મૂળમાં ભારોભાર સમજદારી અને સ્નેહ હોય છે.
પછી વાત બે પગની હોય કે બે વ્યક્તિની હોય…જેમ ચાલવા માટે બે પગ હોય તો બરાબર ચલાય. નહિ તો લંગડાવું પડે. એવી જ રીતે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધમાં પણ સારો તાલમેળ હોવો જરૂરી છે. “તુમ ભી ચલો, હમ ભી ચલે, ચલતી રહે જિંદગી” નો અભિગમ લાંબે ગાળે સમગ્ર માનવ સમાજના હિતમાં છે.
સંબંધોના તંતુને તૂટતાં અટકાવવા માટે, માન-અપમાન અંગેની ક્ષણિક લાગણીથી વિચલિત થયા વગર, ધીરજ રાખીએ એ જરૂરી છે. આપણું મન જો માટીના ઘડા જેવું રાખીશું તો એકાદ નાનકડા પથ્થરના પ્રહારથી પણ ફૂટી જતાં વાર નહીં લાગશે. ચાલો…, આપણે આપણા મનને વિશાળ સાગર જેવું બનાવીએ કે જે ગમે એવા મોટા પહાડને પણ પોતાનામાં સમાવી શકે! બસ, આટલું કરી લઈએ તો જીવનમાં શાંતિ હશે, સ્વસ્થતા હશે અને પ્રસન્નતા પણ જરૂર હશે.
સુરત -ચારુલતા અનાજવાળા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.