Columns

ચાલો, આપણે પણ કરીએ

ધોરણ છઠ્ઠામાં ભણતો સોહમ આજે ઘરે આવ્યો અને કોઈને ખબર ન પડે તેમ તેણે પપ્પાની શેવિંગ કીટ લીધી અને તેમાંથી એક બ્લેડ કાઢી અને ખિસ્સામાં છુપાડી ચુપચાપ પોતાની રૂમમાં ગયો.મોટી બહેન સાયનાએ તેને બ્લેડ લેતા જોઈ લીધો અને જઈને તરત મમ્મી અને પપ્પાને ફરિયાદ કરી કે ‘સોહમે છુપાઈને બ્લેડ લીધી છે.’

સોહમે શું કામ આ બ્લેડ લીધી તે જોવા બધા છુપાઈને સોહમની રૂમમાં ગયા.મમ્મીએ રૂમનું બારણું ધીમેથી ખોલ્યું અને બધાએ છુપાઈને જોવા લાગ્યા કે સોહમ શું કરે છે??? સોહમના હાથમાં બ્લેડ હતી અને તે બ્લેડ વડે એક જાડા પુસ્તકમાંથી કઇંક સાચવીને કાપી રહ્યો હતો.મમ્મીનો જીવ ઊંચો થઈ ગયો કે ક્યાંક સોહમના હાથમાં બ્લેડ વાગી ન જાય.એટલે તે ધીમે પગલે રૂમની અંદર  ગઈ અને સોહમની પાસે જઈને ધીમેથી તે ડરી ન જાય તે રીતે પૂછ્યું, ‘સોહમ, બેટા તું બ્લેડ લઈને આ શું કરે છે ??’

સોહમે મમ્મી તરફ જોયું અને કહ્યું, ‘મમ્મી, સ્કુલમાં આજે ટીચરે અમને નેપોલિયનની વાર્તા કહી અને સમજાવ્યું કે નેપોલિયન કહેતો હતો કે મારા શબ્દ કોશમાં ‘અશક્ય’ કે ‘અશક્યતા’ જેવા કોઈ શબ્દ ને સ્થાન જ નથી.આ શબ્દો માત્ર મૂર્ખાઓના શબ્દ કોશમાં જ હોય છે. જીવનમાં કોઈ કામ અશક્ય નથી;જો પુરેપુરી નિષ્ઠા અને લગનથી કાર્ય કરવામાં આવે તો દરેક કામ શક્ય છે.અને એટલે જ નેપોલિયન દરેક કાર્યમાં સફળ થતો હતો.એટલે મમ્મી; મેં પણ મારા શબ્દ કોશમાંથી ‘અશક્ય’ અને ‘અશક્યતા’ જેવા શબ્દોને કાઢી નાખ્યા છે.’

આટલું કહી સોહમે મમ્મીને ‘અશક્ય’ અને ‘અશક્યતા’ શબ્દોની કાપેલી કાપલી બતાવી.મમ્મીએ કાપલીઓ જોઈ અને પછી પપ્પાના હાથમાં આપી અને પપ્પાએ તેને આગળ પાછળ ફેરવીને જોઈ તો ‘અશક્ત’ અને ‘અશક્તતા’ એ બંને શબ્દ પણ કપાઈ ગયા હતા.પપ્પા –મમ્મી અને મોટીબહેન સાયના સોહમના આ કામથી રાજી થયા.પપ્પાએ શાબાશી આપતાં કહ્યું, ‘શાબાશ દીકરા, જો ‘અશક્ય’ કે ‘અશક્યતા’ શબ્દને તું તારા શબ્દ કોશ અને જીવનકોશમાંથી કાઢી નાખીશ તો તું ચોક્કસ સફળ થઈશ.’

આ ‘અશક્યતા’ નો ખ્યાલ આપણને ‘અશક્ત’ બનાવે છે.હતાશા અને નિરાશાવાદી શબ્દો અને વિચારો આપણી શક્તિ હણી નાખે છે. ‘આ કામ અશક્ય છે’- એમ વિચારતા જ તે કામ કરવાની તાકાત અને વિશ્વાસ ગાયબ થઈ જાય છે અને ‘મારે માટે દરેક કામ શક્ય છે’ – એમ વિચારતા જ એક અનેરી શક્તિનો સંચાર થાય છે. ચાલો, આપણે પણ આપણા શબ્દકોશ અને જીવનમાંથી આ નિરાશાવાદી શબ્દો કાપીણે કાઢી નાખીએ.

 – લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top