Business

અંધારી આલમ માટેની જેલ વ્યવસ્થાને અજવાળામાં લાવીએ

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ૧૦ નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાએલ અલફલાહ યુનિવર્સિટીનાં ૧૮ ડૉકટરો પૈકી ડૉ.નબી આત્મઘાતી બન્યા. બાકી ૫ ને ગીરફતાર કરી જેલમાં નખાયા. પણ હજુ ૧૪ ફરાર છે. જૈશ સમર્પિત કશમીરી ઘાટીનાં કટ્ટરપંથી યુવકો અને બીજા ૭૩ પુછપરછ માટે ગિરફતાર નાગરીકોની સુપ્રિમ કોર્ટ સુધીની ન્યાયિક તપાસ પૂર્ણ થતા સુધીમાં ભારતની રાષ્ટ્રપ્રેમી પ્રામાણિક જનતાનાં ટેક્સમાંથી લગભગ ૧૭૨ કરોડ રૂપીયાનો ખર્ચ થશે.

વર્ષ ૧૯૯૩માં મુંબઈમાં ૧૨ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરી ૨૫૭ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારનાર અને ૭૧૩ લોકોને જખમી કરનાર યાકુબ મેમણને ફાંસી આપવાનો ચુકાદો ટાડા કોર્ટે વર્ષ ૨૦૦૭માં આપ્યો હતો પણ આ દેશના પ્રામાણિક નાગરિકોનાં ટેક્સનાં પૈસા વસુલ કરવાનું હજુ બાકી હશે તો છેવટે રર વર્ષ પછી મેમણને નાગપુરની જેલમાં રૂ.૨૧.૯ લાખના ખર્ચે ફાંસી આપવામાં આવી. વર્ષ ૨૦૦૮માં દરિયાઈ રસ્તે મુંબઈ પહોંચી ૧૬૬ લોકોને હણી નાખનાર અજમલ કસાબને જેલમાં સાચવવા મહારાષ્ટ્ર સરકારે રૂ.૨૫ કરોડ ખર્ચવા પડયા!

ભારતીય સંવિધાનનું રક્ષણ કરવા માટે પ્રવૃત્ત સંસદ ભવન ઉપર જ હુમલો કરનાર અફઝલ ગુરુનું જેલવાસ દરમિયાન જતન કર્યું અને તમામ બંધારણીય વિકલ્પોમાંથી પસાર થતા સુધી રાહ જોઈ છેવટે ૨૦૧૨માં તિહાર જેલમાં ફાંસી બજાવવામાં આવી. વર્ષ ૧૮૯૪થી અમલી ThePrisons Actમાં અંગ્રેજોએ નોંધ્યુ કે, “A Society gets as many criminals as it deserves” અને આથી સ્વાતંત્ર્યની લડત સમયે આંદામાન-નિકોબારમાં કાળા-પાણીની સજા આપતી સિતમ ગુજારતી સેલ્યુલર જેલ વિકસાવવામાં આવી. તે પછી ૬૧ વર્ષે ૧૯૫૫માં The Bombay Jail Manual દ્વારા જેલ સુધારણા અમલી બનાવવાનો પ્રયત્ન થયો.

વાલીયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બન્યા; તેવાં પ્રાચીન પ્રમાણને મધ્યસ્થ રાખી બંદીજનો સમાજનું જ એક અવિભાજ્ય અંગ છે તેવી સામાજિક પ્રતીતિ આપવા રાજ્ય સરકારે જેલની સુધારણા સાથે ૧૯૯૩ના Human Right Protection Act નીચે જેલને માનસિક રોગના સારવાર કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યુ; એટલુ જ નહીં પણ જેલ ખાતાના ઉદ્દેશયમાં લખાયુ કે,(૧) નામદાર કોર્ટ દ્વારા ગુનેગારોને કરવામાં આવતી સજાનું પાલન કરવું. (૨)જેલમાં આવેલ કેદીઓની સલામતી જાળવવી. (૩) કેદીઓને શારીરિક, માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવી.(૪) શિક્ષાના ભાગરૂપે કેદીઓને રોજગારલક્ષી ઉદ્યોગની તાલીમ આપવી ઉપરાંત (૫) જેલમુક્ત થાય પછી સમાજમાં પુન:સ્થાપિત થાય તેવી સુધારાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવું.

જેલની બદલાયેલ વિભાવનાને આકાર આપવા ગુજરાત રાજ્યે અમદાવાદ, વડોદરા ખાતે મધ્યસ્થ જેલ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં મોતની સજા પામેલા, પાંચથી વધુ વખત જેલમાં ગયેલ રીઢા ગુનેગારો તેમજ આજીવન કારાવાસના કેદીઓને રાખવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર પ્રકારે ૮ જીલ્લા કેન્દ્રોમાં તેમજ પોરબંદર-ભૂજમાં ખાસ જેલ તો અમરેલીમાં ખુલ્લી જેલ અને ૧૧ જીલ્લાઓમાં સબ-જેલ વિકસાવવામાં આવેલ છે. વર્ષ ૧૮૮૧માં સ્થાપિત વડોદરા જેલથી શરૂ કરી ૨૦૦૮માં સ્થપાએલ ગોંડલ સબ જેલમાં ૧૬૦૦૦ કેદીઓને સમાવવા ક્ષમતા છે. પણ નેશનલ પ્રિઝનર ઈન્ફરમેશન પોર્ટલ મુજબ ૧૮,૮૨૭ કેદીઓને રાખવા પડે છે.

આ માટે ભારત સરકારના ૭૫% અને રાજ્ય સરકારના રપ% ફાળા સાથે જેલ સુધારણા માટે પ્રિઝન સ્ટેટેસ્ટીકનાં રીપોર્ટ અનુસાર સરકાર વાર્ષિક ૮૬૧૯ કરોડનો ખર્ચ કરે છે. જેલ નિવાસ દરમિયાન કેદીઓને સવારે ૭ વાગ્યે પ્રાર્થના, યોગ બાદ ચા સાથે ૧૨૫ ગ્રામ નાસ્તો, બપોરે ૩૫૦ ગ્રામ વજનમાં પ્રત્યેક કેદીને દાળ, ભાત, શાક, રોટલી-રોટલા અને ગોળ પીરસવામાં આવે છે. કાચાં કામના કેદીઓ સિવાયના બાકીનાં ઉત્પાદકીય શ્રમ સાથે જોડાય છે અને સાંજના ૪-૩૦થી ૬ દરમિયાન રમત-ગમત, વાંચન, પ્રવચન પ્રકારના કાર્યક્રમો બાદ સાદું ભોજન આપવામાં આવે છે.

માત્ર વડોદરા મધ્યસ્થ જેલમાં જ ૨૧ થી ૩૨ વાહનો રાખવામાં આવ્યા છે. ૩૪૭ કર્મચારીઓ જેલના કેદીઓની વ્યવસ્થા કરે છે અને કેદીઓના પુનર્વસનના કલ્યાણકારી ખ્યાલથી જેલમાં મોટર રીવાઈન્ડિંગ, ઈલેક્ટ્રોનિકસ રીપેરીંગ, બેકરી, પ્રિન્ટીંગ પ્રેસ, ગૌપાલન પ્રકારે ૧૮થી ૨૦ તાલીમો આપવામાં આવે છે ઉપરાંત આર્ટ ઓફ લિવિંગ, યોગ, નિરક્ષરતા નિવારણ, વ્યસનમુક્તિ, વાંચનાલય પ્રકારે કાર્યક્રમ સાથે ગુનેગારોને જોડવામાં આવે છે. આવી સાર-સંભાળ હોવા છતાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૨,૮૯૨ દર્દી અને ૨૩-૨૪માં લગભગ ૩૮,૦૦૦ કેદી દર્દીઓની હાર્ટ-કિડની, શ્વાસોશ્વાસ, સ્પાયનલ પ્રકાર રોગની સારવાર કરવી પડેલી, જેનું ડૉક્ટરી બીલ દેશનાં નાગરિકોએ ભોગવ્યું છે.

અંગ્રેજ સમયના મોડેલ પ્રિજર્ન્સ એકટ ૧૮૯૪માં ૧૨૯ વરસે સુધારો દાખલ કરાયો છે. આમ છતાં ખોરાક, માંદગી સહાય, સ્ટાફ, બિલ્ડીંગ નિભાવ, વાહનો પ્રકારે કરોડો રૂપિયાના રોકાણ પછી પણ ગુજરાતની ૬૫ જેલોમાં કેદીઓ દ્વારા ચાલતા ઉદ્યોગો થકી તો જેલવિભાગને રૂ.૩૮.૭૨ કરોડની આવક થઈ છે. આ હકિક્ત વચ્ચે જેલના કેદીઓ ઉપરના માનસશાસ્ત્રીય અભ્યાસો પરથી ફલિત થાય છે કે માત્ર ૫% કેદીઓ ક્યારેય ગુનો નહી આચરવાની માનસિક્તાથી બહાર આવે છે. અન્યથા જેલ એ સુધારણા નહીં પણ ગુનેગારનું સુરક્ષિત આવાસ સ્થાન બની રહ્યું છે.

પ્રવર્તમાન ન્યાયિક કાયદાઓમાં ખામીના લીધે ગુનેગાર સજા ભોગવે છે પણ, ના તો તેના પરિવારની કાળજી લેવાય છે કે ના તો ગુનેગારના અમાનવીય વર્તનનાં ભોગ બનેલ કુટુંબની કાળજી લેવાય છે! આથી સરવાળે એક ખૂની, પોતાના અને મરનારના તેમ બે ઘરોને ગરીબી અને લાચારીમાં ઢસડી જાય છે. ગુનેગાર જેલમાં મૃત્યુ પામે તો Human Right Violation હેઠળ જેલ અધિકારી ઉપર પગલાં લેવાય છે. આથી રીઢા ગુનેગારે જેલને સુધારણા માટે નહીં, પણ જેલને સુવિધા તરીકે વાપરે છે અને સમાજમાં તંગદીલી ઊભી ને ઊભી જ રહે છે. આ વાસ્તવિક્તા વચ્ચે જેલના સળિયા પાછળ ગુનેગારોની સુધારણાના વિચારને પડતો મૂકી આઝાદીના ૮ દાયકા પછી જેલ વ્યવસ્થાને ગુનેગારો માટેના કાયદાકીય નિવાસની વ્યવસ્થા તરીકે સ્થાપવા નવો કાયદો જરૂરી છે.

અંગ્રેજોએ વિશાળ પરિસરમાં સ્થાપેલ જેલ ગ્રાઉન્ડમાં ટેકસ ફ્રી ઝોન કરી ઉદ્યોગોને નિમંત્રિત કરી ગુનેગારો ફરજિયાત પણે જાત કમાઈ કરે તેવો આગ્રહ રખાવો જોઈએ. મોટર વાઈડીંગ, ઓટો મોબાઈલ રીપેરીંગ, હીરાઉદ્યોગ, વેલ્યુ એડીશન ઈન્સ્ટ્રુમેન્ટ રીપેરીંગ જેવા નવા માર્કેટ ફ્રેન્ડલી ઉદ્યોગોને તાલીમ અને ઉત્પાદન સાથે જોડવા જોઈએ. જેમ ધર્મને નામે પાખંડ પોસાઈ રહ્યું છે તેમ, જેલ વ્યવસ્થાના નામે ગુનેગારી પોસાઈ રહી છે જે ચિંતાકારક છે. ત્યારે ચીન સહિત દુનિયાનાં દેશો હવે જેલને સ્વાવલંબી બનાવી પ્રમાણિક નાગરિકોના ટેક્સને વેડફવાનો રસ્તો ક્રમશઃ બંધ કરી રહ્યા છે અને જેલના કેદીઓને જેલ પરિસરમાં કામઢા માણસ તરીકે પૂરવાર કરવાની તક આપી તેને સમાજ ઉપર બોજારૂપ ન બનવાની ફરજ પાડી રહ્યા છે. નામ ‘જેલ સુધારણા’ છે પણ ખરેખર ગુનેગારની માનસિક્તામાં ફરક પડતો જ નથી તે જેલ અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયું જ છે. ત્યારે જેલ સુધારણા કાયદાને ફરી વિચારણા હેઠળ મૂકવામાં આવે તે સમયની માંગ બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top