આજકાલ યુવાનોને અમેરિકા, કેનેડા, લંડન જેવા વિદેશનાં શહેરોમાં સ્ટડી વિઝા લઇને ભણવા જવાનો ક્રેઝ જોવા મળે છે. પરંતુ મા-બાપે પોતાના દીકરા-દીકરીને કઇ ફેકલ્ટીમાં ભણવાનો શોખ રુચિ છે તે બાબતે ધ્યાન આપવું જોઇએ. ‘ગુજરાતમિત્ર’ની ચાર્જિંગ પોઇન્ટ કોલમમાં હેતા ભૂષણે જે વાત દોહરાવી છે તે બાબતે વધુ લખવા પ્રેરાયો છું. એક વકીલની પ્રેકટિસ ધમધોકાર ચાલતી હતી. જે કેસ હાથમાં લે તે જીતીને જ બતાવતા હતા. વકીલને એકનો એક દીકરો હતો તેનું નામ અનય. હજી તો સ્કૂલમાં ભણતો હતો પરંતુ તેની મમ્મી કાયમ તેને કહેતી હતી જો બેટા તારે પણ પપ્પા જેવા મોટા વકીલ બનવાનું છે અને પપ્પાનું નામ રોશન કરવાનું છે.
આમ એકની એક વાત મમ્મી પોતાના દીકરાને કહ્યા કરે આથી પુત્ર અનયને માનસિક ટેન્શન રહેતું અને તેને થતું કે મારો વિષય રુચિ અલગ છે. પછી કેવી રીતે વકીલ બનીને પપ્પાનું નામ રોશન કરું. પિતા વકીલાતમાં ખૂબ વ્યસ્ત રહેતા હોવાથી તેમની પાસે પુત્ર માટે સમય નહતો. બર્થ ડે પર કોઇ ગિફટ પુત્રને આપતા. આથી પુત્ર ખુશ રહેતો, ત્યાર પછી પપ્પા મમ્મીએ અનયને લો કોલેજમાં દાખલ કર્યો. પરીક્ષામાં તેના કાયમ માર્કસ ઓછા આવતા હતા. આથી મમ્મી પપ્પા તેને ઠપકો આપતા હતા. અનયને ખોટું લાગતાં તેણે દાદાને વાત કરી કે મને વકીલાતના અભ્યાસમાં રસ નથી છતાં મને લો કોલેજમાં દાખલ કર્યો, આથી દાદાએ પુત્ર-વહુને સમજાવ્યું મેં તને કોઇ બંધનમાં રાખ્યો ન હતો, છતાં તું ભણીને મોટો વકીલ બન્યો. આથી હવે તમે પણ સંતાન પર સવાર ન થાવ અને એની રુચિ પ્રમાણે ભણવા દો, છેવટે પુત્ર અનયને પૂરે પૂરી છૂટ આપી અને નવી લાઇન લીધી તેમાં તે તેજસ્વી બની અસરકારક પરિણામ લાવ્યો. આમ દરેક મા-બાપે પોતાનાં સંતાનોને રુચિ પ્રમાણે ભણવા દેવાં જોઇએ.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘રજસ્વલા’ સ્ત્રી અપવિત્ર નથી
સ્ત્રીને ‘રજસ્વલા’ સ્થિતિ આવવાને કારણે તેને અપવિત્ર ગણવી એવી વાત કોઈએ કરી છે સ્ત્રી ‘રજસ્વલા’ બને એ માટે તો બધાં રાહ જોતાં હોય છે અને જ્યારે એ સૌભાગ્ય તેને પ્રાપ્ત થાય છે ત્યારે દરેક સમાજમાં ઉત્સવ ઉજવવામાં આવે છે તો અપવિત્ર થવાનો પ્રશ્ન આવે જ કઈ રીતે !
વિજલપોર- ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સ્માર્ટ સીટી બનાવવાની હોડમાં જનતાના પૈસા વેડફાય છે?
દેશનાં રાજયોમાં શહેરોમાં સ્માર્ટ સીટી બનાવવાના સૌથી વધુ પ્રોજેકટ સુરતમાં થયા જે હકીકત છે અને પાલિકાના સત્તાધીશોની સમયસૂચકતાના અભાવને પરિણામે શહેરની જનતાના મહેનતના પૈસા વગર વિચાર કર્યા વિનાના કાર્યમાં વેડફાઇ રહ્યા છે! ગત વર્ષના એપ્રિલ મહિનામાં સ્માર્ટ સીટીના દેખાવ માટે લાખો રૂપિયાનો ખર્ચ રેડકાર્પેટ જેવો સાઇકલ ટ્રેક બનાવ્યો હતો પરંતુ માત્ર એક વર્ષની અવધિના સમય દરમ્યાન ટ્રેકની આવી દુર્દશા થશે એવી કલ્પના પણ નહતી! સાલ 2022માં આયોજીત સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સમાં સુરતનું નામ પ્રદર્શિત થયું પરંતુ આવા દેખાવનો કોઇ અર્થ છે ખરો? આ જ શહેરની જનતાના પૈસા બીજી પ્રાથમિક જરૂરિયાતના પ્રોજેકટમાં ખર્ચી શકાતે જેમકે પ્રાથમિક શાળાનું આધુનિકીકરણ કરવું તેમજ જરૂરિયાત શાળાઓને જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવા પરંતુ લાગે છે કે સત્તાધીશોને આવાં કાર્યોમાં કોઇ જ રસ નથી. હવે શહેરની જનતાએ જાગૃત થવું પડશે અને તેમના પૈસા યોગ્ય અને જરૂરી પ્રોજેકટ પાછળ ખર્ચાઇ રહ્યા છે કે નહીં તેની સંપૂર્ણ જાણકારી રાખવી જ પડશે!
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.