એક નવમા ધોરણમાં ભણતો છોકરો નામ જય. રોજ તેની મમ્મી તેને દસ રૂપિયા આપે અને જય રીસેસમાં સ્કૂલની બહાર બેસીને ઈડલી વેચતાં અમ્મા પાસેથી ઈડલી લઈને ખાય. જય રોજ ઈડલી જ ખાય. તેના મિત્રો કહે, રોજ શું ઈડલી ખાવાની, ચલ, આજે વડા પાઉં કે બીજું કંઈ લઈએ; પણ જય ના પાડે. તે તો અમ્મા પાસેથી ઈડલી લઈને જ ખાય. હવે તો અમ્મા પણ રોજ તેની રાહ જુએ, તેની ઈડલી સાથે વધારે ચટણી અને સંભાર આપે, જયને આવતાં મોડું થાય તો તેની ઈડલી ઢાંકીને રાખી દે.એક અજબ નાતો બંધાઈ ગયો હતો જય અને અમ્માનો.
એક દિવસ રીસેસ પડી; જય ગેટની બહાર આવ્યો, અમ્મા જ્યાં બેસતાં હતાં ત્યાં કોઈ ન હતું.તેણે આજુબાજુ નજર દોડાવી, પણ અમ્મા ક્યાંય દેખાયાં નહિ.અમ્મા ઈડલી વેચવા આવ્યાં ન હતાં. જયે આજુબાજુ તપાસ કરી, પણ કોઈને કંઈ ખબર ન હતી.તે દિવસે જયે રીસેસમાં કંઈ ખાધું નહિ. આમ અઠવાડિયું વીતી ગયું. ખબર પડી કે અમ્મા બહુ બીમાર છે એટલે આવતાં નથી. જયને ચિંતા થઈ ગઈ. તેણે તપાસ કરીને અમ્માનું ઘર કયાં છે તે શોધ્યું અને બીજે દિવસે પોતાની પિગી બેંક તોડીને બધા પૈસા લઈને સ્કૂલમાં ગયો.જયની મમ્મીએ પિગી બેંક તૂટેલી જોઈ તેના મનમાં શંકા જાગી કે મારો દીકરો કંઈ પણ કહ્યા વિના પિગી બેન્કના પૈસા લઈને કેમ ગયો?
શું તે ખરાબ સંગતમાં જોડાઈ ગયો છે કે શું? મમ્મી રિસેસના સમયે શાળા પાસે ગઈ અને છુપાઈને જોવા લાગી કે જય પૈસા ક્યાં વાપરે છે? જય બહાર આવ્યો, અમ્મા છે કે નહિ તે જોઇને ચાલ્યો ગયો. શાળા છૂટવાના સમયે મમ્મી શાળા પાસે આવીને છુપાઈને જોવા લાગી કે જય શાળામાંથી છૂટીને કયાં જાય છે? જય ઘર તરફ જવાને બદલે બીજી જ દિશામાં ચાલવા લાગ્યો.મમ્મીની ચિંતા વધી. તે પણ છુપાઈને તેની પાછળ પાછળ ચાલવા લાગી.જય થોડે દૂર આવેલી એક ચાલીમાં પહોંચ્યો અને છેલ્લી રૂમ પાસે જઈને ઊભો રહ્યો.
અમ્મા તેને જોઇને ખુશ થયાં. મમ્મી બારણાં પાછળ છુપાઈને ઊભી હતી. જયે અમ્માના ખબર પૂછ્યા અને પોતાના ખિસ્સામાંથી પાંચસો રૂપિયા અમ્માને આપ્યા અને કહ્યું, ‘અમ્મા, આ લો પૈસા, દવા કરાવીને જલ્દી સાજાં થઈ જાવ.’ અમ્માએ પૈસા લેવાની ના પાડી, જયે બહુ જીદ કરી, પણ અમ્મા પૈસા લેવા તૈયાર જ ન થયાં ત્યારે જયની મમ્મી અંદર આવીને બોલી, ‘અમ્મા, આ પૈસા લો ,મારા દીકરાને આ કામ કરવા દો, તેને પોતાની ઇચ્છાથી ,પોતાની પિગી બેન્કના પૈસા તમને આપવાનું વિચાર્યું, બીજાને મદદ કરવાની ભાવના તેના મનમાં જાગી એટલે આ કામ તેને કરવા દો.’ અમ્માએ સાજાં થઈને પાછાં આપી દેવાની શરત સાથે પૈસા લીધા.જયની ભાવના અને અમ્માની ખુદ્દારી અને મમ્મીની ખુશી વાતાવરણમાં મહેકી ઊઠી.