તલવારોં પે સર વાર દિયે, અંગારો મેં જિસ્મ જલાયા હૈ
તબ જાકે કહીં હમને સર પે, યહ કેસરી રંગ સજાયા હૈ
એ મેરી જમીન અફસોસ નહીં, જો તેરે લિયે સો દર્દ સહે
મેહફૂઝ રહે તેરી આન સદા, ચાહે જાન મેરી યે રહે ના રહે
એ મેરી જમીં મેહબૂબ મેરી, મેરી નસ નસ મેં તેરા ઇશ્ક બહે
ફીકા ના પડે કભી રંગ તેરા, જિસ્મોં સે નીકલ કે ખૂન કહે
તેરી મિટ્ટી મેં મિલ જાવાં, ગુલ બનકે મેં ખિલ જાવાં
ઇતની સી હે દિલ કી આરઝુ
તેરી નદિયોં મેં બહ જાવાં, તેરે ખેતો મે લહરાવાં
ઇતની સી હૈ દિલ કી આરઝુ… વો ઓ…
સરસોં સે ભરે ખલિહાન મેરે, જહાં જુમ કે ભંગડા પા ના શકા
આબાદ રહે વો ગાંવ મેરા, જહાં લૌટ કે વાપસ જા ના શકા
હો વતના વે, મેરે વતના વે, તેરા મેરા પ્યાર નિરાલા થા
કુર્બાન હુઆ તેરી અસ્મત પે, મેં કિતના નસીબોં વાલા થા
તેરી મિટ્ટી મેં મિલ જાવાં, ગુલ બનકે મેં ખિલ જાવાં
ઇતની સી હે દિલ કી આરઝુ
તેરી નદિયોં મેં બહ જાવાં, તેરે ખેતો મેં લહરાવાં
ઇતની સી હે દિલ કી આરઝુ
ઓ હીર મેરી તુ હંસતી રહે, તેરી આંખ ઘડીભર નમ ના હો
મેં મરતા થા જિસ મુખડે પે, કભી ઉસકા ઉજાલા કમ ના હો
ઓ માઇ મેરી કયા ફિકર તુઝે, કયું આંખ સે દરિયા બહતા હૈ
તુ કહતી થી તેરા ચાંદ હું મેં ઔર ચાંદ હંમેશા રહેતા હૈ
તેરી મિટ્ટી મેં મિલ જાવાં, ગુલ બનકે મેં ખિલ જાવાં
ઇતની સી હે દિલ કી આરઝુ
તેરી નદિયોં મેં બહ જાવાં, તેરે ખેતો મેં લહરાવાં
ઇતની સી હે દિલ કી આરઝુ
ગીતકાર: મનોજ મુન્તસીર સ્વર: પ્રતિક બચ્ચન (બી પ્રાક) સંગીત: આરકો ફિલ્મ: કેસરી દિગ્દર્શક: અનુરાગ સિંહ વર્ષ 2019 કળાકારો: અક્ષયકુમાર, પરિણિતી ચોપરા, મીરા સરવર, એડવર્ડ સોન્નેત્બ્લિક, વંશ ભારદ્વાજ, અશ્વત્થ ભટ્ટ, રાકેશ ચતુર્વેદી
આપણને દેશ માટે બહુ પ્રેમ છે. દેશભકત છીએ એવું કહેવું કે માનવું અર્ધસત્ય છે. ‘વંદે માતરમ’ બોલ, ‘ભારતમાતા કી જય’ બોલ, એવું બીજાને દબાણપૂર્વક કહીએ અને તે ન બોલે તો. ને ત્યારે પેલા માણસને લાફો મારવા જેટલી શકિત અને સંજોગ હોય તો. લાફો મારી ય દઇએ પણ તેથી દેશપ્રેમ પુરવાર થતો નથી. તેને કહો કે સરહદ પર લડાઇ ચાલી નીકળી છે તો પહોંચી જા. સામાન્યપણે પેલી દેશપ્રેમની ભાવુકતાનું પાણી ઊતરી જશે. જે પોતાને દેશપ્રેમી ગણાવે છે તે ભ્રષ્ટાચાર નથી કરતો? દેશમાં પાળવાના નિયમો નથી તોડતો? મોકો મળે તો અમેરિકા યા યુરોપ સ્થાયી થવાનું હોય તો નથી થતો? દેશ પ્રેમ ક્ષણેક્ષણની કસોટી છે.
દેશની સરહદે રહી લડનારામાં સૌથી વધુ શીખ કોમ છે. સરહદે શૌર્ય ભર્યો મુકાબલો તેમનો મિજાજ છે અને તે લશ્કરમાં ભરતી થવાથી જ નથી આવતો તેમના લોહીમાં જ છે. ‘કેસરી’ ફિલ્મમાં એવા જ શૌર્યની વાત હતી. વિરતા, દેશપ્રેમ અને દેશ માટે સમર્પિત થવાની ધન્યતાનો ભાવ બધામાં નથી હોતો અને એ ત્રણના સાયુજયવાળા ગીતો પણ ઓછા જ લખાયાં છે. આ ગીત એવા ઓછા લખાયેલા ગીતોમાંનું એક છે જે મનોજ મુન્તાસીરે લખ્યું છે. આ ફકત રાષ્ટ્રપ્રેમનું ગીત નથી, લડવૈયાના રાષ્ટ્રપ્રેમનું ગીત છે જે કહે છે કે ‘તલવારો પે સર વાર દિયે, અંગારો મેં જિસ્મ જલાયા હૈ, તબ જા કે કહીં હમને સર પે, યહ કેસરી રંગ સજાયા હૈ.’ તલવારને આ મસ્તક ધરી દીધા છે અને અગ્નિમાં આ શરીર બાળ્યું છે ત્યારે આ માથા પર કયાંક અમે આ કેસરી રંગ સજાવ્યો છે. કેસરી રંગ કાંઇ એમનેમ સજાવાતો નથી.
તેના માટે યુધ્ધમાં ખપી જવું પડે. તલવાર પર મસ્તક વારી દેવું પડે ને અગ્નિને શરીર ધરી દેવું પડે. વાત અહીં જ પૂરી થતી નથી કારણ કે આ સમર્પણ કરી દેવામાં અફસોસ નથી. તે કહે છે, ‘એ મેરી જમીન અફસોસ નહીં, જો તેરે લિયે સો દર્દ સહે, મહફૂઝ રહે તેરી આન સદા, ચાહે જાન મેરી યે રહે ના રહે.’ – ઓ મારી માટી, મારા વતન મારા દેશની માટી તારા માટે અમે સો દુ:ખ વેઠયા તેનો કોઇ અફસોસ નથી. બસ તારી આણ સદા સલામત રહે ભલે મારા પ્રાણ રહે કે ન રહે. દેશ માટે આ એક સિપાહીનો પ્રેમ છે.
એવા સિપાઇ દેશ માટે પોતે જે વેઠયું હોય તેના હિસાબ નથી માંગતા. તેના મનમાં એક જ વાત હોય કે મારા દેશની આન સલામત રહે, જળવાયેલી રહે. દેશ માટેના આ પ્રેમ માટે તેણે હજુ ય જોશથી કહેવું છે ને તે તેનો પ્રેમ છે. આ પ્રેમ, આ ઇશ્ક કોઇને કોઇ પુરુષ યા સ્ત્રી પામવા માટેનો હોય તે નથી, માટી માટેનો છે. ‘એ મેરી જમીં મહબૂબ મેરી, મેરી નસ નસ મેં તેરા ઇશ્ક બહે, ફીકા ના પડે કભી રંગ તેરા, જિસ્મોં સે નીકલ કે ખૂન બહે’ – ઓ મારી ભૂમિ, મારી પ્રિય, મારી નસેનસોમાં તારા માટેનો પ્રેમ વહે છે. મારા શરીરમાંથી ભલે તારા માટે લોહી વહે પણ તારો રંગ કદી ફીકો ન પડે બસ એ જ મારી ચાહત, મારી ઝંખના છે.
દેશ માટે શહીદ થવાનો તેને કોઇ અફસોસ નથી. તેની ઇચ્છા તો એટલી જ છે કે દેશની માટીમાં ભળી જાઉં અને ગુલાબ બની(ફરી) ખીલી જાઉં. તારી નદીઓમાં વહી નીકળું અને તારા ખેતરોમાં લહેરાઉં… બસ આનાથી વધારે મારી કોઇ આરઝુ, કોઇ ઇચ્છા નથી. ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં, ગુલ બનકે મેં ખિલ જાવાં, ઇતની સી હૈ દિલ કી આરઝુ, તેરી નદિયો મેં બહ જાવાં, તેરે ખેતો મેં લહરાવાં, ઇતની સી હૈ દિલ કી આરઝુ… વોઓ… વોઓ…’ દેશ પ્રેમીની આંખ ભરાય આવે એવી આ ઇચ્છા છે. તેને જાણે ખબર છે કે હું મટીશ નહીં, હું તો દેશ માટે કોઇ અન્ય રૂપે ખિલીશ, લહેરાઇશ. માણસ તરીકે પુર્નજન્મ લેવાની તે લાલસા નથી કરતો. તે તો લાલસા કરે છે કે આ દેશની માટી મને ગુલાબનું રૂપ આપીને ખીલવે. મારા દેશના લોકોનું જીવન બનતાં ખેતરોમાં પાક બનીને લહેરાઉં.
હજુ આગળ વધે છે આ ભાવ – ‘સરસોં સે ભરે ખલિહાન મેરે, જહાં જૂમ કે ભંગડા પા ન શકા, આબાદ રહે વો ગાંવ મેરા, જહાં લૌટ કે વાપસ જા ન શકા.’ તેને એ સરસોંના ખલિહાન (ગુજરાતમાં ખળી કહીએ છે તે) યાદ આવે છે ને ત્યાં તેણે જૂમીને ભાંગડા કરવો હતો. પોતાના વતનની ખળીમાં સરસોનો પાક ઉભરાતો હોય તો કયો ખેડૂત નાચી ન ઉઠે! એ સિપાહી મૂળ તો ખેડૂત છે. તેને ખેત – ખલિહાન, પોતાનું ગામ યાદ આવે છે કે જયાં તે પાછો ન વળી શકયો. ન વળાયું તો વાંધો નહીં, તે ઇચ્છે છે કે મારું ગામ આબાદ રહે, સમૃધ્ધ ખુશહાલ રહે. તેને આવા વતનમાં પાછા જવું હતું પણ ન જવાયું એટલે વિરહની વેદનાનો પોકાર ઉઠે છે. – ‘હો વતના વે, મેરે વતના વે, તેરા મેરા પ્યાર નિરાલા થા, કુર્બાન હુઆ તેરી અસ્મત પે, મેં કિતના નસીબોં વાલા થા.’ – ઓ વતન, મારા વહાલા વતન, તારો ને મારો પ્રેમ નિરાળો હતો, વિલક્ષણ હતો. તારી ઇજ્જત માટે શહીદ થઇ શકયો, હું કેટલો નસીબદાર હતો… ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં, ગુલ બનકે મેં ખિલ જાવાં ઇતની સીહે મેરી આરઝુ… તેરી નદિયોં મેં બહ જાવાં, તેરે ખેતો મેં લહરાવાં, ઇતની સી હે દિલ કી આરઝુ.’
વિદાય લેવાની છે ને તે આખરી છે તો જેના કારણે જીવન જીવવા જેવું લાગેલું તે યાદ આવે જ અને તેમાં એ પ્રિયતમા પણ છે. શીખ છે તો તેના માટે તો તે હીર જ છે. એ હીર તું હંમેશા હસતી રહે, તારી આંખો કયારેય (દુ:ખથી) ભીની ન થાય. તે સ્વગત બોલે છે. હું જે મુખ પર, જે સૌંદર્ય પર મરતો હતો એ મુખનો ઉજાસ, એ મુખનું તેજ કયારેય ઓછું ન થાય. કોઇ પણ કલ્પી શકે કે આમ બોલતી, કહેતી વેળા તેનું હૈયું ભરાઇ આવ્યું છે. હવે તે માને આશ્વાસન આપે છે – ‘ઓ માઇ મેરી કયા ફિકર તુઝે કયું આંખ સે દરિયા બહતા હે, તું કહેતી થી તેરા ચાંદ હૂં મેં, ઔર ચાંદ હંમેશા રહેતા હૈ.’ ઓ મા તું મારી ફિકર શું કામ કરે છે? શું તારી આંખોથી દરિયો વહે છે! અરે, તુ તો મને કાયમ તારો ચાંદ કહેતી હતીને! તો ચાંદ તો હંમેશ રહેતો જ હોય છે. મા તું મારી ફિકર ન કર, રડ નહીં… હું તો છું જ! હું તારી માટીમાં મળી જઇશ, ગુલાબ બનીને ખીલી જઇશ બસ એટલી જ ઝંખના છે.
અદ્ભૂત ઇમોશન્સ. દેશ અને પોતાના લોકો માટેની લાગણીથી આ ગીત લખાયું છે. શહીદ કાંઇ સરહદ માટે નથી થવાનું, દેશ માટે થવાનું છે. ને તેના માટે અફસોસ વળી કેવો? મનોજ મુન્તાસિરે જાણે શહીદના ચરણોમાં ફૂલ ધરતાં ધરતાં આ ગીત લખ્યું છે ને પ્રતિક બચ્ચનનો અવાજ એ ભાવનામાં એવો ઘોળાયેલો છે કે વતન પ્રેમ અને વેદના કોઇ શ્લોકમાં ફેરવાય જાય છે. આરકો નામના સંગીતકારે એવું સ્વરાંકન કર્યું છે કે ગીતના શબ્દો જાણે વહેતી નદીમાં માટી બની ભળી જતા હોય. તેમાંય ‘વો…ઓ’ જેવો ઉદ્ગાર ઉમેરી કમાલ કરી છે. ગીતકાર, સંગીતકાર, ગાયકે થઇ એવું ગીત રચ્યું છે કે જે તમે ભુલાવી ન શકો. ‘કર ચલે હમ ફીદા જાન ઓ તન સાથીયો, અબ તુમ્હારે હવાલે વતનસાથીઓ’ યા ‘સંદેશે આતે હે’ કે પછી ‘એ મેરે વતન કે લોગો…’ યાદ કરો તો આ ભુલી ન શકો એવું ગીત છે.