Editorial

યુક્રેનના નામે રશિયા અમેરિકાને પાઠ ભણાવવા માંગે છે, ભારત સાવધ રહે

ભૂતકાળમાં રશિયા અને અમેરિકા એકબીજાના લોહીના તરસ્યા હતા. સમય જતાં રશિયાનું વિઘટન થઈ ગયું અને રશિયા શાંત થઈ ગયું. જોકે, હવે ફરી રશિયા અને અમેરિકા વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે અને તેમાં નિમિત્ત બન્યું છે યુક્રેન. રશિયા યુક્રેન પર સામ્રાજ્ય જમાવવા માંગે છે અને તેની સામે અમેરિકા યુક્રેનને શસ્ત્રો પૂરા પાડીને હિંમત આપી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચેની માથાકૂટ ગમે ત્યારે વિશ્વયુદ્ધમાં પલટાઈ જાય તેવી સંભાવના છે. રશિયા અને યુક્રેન વચ્ચેની આ માથાકૂટનાં મૂળિયાં ભૂતકાળમાં સમાયેલાં છે. નવમી સદીમાં રશિયા નહોતું. તે સમયે કિવિયાઈ રશિયાની સ્થાપના થઈ હતી. અને યુક્રેનના શહેર કિવ પર કબજો કરવામાં આવ્યો હતો. એ વેળા યુક્રેન નામનો દેશ પણ અસ્તિત્વ ધરાવતો નહોતો. કિવ તે સમયે રશિયાની રાજધાની બન્યું હતું. 10મી સદીમાં રૂરિક વંશની સ્થાપના થઈ હતી. જેમાં રાજકુમાર વ્લાદિમિર કિવિયાઈ રશિયાના રાજા બન્યા હતા.

રશિયામાં બાદમાં રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મ આવ્યો અને તેને કારણે રશિયાનું ધર્માંતરણ શરૂ થયું હતું. 13મી સદીમાં રશિયન રાજ્યો દ્વારા મોંગોલો પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે સમયે કિવની શક્તિનો નાશ કરી દેવાયો હતો. સને-1596માં પોલેન્ડના રોમ સાથે મળીને ગ્રીક કેથલિકની સ્થાપના કરવામાં આવી. આ ગ્રીક કેથલિક દ્વારા પશ્ચિમી યુક્રેનમાં પ્રભાવ જમાવવામાં આવ્યો. જોકે, તે સમયે પણ બાકીનું યુક્રેન રૂઢિચુસ્ત જ રહ્યું હતું. યુક્રેન રશિયાનો જ હિસ્સો રહ્યું અને છેક 1991માં જ્યારે સોવિયત રશિયાનું વિઘટન કરવામાં આવ્યું ત્યારે યુક્રેનને સ્વતંત્રતા મળી હતી. યુક્રેન સ્વતંત્ર તો થયું પરંતુ તેની વિચારધારામાં તફાવત જરૂર રહ્યો હતો. યુક્રેનના પશ્ચિમી ભાગમાં રાષ્ટ્રવાદી ભાવના ધરાવતા રશિયનોની વસતી મોટા પ્રમાણમાં છે. યુક્રેનના અગાઉના પ્રમુખ વિકટર યાનુકોવિચ રશિયા તરફી હતી. પરંતુ 2014માં તેમની સામે વિરોધના સૂર ઊઠ્યા અ્ને તે સમયે રશિયાએ મોકાનો લાભ લઈને રશિયનભાષી યુક્રેનીઓની વસતીનો મોટો ભાગ પચાવી પાડ્યો હતો.

રશિયાને યુક્રેન સામે વાંધો એ છે કે યુક્રેન હંમેશાં પશ્ચિમી દેશો સાથે ઘનિષ્ઠ સંબંધો રાખવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.  રશિયા એવું માની રહ્યું છે કે યુક્રેન હંમેશાં તેના પ્રભાવમાં જ રહેવું જોઈએ. આ કારણે જ રશિયા જ્યારે જ્યારે શક્તિશાળી બને છે ત્યારે તે યુક્રેન પર કબજો જમાવવાનો પ્રયાસ કરે છે. આ કારણે જ રશિયા અને યુક્રેન વચ્ચે ઘર્ષણ થતું રહે છે. રશિયા યુક્રેનને કબજામાં લેવા માંગે છે અને તેની સામે અમેરિકા યુક્રેનને સપોર્ટ કરી રહ્યું છે. જેને કારણે હવે સ્થિતિ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. રશિયાએ થોડા સમય પહેલા યુક્રેનના જહાજો કબજે કરવાની સાથે તેના માણસોને પકડી લીધા હતા. રશિયા દ્વારા એવી માંગણી કરાઈ છે કે યુક્રેન એ એક નાનો રશિયા દેશ જ છે. જેથી દુનિયાના અન્ય દેશોએ તેમની અને યુક્રેનની વચ્ચે આવવું નહી. યુક્રેનને નાટોમાં નહી જોડાવવા માટે પણ રશિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને આ કારણે જ તંગદિલી વધી જવા પામી છે.

રશિયા દ્વારા યુક્રેનને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે તેવું નથી. યુક્રેન માત્ર નિમિત્ત છે. યુક્રેનના નામે રશિયા અમેરિકાને પાઠ ભણાવવા માંગે છે અને તેને કારણે જ મામલો ખૂબ જ ગંભીર થઈ ગયો છે. રશિયા દ્વારા ગુરુવારે બેલારૂસ સાથે સૈનિક અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ સૌથી મોટો સંયુક્ત લશ્કરી અભ્યાસ છે. તેમાં આખું રશિયન સૈન્ય ભાગ લેનાર હોવાથી તેને રશિયાના શક્તિ પ્રદર્શનના ભાગરૂપે પણ જોવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમેરિકા દ્વારા યુક્રેનની સેનાને શસ્ત્રોનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. અમેરિકા દ્વારા યુક્રેનને 20 કરોડ ડોલરનુ સુરક્ષા સહાય પેકેજ પણ આપવામાં આવ્યું છે. બ્રિટન દ્વારા અત્યાધુનિક મિસાઈલ આપવામાં આવી છે. નાટોના દળોને યુક્રેન મોકલાઈ રહ્યા છે અને તેને કારણે ગમે ત્યારે યુદ્ધ થાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. દુનિયાના અનેક દેશ માની રહ્યા છે કે આ સ્થિતિ ગમે ત્યારે વિશ્વયુદ્ધ સર્જી શકે છે. જેને કારણે ભારતે પણ આ સ્થિતિથી સાવચેત રહેવું પડશે. રશિયા ભારતનો મિત્ર દેશ છે. જ્યારે અમેરિકાના પણ ભારત સાથે સારા સંબંધો છે. યુક્રેનના મામલે રશિયા અને ચીન નજીક આવી રહ્યા છે. જે ભારતને પરવડે તેમ નથી. અમેરિકા સાથે બગાડવું પણ ભારતને નડે તેમ છે. આ સંજોગોમાં ભારતે કૂટનીતિના આધારે કામ કરવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top