Dakshin Gujarat

ઝઘડિયાના સારસા ગામે દીપડાએ વાછરડીને ફાડી ખાતાં ગ્રામજનોમાં ફફડાટ

ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના સારસા ગામે માછી ફળિયામાં એક દીપડાએ (Leopard) ગાયની તાજી જન્મેલી વાછરડીનું મારણ કરતાં ગ્રામજનો ભયભીત બની ગયા છે.ઝઘડિયાના સારસા ગામે (Sarsa village) માછી ફળિયામાં રવિવારે રાત્રે મહેશ શનુ કપ્તાનના વાડામાં એક દીપડો આવી ચઢ્યો હતો. એ વેળા વાડામાં બાંધેલી ગાયની વાછરડી પર હુમલો કરી તેને શિકાર (Hunting) કર્યો હતો. દીપડાના હુમલાથી વાડામાંથી અવાજ આવતાં મહેશભાઇ ઘરનો પાછળનો દરવાજો ખોલી બહાર આવતાં દીપડો દેખાયો હતો. જો કે, દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

દીપડાના આ હુમલામાં યુવકનો આબાદ બચાવ થયો હતો
ગ્રામજના જણાવ્યા પ્રમાણે સારસા ગામમાં દીપડો બે દિવસથી આવતો હોય છે. ખાસ કરીને દીપડાની હાજરીથી ગ્રામજનો ભયથી ફફડી ઊઠ્યા છે. દીપડાના ભયથી છૂટકારો મેળવવા માટે વન વિભાગ પાંજરું ગોઠવે એવી લોકમાંગ છે.અત્રે ઉલ્લેખનીય એ છે કે, ત્રણેક વર્ષ અગાઉ‌ પણ‌ આજ ખેડૂત મહેશ કપ્તાનનો પુત્ર કિરણ ખેતરે ઢોર લઇ જતો હતો. ત્યારે તેની પર દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો. જો કે, દીપડાના આ હુમલામાં કિરણનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારનાં ગામોની સીમમાં શેરડીનાં ખેતરો હોવાથી દીપડાઓ માટે રહેણાક વિસ્તાર બની ગયો છે. ઘણીવાર દીપડાઓ માનવ વસતીમાં આવીને પાળેલાં પશુઓને ટાર્ગેટ કરતા હોય છે.

Most Popular

To Top