Dakshin Gujarat

ઉમરગામના લોકો દીપડાના ડરથી સાંજ પછી ઘરની બહાર નીકળતા નથી: પાંજરુ મુક્યું છતાં દીપડો પકડાતો નથી

ઉમરગામ: જંગલી દીપડા હવે છેક ઉમરગામમાં માનવવસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં દેખાવા લાગતા ફફડાટ વ્યાપી ગયો છે. ચારેક દિવસ પહેલાં નદી કિનારે કપડાં ધોવા ગયેલી મહિલા પર હુમલો કર્યા બાદ દીપડાએ ઉમરગામના પાલીધુયા ગામમાં બે વાછરડાંનું મારણ કર્યું છે. આ વાછરડાંઓનું ગ્રામીણ માનવ વસ્તી ધરાવતા વિસ્તારોમાં દીપડાએ મારણ કર્યું હોવાથી ગ્રામજનોમાં ડર વ્યાપી ગયો છે. વન વિભાગ પણ દોડતું થયું છે. ગામમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે.

  • ચારેક દિવસ પહેલા નદી તળાવે કપડાં ધોવા ગયેલી એક યુવતી ઉપર પણ દીપડાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી
  • સ્થાનિક ગામવાસીઓમાં ગભરાટનો માહોલ, સાંજ બાદ કોઈ ઘરમાંથી બહાર નીકળતું નથી
  • સામાજિક વનીકરણ રેન્જ ઉમરગામ દ્વારા દીપડાને પકડવા બે પાંજરા મૂક્યા અને સીસીટીવી કેમેરા પણ ગોઠવી દીધા

ઉમરગામના પાલીઘુયામાં માનવ વસ્તીમાં આવી દીપડાએ બે વાછરડાનું મારણ કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ચારેક દિવસ પહેલા નદી તળાવે કપડાં ધોવા ગયેલી એક યુવતી ઉપર પણ દીપડાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. વન વિભાગે દીપડાને પકડવા બે પાંજરા મૂક્યા છે અને દીપડાની ગતિ વિધિ જાણવા સીસીટીવી કેમેરા પણ ગોઠવી દીધા છે.બે દિવસથી પાંજરું મૂકવામાં આવ્યું હોવા છતાં દીપડો હજી પાંજરે પુરાયો નથી, જેથી સ્થાનિક ગામવાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે.

ઉમરગામ તાલુકાના પાલીઘુયા, પાલિકરમબેલી, અને મોહનગામ ડુંગરોથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીં દીપડાઓની ગતિવિધિ અવારનવાર જોવા મળે છે. છેલ્લાં ચાર પાંચ દિવસથી પાલીઘુયા ઇન્દ્રગઢ ડુંગર ઉપરથી દીપડો માનવ વસ્તીમાં આવી વાછરડા, મરઘી, કુતરાનો શિકાર કરી રહ્યો છે. અમરેશકુમાર રામકૃષ્ણ ઓઝા અને નલિનભાઈ પ્રેમશંકર ઓઝાને ત્યાં વન્ય પ્રાણી દીપડાએ બે જેટલા વાછરડાનું મારણ કર્યું છે દીપડાએ એક કુતરાને પણ ફાડી ખાધો છે અને મરઘીનો પણ શિકાર કર્યો છે. વધુમાં મોહનગામમાં ચાર પાંચ દિવસ પહેલા સાંજના સમયે નદી તળાવે કપડાં ધોવા ગયેલી એક યુવતી ઉપર પણ દીપડાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

માનવ વસ્તીમાં આવી દીપડો આતંક મચાવી રહ્યો હોય જાણ થતા જ દીપડાને પકડી પાડવા સામાજિક વનીકરણ રેન્જ ઉમરગામ દ્વારા દીપડાને પકડવા બે પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાની ગતિવિધિ ઉપર નજર રાખવા સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવાયા છે. બે દિવસથી પાંજરા મૂકવામાં આવ્યા હોવા છતાં દીપડો હજી પાંજરામાં પુરાયો નથી કહેવાય છે કે દીપડો પાંજરા સુધી આવી આજુબાજુમાં લટાર મારી પાછો ચાલી જાય છે. દીપડાના ડરથી સ્થાનિક ગામવાસીઓ સાંજ પછી પોતાના ઘરની બહાર નીકળતા નથી અને ડર અનુભવે છે

Most Popular

To Top