Life Style

લિગલ V/S ઈલ્લિગલ

મારો દીકરો છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં ઈલ્લિગલી રહે છે. એ કહે છે કે એ જો હવે ઈન્ડિયા આવશે તો એને ફરી પાછું અમેરિકા જવા નહીં મળે. ઈન્ડિયામાં પણ એ અમેરિકામાં ઈલ્લિગલી રહ્યો હતો એટલે એને સજા કરવામાં આવશે. એને કોઈ પરણવા માટે પણ તૈયાર નથી થતું કારણ કે એનો ત્યાંનો વસવાટ ઈલ્લિગલ છે. અમને એનાં મા-બાપને એને મળવા જવા માટે અમેરિકન કૉન્સ્યુલેટ વારંવાર અરજી કરવા છતાં વિઝા નથી આપતી.’ B-1/B-2 વિઝા મેળવીને અમેરિકામાં લિગલી ગયા બાદ આ પટેલદંપતીનો પુત્ર એને અમેરિકામાં રહેવા માટે આપેલો સમય પૂરો થતાં પાછો ઈન્ડિયા આવ્યો નહોતો અને અમેરિકામાં જ ઈલ્લિગલી રહી ગયો હતો. એના વિશે વાત કરતાં એનાં માતા-પિતાએ આ મુજબ જણાવ્યું.

* * *
‘મારો હસબન્ડ B-1/B-2 વિઝા ઉપર અમેરિકા ગયો હતો અને પછી એણે ત્યાં રાજકીય આશરો માગ્યો છે. એની એ પોલિટિકલ અસાઈલમની અરજીને 2 વર્ષ થઈ ગયાં છે. એ જ્યારે અમેરિકા ગયો હતો ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. એ પછી મને બાળક અવર્તયું. એ પણ પોણા બે વર્ષનો થઈ ગયો છે. અમારે બન્નેને અમેરિકા જવું છે પણ અમને મુંબઈ કૉન્સ્યુલેટે વિઝા આપવાની ચોખ્ખી ના પાડી.’ ગુજરાતની એક સ્ત્રીએ આ મુજબ જણાવ્યું.

* * *
‘અમે તને અમેરિકામાં સરસ જોબ અપાવશું. તું એક વાર ત્યાં પહોંચી જા. આવું કહીને મહેસાણાના એજન્ટે મારા ગ્રેજ્યુએટ દીકરા પાસેથી 15 લાખ રૂપિયા લીધા અને એને B-1/B-2 વિઝા ઉપર અમેરિકા મોકલ્યો. આ વાતને 1 વર્ષ થઈ ગયું. મારા દીકરાને હજુ સુધી એ એજન્ટે કાયદેસરની જોબ અપાવી નથી. એનો અમેરિકાનો સ્ટે ઈલ્લિગલ થઈ ગયો છે.’

* * *
‘ગ્રીનકાર્ડ મેળવવા માટે મારા દીકરાએ એક સ્પેનિશ ડિવોર્સી, જે USA સિટિઝન છે, એની જોડે પૈસા આપીને લગ્ન કર્યાં. બન્ને વચ્ચે એવી શરત હતી કે જેવું મારા દીકરાનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ પરમેનન્ટ થશે કે એ બાઈ એને છૂટાછેડા આપશે. ગ્રીનકાર્ડ પરમેનન્ટ કરવા માટે એ એને મદદ કરશે પણ હવે એ ગ્રીનકાર્ડ પરમેનન્ટ કરવા માટેની જોઈન્ટ અરજીમાં જોડાવા માટે એ બીજા પૈસા માગે છે. એની માગણી ખૂબ જ મોટી છે અને ધમકી આપે છે કે જો મારો દીકરો એને એ પૈસા નહીં આપે તો એ ગ્રીનકાર્ડ કાયમનું કરવા માટેની જોઈન્ટ અરજીમાં નહીં જોડાય અને મારા દીકરાનું ગ્રીનકાર્ડ પરમેનન્ટ નહીં થાય. એણે ઈન્ડિયા પાછા આવી જવું પડશે.’

આવી આવી ફરિયાદો આ કટારના લેખકને રોજેરોજ સાંભળવા મળે છે. એમના લેક્ચરોમાં, સેમિનારોમાં, પુસ્તકોમાં અને છાપાના લેખોમાં તેઓ વારંવાર ચેતવણી આપે છે કે અમેરિકા ભલે ખૂબ જ સારો દેશ હોય પણ જો તમે ત્યાં ગેરકાયદેસર જશો, ગેરકાયદેસર રહેશો, ત્યાં ઘૂસવા માટે ખોટું કરશો તો એ દેશ અન્યો માટે, ત્યાં લિગલી રહેતા લોકો માટે, જેટલો સારો છે એટલો જ ખરાબ તમારા માટે હશે.

અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, 1952’ હેઠળ બે પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા છે. જેઓ ત્યાં કાયમ રહેવા ઈચ્છતા હોય એમના માટે ‘ઈમિગ્રન્ટ’ વિઝા ઉપલબ્ધ છે. ઈમિગ્રન્ટ વિઝા અનેક જુદાં જુદાં કારણોસર પ્રાપ્ત થઈ શકે છે. જેઓ અમેરિકા ફરવા માટે, બિઝનેસના કામ માટે, ભણવા માટે, થોડા વર્ષ નોકરી કરવા, પોતાના બિઝનેસની શાખા ખોલી ત્યાં એ બિઝનેસ ચલાવવા, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા, ધર્મનો ફેલાવો કરવા- આમ જુદાં જુદાં કારણોસર કાયમ માટે નહીં, પણ થોડા સમય માટે અમેરિકામાં પ્રવેશવા ઈચ્છતા હોય, થોડા સમય માટે ત્યાં રહેવા ઈચ્છતા હોય એમના માટે જુદી જુદી સંજ્ઞા ધરાવતા, જુદાં જુદાં કાર્યો માટે, જુદા જુદા પ્રકારના ‘નોન-ઈમિગ્રન્ટ’ વિઝા ઘડવામાં આવ્યા છે.

આટલું જ નહીં પણ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા હેઠળ તમને અમેરિકામાં નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એથી વધુ રહેવાની જરૂરિયાત આવી પડે તો તમારો સમય લંબાવવાની, ‘એક્સટેન્શન ઑફ સ્ટે’ કરવાની તમે અરજી કરી શકો છો. તમે તમારું B-1/B-2 સ્ટેટસ બદલીને સ્ટુડન્ટ સ્ટેટસ કે અન્ય કોઈ નૉન-ઈમિગ્રન્ટ સ્ટેટસ પણ મેળવી શકો છો. તમે નૉન-ઈમિગ્રન્ટ સ્ટેટસમાંથી અરજી કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ પણ મેળવી શકો છો. જો કંઈ ભૂલચૂક કરી હોય અને તમને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાગી હોય તો માફી માગીને, વેવરની અરજી કરીને પ્રવેશનિષેધમાંથી મુક્તિ પણ મેળવી શકો છો. આમ કાયદેસર અમેરિકામાં જઈ શકો છો અને રહી શકો છો. જરૂર છે ફક્ત આ સર્વે કાયદાઓની જાણકારી પ્રાપ્ત કરવાની.

જો તમારે અમેરિકા જવું હોય તો સૌ પ્રથમ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટને તમારે અમેરિકા શા માટે જવું છે એ જણાવો. એ માટે અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, 1952’ હેઠળ કયા પ્રકારના વિઝા ઉપલબ્ધ છે? એ મેળવવા માટે કઈ કઈ લાયકાતની જરૂરિયાત છે? એની પ્રક્રિયા શું છે? આ બધું જાણી લો. જો લાયકાત ન હોય તો એ મેળવવાનો પ્રયત્ન કરો. પછી યોગ્ય માર્ગદર્શન મેળવીને વિઝાની અરજી કરો અને કાયદેસર જ અમેરિકા જાઓ.

અમેરિકા એક પ્રગતિશીલ દેશ છે. ત્યાંની યુનિવર્સિટીઓમાં અપાતું શિક્ષણ વર્લ્ડ બેસ્ટ છે. નોકરીની ત્યાં ખૂબ જ સારી તકો છે. બિઝનેસ કરવા માટે એ દેશ ઉત્તમ છે. તમે અમેરિકામાં વ્યાપાર કરતા તમારા રૂપિયાના ડૉલર કરી શકો છો. ફરવા માટે પણ એ દેશ ખૂબ સારો છે. ત્યાં જોવાલાયક અનેક સ્થળો છે. નાયગ્રા ફોલ્સ, ગ્રાન્ડ કેનિયન, યસોમતિ નેશનલ પાર્ક, બ્રાઈસ કેનિયન, ટાહો લેક, ડિઝની વર્લ્ડ, લાસ વેગાસના કેસીનો, ન્યૂ યોર્કનું વોલ સ્ટ્રીટ, હોલિવૂડ. અરે, અમેરિકામાં શું નથી? પણ એ બધું માણવા, પ્રાપ્ત કરવા તમારે ત્યાં કાયદેસર જવું જોઈએ. નહીં તો આ બધું જ જે કાયદેસર જનારા માટે ઉત્તમ છે એ ગેરકાયદેસર જનારા માટે નકામું છે.

Most Popular

To Top