ઊંચી ડીગ્રી પ્રાપ્ત કરનાર જીવનની પાઠશાળા જીવન વ્યવહારમાં નાપાસ થતા જોવા મળે છે. પરીક્ષામાં નિષ્ફળ જનારા ઘણા મહાપુરુષો જીવનમાં અકલ્પ્ય સફળતા પામેલા છે. માત્ર ગણતરથી પણ જીવન અપૂર્ણ કહેવાય. ભણતરની સાથે ગણતર ભળે તો જિંદગીમાં ચાર ચાંદ લાગી જાય. બદામ ખાવાથી અક્કલ આવે તેના કરતા વધારે અક્કલ અનુભવની ઠોકરો ખાવાથી આવતી હોય છે તેમજ સાચુ જીવન ઘડતર થતુ હોય છે.
ગણતર એટલે કોઢા સૂઝવાળુ જ્ઞાન અનુભવોનો નિચોડ! ગણતરવાળો માણસ ગણતરીની પળોમાં નિર્ણય લે છે, જ્યારે માત્ર ભણતરવાળાની આંગળીઓ કોમ્પ્યુટર પર કામે લાગી જાય છે! જીવનમાં વ્યવહારૂ કેળવણી વિના સાચું ઘડતર થતું નથી. પાઠશાળામાં ભણતર પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવનરૂપી મહાશાળામાં ગણતરના પાઠો ભણવા મળે છે. તુલસીનો તો ક્યારો જ હોય, એનું ખેતર ન હોય! ભણતર ગણતરના ભેગા થવાથી ઘડતરનો સુવર્ણઘાટ સર્જાય છે. આજના સમયમાં ગણતર જ્ઞાનની વ્યાપક જરૂરિયાત છે. નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન કરવાથી શુભ પરિણામ જોવા મળે છે એવું બાળ મનોવિજ્ઞાન પણ કહે છે. જયાં સુધી દુનિયામાં એક પણ બાળક નિરક્ષર અને દુખીયારૂં જોવા મળે, ત્યાં સુધી દુનિયાની એક પણ શોધ મહાન નથી અને એક પણ પ્રગતિ અસાધારણ નહીં કહેવાય.
દેગામ, ચીખલી – રમેશ એમ મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.