Columns

ભરોસો કરતા શીખો

એક કોલેજ લેવલની હોકી ટીમ ..પણ ટીમમાં ટીમ સ્પીરીટનો અભાવ …બધા ખેલાડીઓ એક બીજાને નીચા દેખાડી આગળ વધવાનો પ્રયત્ન કરે…કોઈ કોઈનો ભરોસો કરે નહિ …બે સીનીયર ખેલાડીઓ વચ્ચે કેપ્ટન બનવાની દોડ…બે ખેલાડીઓ વચ્ચે ગોલકીપર કોણ બનશે તેની રસાકસી..બે નવા ઉડતા સ્ટાર ખેલાડીઓ વચ્ચે કોણ વધુ ગોલ કરે અને રેકોર્ડ બનાવશે ની હરીફાઈ…આ એક એવી ટીમ હતી જેમાં ખેલાડીઓ સામેની ટીમ સાથે નહિ પણ એકબીજા સાથે હરીફ બની બાખડી રહ્યા હતા.

ટીમના મેનેજર અને કોચ આ બધી રસાકસી અને ટીમમાં ફેલાયેલા અવિશ્વાસ અને એકબીજાને નીચે પાડવાની છાની રમતથી વાકેફ હતા.અને સમજી ગયા હતા કે આવી જ પરિસ્થિતિ રહેશે તો આપણી ટીમના ખેલાડીઓ સારા હોવા છતાં એક ટીમ તરીકે જીતી નહિ શકે.એક ખેલાડી તરીકે તેમનામાં સારી રમત રમવાની આવડત હશે પણ એક ટીમ તરીકે તેઓ એકબીજા સાથે મળીને રમવાની આવડત અને ઈચ્છા તેમનામાં નથી એટલે તેઓ આગળ નહી વધી શકે. મેચના આગલે દિવસે સાંજે કોચે મીટીંગ બોલાવી કહ્યું, ‘હું સામેની ટીમને આવતીકાલની મેચ જીતવાના અભિનંદન આજે જ મોકલાવી દેવાનો છું.’બધાને નવાઈ લાગી કે કોચ આ શું બોલ્યા હજી મેચ થઇ નથી …મેનેજર બોલ્યા, ‘સર બરાબર છે..

આપણા ખેલાડીઓ એક બીજા પર ભરોસો કરતા નથી …એકબીજાને નીચે પાડવામાં વધુ મહેનત કરે છે એટલે તેઓ ચોક્કસ હારશે જ…..’ખેલાડીઓને આ વાત ગમી નહિ પણ સાચી હતી એટલે સાંભળવી પડી. કોચ બોલ્યા, ‘હું એવી ટીમનો કોચ છું જે એક ટીમ નથી જેમાં બધા ખેલાડીઓ એકલા છે અને માત્ર પોતાને માટે એકલા રમે છે.તેઓ ખેલાડી તરીકે સારા છે ટીમ મેમ્બર તરીકે નહિ.પણ એક સારા કોચની ફરજ રૂપે હું તમને એટલું જ કહીશ કે બીજા આપણને આગળ વધતા રોકે છે તે વિચાર કચરા ટોપલીમાં નાખો …કોઈને રોકવાના વિચાર તમારા મનમાં હોય તો તેને કાઢી નાખો અને એક સાથે ..એક જુટ બની રમશો તો જ જીતી શકશો…

સાથ આપો અને સાથ મેળવો …મેચમાં દરેક મિનીટ અને દરેક ખેલાડી અને દરેક ફટકો મહત્વનો હોય છે માત્ર ગોલ નહિ.’કોચની વાત સાંભળી ટીમના ખેલાડીઓ શરમાયા અને તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. આ વાત માત્ર એક ટીમમાં નહિ જીવનના દરેક ડગલે ને પગલે પણ યાદ રાખવી જરૂરી છે.આજે આ એકબીજાથી આગળ વધવાની હોડમાં આપણે એકબીજાનો ભરોસો કરવાનું ભૂલી ગયા છીએ,બધા સામેવાળું મને પાડવા ઈચ્છે છે એવો દર અને અવિશ્વાસ ધરાવે છે.તે વિચાર મનમાંથી કાઢી નાખો.જીવનમાં આગળ વધવા એકબીજાનો સાથ લો અને એક બીજાને સાથ આપો…બધાને સાથે લઈને ચાલો …તો જીવન વધુ મધુર ..વધુ સુંદર લાગશે …વધુ આગળ જઈ શકાશે.

Most Popular

To Top