ચંદનનાં લાકડાંની દુકાનમાં ચંદનના લાકડાંના નાના મોટા ટુકડાઓ પડ્યા હતા.ચંદનનાં લાકડાં પોતાની કિંમત અને મહત્ત્વ પર ગુમાન કરતાં હતાં. જે પ્રમાણે ગ્રાહક આવતો તે પ્રમાણે દુકાનદાર મોંઘા ભાવે ચંદનનાં લાકડાં વહેંચતો.અનેક ગ્રાહક આવતા જરૂર પ્રમાણે ખરીદી કરતા. ચંદનનાં લાકડાંના અનેક ઉપયોગ થતાં ઘસીને પૂજામાં, પીસીને ચંદન પાઉડર કે અર્ક કાઢીને અત્તર બનાવવા માટે વગેરે વગેરે અને ક્યારેક ચંદનનાં લાકડાનો મોટો ઓર્ડર આવતો, જયારે કોઈ શ્રીમંત મહાનુભાવનું મરણ થાય ત્યારે….
ચંદનનાં લાકડાંમાંથી એક મોટા લાકડાને ઘસવાનો અને પીસાવાનો ત્યારે થતી પીડાનો બહુ ડર હતો એટલે તે કોઈ પણ ગ્રાહક આવે ત્યારે બીજાં બધાં લાકડાંની પાછળ જતો, જેથી તેણે વેચાઈ ઘસાવું કે પીસાવું ન પડે….એક દિવસ બીજા લાકડાએ તેને પૂછ્યું, ‘દોસ્ત, દર વખતે તું આમ કેમ પાછળ આવી જાય છે?’ લાકડું બોલ્યું, ‘મને વેચાવાનો અને ઘસાવા કે પીસાવાનો ડર લાગે છે.’ બીજું લાકડું હસ્યું અને બોલ્યું, ‘દોસ્ત, આપણે ચંદન છીએ.
સર્વોત્તમ સુગંધ ધરાવતું લાકડું અને આપણો તો ગુણધર્મ છે સુગંધ ફેલાવાનો.દોસ્ત, કયાં સુધી તું છુપાઈશ? એક દિવસ તો તારું વેચાણ આ વેપારી કરશે જ અને તારા ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે.દોસ્ત, સમજ, જો મંદિરનો પુજારી તને ખરીદશે તો તને ઓરસિયા પર ઘસીને પ્રભુને ચંદનથી તિલક કરશે.તું ઘસાઈને સીધો ઈશ્વરના મસ્તક પર સ્થાન પામીશ.જો કોઈ વેપારી તારો અર્ક કાઢીને અત્તર બનાવશે તો તું સુગંધ બની ચારે બાજુ પ્રસરીશ અને સમગ્ર વાતાવરણને મહેકાવી દઈશ અને જો કદાચ આમ છુપાતો રહીશ અને કોઈ શ્રીમંત મહાનુભાવનું મરણ થતાં કોઈ મોટો જથ્થો ખરીદવા આવશે અને ત્યારે તું છુપાઈ નહિ શકે અને ત્યારે તું સ્મશાનમાં ચિતા સાથે બળીને રાખ થઈ જઈશ.
માટે ઘસાવા કે પીસાવાની પીડાથી ડર નહિ, દૂર ન ભાગ. જો તું એ પીડા સહન કરી લઇશ તો ભાગ્યમાં હશે તો પ્રભુના મસ્તકનું તિલક બનીશ અથવા સુગંધ બની ફેલાઈશ.અને જો આમ છુપાતો રહીશ તો જ્થ્થામાં વેચાઈને સ્મશાનમાં રાખ બનીશ.માટે ડર નહિ, જે ભાગ્યમાં લખ્યું હશે તે પ્રમાણે તારું કર્તવ્ય કર.’ આ વાતથી ત્યાં એક શિવ મંદિરના પુજારી લાકડાં લેવા આવ્યા અને વેપારીએ વાત કરતા આ બે લાકડાં આગળ આવ્યા હતા. તે તોળી આપ્યા.જીવનમાં સહનશીલતાનો ગુણ કેળવો.કોઈ પણ તકલીફો અને સંજોગોમાં ઘસાવા કે પીસાવાથી ડરો નહિ.નાની મોટી ઘટનાઓથી હતાશ ન થાવ.સહનશીલતા કેળવવાથી જીવનના કપરા વળાંકો પાર કરી આગળ વધી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.