Columns

વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જોડેથી રસનું કેમ કરવું તે શીખો

દુનિયાને પેનિસિલિનની ભેટ આપનારા વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નવી શોધ માટે હંમેશાં પ્રવૃત્તિમય રહેતા હતા. શોધના કામમાં રસ જળવાઈ રહે એ માટે તેઓ નિયમિત સમયના અંતરે બ્રેક લઈ લેતા હતા. જ્યારે તેઓ બ્રેક લેતા ત્યારે તે પોતાના રસના વિષય તરફ મન વળતા, જેથી તે જીવનનો આનંદ મેળવી શકે. તેમને ફૂલો ઉગાડવાનો ભારે શોખ હતો. વળી તેઓ ફૂલો એવી રીતે ઉગાડતા કે તેમાંથી મિત્રોના નામ ઊપસી આવે. મજાની વાત એ છે કે જ્યારે ફૂલો ઊગી જાય એટલે તેઓ મિત્રોને પોતાને ત્યાં જમવા બોલાવતા અને પછી બગીચામાં લઈ જઈને સરપ્રાઇઝ આપતા. જ્યારે મિત્રો આ દૃશ્ય નિહાળે અને આનંદ મેળવે ત્યારે એલેક્ઝાન્ડર મિત્રોના ચહેરા ઉપરના આનંદથી ખુશ થઈને નિજાનંદ મેળવતા હતા. આના પરિણામે પાછા તેઓ કામ પર ચડતા ત્યારે તેમને તેમની શોધ માટે રસ જળવાઈ રહેતો હતો.

એલેક્ઝાન્ડર ફ્લેમિંગના મત મુજબ જ્યારે વ્યક્તિ બીજું કશું નહીં પણ પોતાના કામથી સંતુષ્ટ થતી હોય અને તેમાંથી તેને આનંદ મળતો હોય તો ખરેખર તે કામનું ધોરણ અને ગુણવત્તા ઉચ્ચ કક્ષાનાં હશે અને નિજાનંદના કારણે તે લાંબા ગાળા સુધી સુંદર કામગીરી બજાવતી રહેશે. તેનું પર્ફોર્મન્સ પણ તેને અન્ય વ્યક્તિઓ કે કર્મચારીઓ કરતાં આગવું સ્થાન અપાવશે. એટલું યાદ રાખો કે જે કામમાં વ્યક્તિ કે કર્મચારીને રસ ન પડે તે કામ ખરેખર બોજ બની જાય છે અને જે કામમાં વ્યક્તિ કે કર્મચારીને મજા આવે તે કામથી સારામાં સારું આઉટપુટ મળી શકશે. ઑફિસમાં પણ બૉસ કે લીડરે એ ધ્યાન રાખતાં રહેવું જોઈએ કે કયા કામમાં કયા કર્મચારીને કેટલો રસ પડે છે. જે કામમાં જે કર્મચારીને રસ પડે તે જ કામ જો આપણે તેની પાસે કરાવીએ તો થયેલા કામની ગુણવત્તા પણ સારી રહેશે. સાથોસાથ સારા એવા પ્રમાણમાં કામ પૂરું થશે.

આજેય ભારતની વાત કરીએ તો આપણા યુવાન બાળકોને પોતાના રસનો વિષય પસંદ કરવાની આઝાદી હોતી નથી. મોટા ભાગે માબાપ અથવા તો સગાંસંબંધીઓ તેની ઉપર આગળની લાઇન ઠોકી બેસાડતાં હોય છે. આના કારણે ઘણી વાર એવું બનતું હોય છે કે પ્રાકૃતિક નેચર ધરાવતાં બાળકો લાંબા ગાળે કોઈ સારા સ્પીકર કે ચિત્રકાર કે સંગીતકાર બનવાના બદલે કંપનીમાં ક્લાર્ક બનીને રહી જાય છે. તેમને પોતાની રૂચિ અનુસાર આખી જિંદગી કામ કરવાની તક સાંપડતી નથી. એનું પરિણામ એ આવે છે કે તેની કુદરતી શક્તિઓ બહાર આવતી નથી, સાથોસાથ આખી જિંદગી તે વ્યક્તિ કામને માત્ર બોજ તરીકે જ જોતો આવે છે. તેની પ્રગતિ થતી નથી અને શોખ કેળવાતા નથી એટલે કામનો આનંદ મળે તો જ શ્રેષ્ઠ કામગીરી શક્ય બને છે.

બીજી તરફ જો વ્યક્તિને પોતાનું ગમતું કામ મળી રહે તો તે કામ જ તેની હૉબી બની જાય છે. આ હૉબીથી બે બાબતો બને છે, વ્યક્તિ શ્રેષ્ઠ આઉટપુટ આપી શકે છે. બીજું, તેનાથી તેની પ્રગતિ થાય છે. પરિવાર પણ ઝડપથી આગળ આવે છે. સંસ્થા કે ઑર્ગેનાઇઝેશનનો ગોલ પણ અચિવ થઈ જાય છે એટલે કે પાંચેય આંગળીઓ ઘીમાં એવું કહેવાય. અહીં બે સિચ્યુએશન છે – કામ અને વૈતરું. કામ કરવામાં આનંદ આવે તો તે કામ પ્રત્યેની ભક્તિ બની જાય છે, નહીં તો તે વૈતરું થઈ જાય છે. વ્યક્તિએ સારા મૅનેજર કે લીડર થવા માટે વૈતરું કરવાની જરૂર નથી. જે કામ કરો તે રસપૂર્વક કરો અને રસપૂર્વક કરેલા કામથી નિજાનંદ મળતો રહેશે.

ઘણી વાર જોવા મળતું હોય છે કે ઘણા કર્મચારીઓ સોમવારે સવારે નોકરીએ આવતાંની સાથે જ શનિ-રવિની રાહ જોવા માંડે છે. તેમને પોતાના કામમાં કોઈ રસ જ નથી કારણ કે તેઓ કામને એક બોજ તરીકે લેતા હોય છે. આના માટે તેઓ અને તેમની માનસિકતા જવાબદાર છે. જો તમે કામને બોજ કે વૈતરું તરીકે જોતાં રહેશો તો જીવનમાં નિજાનંદ ક્યારેય મેળવી શકશો નહીં, ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો તે પસંદ નથી તો બૉસને કહીને જેમાં તમને રસ પડે તેવું કામ બૉસ પાસે માગી શકો છો. જેનાથી કામ પ્રત્યેનો તમારો રસ જળવાઈ રહે, તમે નિજાનંદ મેળવી શકો અને ઑફિસમાં તમારી કામગીરીની કદર પણ થાય. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જો માણસ પોતાનો રસ ક્યાં છે તે જાણી લે અને તે દિશામાં કામગીરી કરે તો જરૂર સફળ થાય.
ubhavesh@hotmail.com

Most Popular

To Top