વડોદરા : વડોદરામાં પાણી લાઈન લીકેજની સમસ્યા તંત્રના માથાના દુખાવા સમાન બની હોય તેમ એક બાદ એક જગ્યાઓ પર પાણીની લાઈનોમાં લીકેજની સમસ્યાઓ સામે આવી રહી છે.ત્યારે શહેરની સયાજી હોસ્પિટલમાં મંગળવારે પાણીની લાઈનમાં ભંગાણ પડતા પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં હાલમાં જ નવીન રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે.તેમજ નવીન પાણીની લાઈનો નાખવામાં આવી છે.પરંતુ સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી અનેક જગ્યાઓ પર પીવાના પાણીની લાઈનો લીકેજ થઈ રહી છે.
એક તરફ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને પીવાનું પાણી મળતું નથી.જ્યારે બીજી તરફ પીવાનું પાણી વહી રહ્યું છે.સયાજી હોસ્પિટલમાં લાખોનો પગાર લેતા અધિકારીઓ આજ રોડ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે.જ્યાં પીવાનું પાણી વહી રહ્યું છે.પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ કોઈપણ પ્રકરની યોગ્ય કાર્યવાહી કરતા નથી.તેના કારણે હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓને બહારથી પીવાનું પાણી લાવું પડે છે.આ બાબતે સારવાર કરાવવા આવતા દર્દીઓના સ્વજનોનું કહેવું છે કે જરૂરિયાત મંદ લોકો જ અહીં સારવાર લેવા આવતા હોય છે.
સરકારી હોસ્પિટલ હોવા છતાં અહીં પીવાના પાણીની અવ્યવસ્થા છે.જેના કારણે બહારથી વેચાતું પાણી લાવવાની ફરજ પડી છે.ઘણી વખત તો એવા દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે કે તેઓ પાસે ભાડા ખર્ચવાના કે બહારથી એક ટંક ભોજનના પણ પૈસા હોતા નથી.તેવા લોકો ક્યાંથી પાણી મેળવી શકે.સર સયાજી રાવ ગાયકવાડે લોકોની સુવિધા માટે આ હોસ્પિટલ બનાવી હતી.પરંતુ તેની સારસંભાળ રાખનાર અધિકારીઓને હાલ તેમાં બેદરકારી દાખવતા હોવાનું લાગી રહ્યું છે.એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી તો બીજી તરફ હોસ્પિટલના મેનેજમેન્ટની નિષ્કાળજીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો.