વડોદરા: લોકોને એક તરફ પીવાનું પાણી મળતું નથી.તો બીજી તરફ યોગ્ય કામગીરીના અભાવે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.શહેરના નવાપુરા વિસ્તરમાં પાણીની લાઈનમાં છેલ્લા ત્રણ દિવસથી લીકેજ થતા રોજ લીટર પાણી માર્ગ પર વહી જઈ રહ્યું છે. સ્માર્ટ સીટી વડોદરામાં ભુવા પડવા , રોડ બેસી જવા, ડામર પીગડવો અને ખાસ કરીને પાણીની લાઈનોમાં લીકેજ થવાની સમસ્યા હવે આમ બની ગઈ છે. અગાઉ પાલિકા તંત્ર દ્વારા લોકોને પીળું કાળું જીવાતવાળું અને દૂષિતમય પાણી પૂરું પાડતા લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો અને પાણીની બુમરાણો ઉઠી હતી.ત્યારબાદ હવે કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ પણ શરૂ થયો છે.
કેટલાક વિસ્તારોમાં તો અપૂરતા પ્રેશરથી પાણી આવતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.જ્યારે શહેરમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે.શહેરના નવાપુરા સાંઈબાબાના મંદિર પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે.જેને કારણે માર્ગ પર પાણી ફરી વળતા કાદવ કીચડ થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોની સાથે મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે.જ્યારે હજારો ગેલન પાણીનો વેડફાટ થવા પામ્યો છે.આ અંગે સ્થાનિક નગરસેવક દ્વારા વોર્ડ કચેરી અને પાલિકાની વડી કચેરીમાં રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા નગરસેવકે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.