એક તરફ નવસારી જતો મુખ્ય માર્ગ તો બીજ તરફ અમલસાડનો મુખ્ય માર્ગ આવેલો હોય રસ્તા થકી ગણદેવી તાલુકાનું નાનકડું ગામ અજરાઇ, અમલસાડ, ગણદેવી તથા નવસારી સાથે જોડાયેલુ છે. આ ગામની આસપાસ તો રહેજ, પાથરી, ધમડાછા અને તોરણગામ આવેલા છે. અજરાઇની સ્થાપના અંદાજે ૫૦૦ વર્ષ પહેલા થઇ હતી. એવી લોકવાયકા મુજબ અહીં ભીમખડક આવેલો હોય ઘણા એમ માને છે કે આ ગામ પાંડવાનો સમયમાં વસેલુ હશે. પહેલાના જમાનામાં અજરાઇ ગામ હજીરાપુરી તરીકે ઓળખાતુ હતું. પરંતુ સમય જતાં અપભ્રંશ થકી અજરાઇ નામ થઇ ગયાનું માનવામાં આવે છે. અજરાઇ ગામ આઝાદી વખતે ધમડાછા ગ્રામ પંચાયતમાં હતુ. હવે અલગ અજરાઇ ગ્રામ પંચાયત બની છે. જેમાં સામરાવાડી ફળિયુ, હાથિયાવાડી ફળિયુ, પાનમોરા ફળિયુ, ડુંગરી ફળિયુ, ટેકરા ફળિયુ સમાવેશ છે.
ગામના વિકાસની વાત કરીએ તો હાલના સરપંચ ભારતી રાકેશ પટેલ તથા ઉપસરપંચ નીતિન આહિરના સમયકાળમાં ગામમાં ડામર રોડ, દરેક ફળિયામાં પેવીંગ બ્લોક બેસાડવાનું કામ તથા સ્ટ્રીટ લાઇટ તથા હળપતિવાસમાં ધરે ધરે શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત હળપતિ લાભાર્થીઓને સાધન સહાય સાથે તાલીમ આપવાની સગવડ ઉપરાંત હળપતિઓ માટે આવાસ બાંધકામ પણ કરવામાં આવેલ છે. તથા અનેક કામો ચાલુ છે. ગામના વિકાસમાં આશિષભાઇ (બંટી) નાયક, ભાવિનભાઇ મહેન્દ્રભાઇ મહેતા અને રાકેશ પટેલનો ફાળો મહત્વનો રહયો છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય તો ખેતી અને પશુપાલન છે. અંબિકા નદી નજીકમાં વહેતી હોવાને કારણે અહીંની ફળદ્રુપ જમીન હોય ખેતીનો મુખ્ય પાક આજે ચીકુ અને કેરી છે. જોકે વર્ષો પહેલા અજરાઇમાં પીપર પણ થતી હતી. જે આયુર્વેદ દવામાં વપરાતી હતી. વસ્તીની દ્રષ્ટિએ જોઇએ તો કુલ અંદાજે 3 હજાર લોકોની વસ્તી છે અને મતદારની સંખ્યા કુલ ૧૮૯૭ છે. ગામમાં હળપતિ, દેસાઇ, આહિર, કોળી, હરિજન, નાયક, ઢોડીયા, કુંભાર અને મુસ્લિમ જાતિના લોકો વસે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી-પશુપાલન અને કેટલેક અંશે નોકરીયાત રહયો છે. ખેતીના પાકોના વેચાણમાં ખેડૂતોનું વેપારી દ્વારા થતુ શોષણ અટકાવવા ગામના જાગૃત ખેડુત અને સહકારી આગેવાન એવા સ્વ. શ્રી પરાગજી નાયક અને સ્વ. ગુલાબભાઇ મહેતાએ ખેતી વિકાસ સેવા સહકારી મંડળી લિ. અજરાઇની સ્થાપના કરી હતી. આજે મંડળીના પ્રમુખ તરીકે શીરીશભાઇ વશી અને ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઇ મહેતા સેવા આપે છે.
મંડળીમાં ખેડૂતોને જીવન જરૂરિયાતની વસ્તુ, ખેતી ધીરાણ, સભાસદો માટે લોકરની સુવિધા ઉપરાંત મેડીકલેઇમ જેવી સગવડો પુરી પાડવામાં આવે છે. સ્વ. પરાગજી નાયક અને સ્વ. ગુલાબભાઇ મહેતાએ આઝાદીની લડત ઉપરાંત ગાધીના રચનાત્મક કાર્યમાં સક્રિય ભાગ લીધો હતો. પરાગજીકાકા ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી આગળ વધીને ધારાસભ્ય તરીકે ચૂંટાઇ વિધાનસભામાં ગણદેવી તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ગણદેવી સહકારી મંડળી, ગણદેવી તાલુકા સંધ તથા સુગર ફેક્ટરી ગણદેવીના પાયાના સ્થાપક કાર્યકર રહયા અને સંસ્થાઓમાં વિવિધ પદો શોભાવી પારદર્શક વહીવટ આપ્યો હતો.
સ્વ. ગુલાબભાઇ મહેતાએ તાલુકામાં ગણદેવી સુગર ફેક્ટરી, ગણદેવી સંધ, ગણદેવી મંડળી, અજરાઇ મંડળી ઉપરાંત અનેક સહકારી સંસ્થાઓમાં તેમજ વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધ, વલસાડ જિલ્લા સહકારી બેંક ઉપરાંત જિલ્લાની અનેક સહકારી સંસ્થાઓની સ્થાપનામાં અગ્રેસરનો ભાગ રહયો છે. આઝાદીની લડત દરમિયાન અજરાઇ ગામનો ખુબ જ મહત્વનો ફાળો રહયો હતો. સ્વ. પરાગજી ડાહયાભાઇ નાયક, સ્વ. ઠાકોરભાઇ નાયક, સ્વ. ગુલાબભાઇ મહેતા જેવા આગેવાનોએ ચળવળ કરી હતી. સામરાવાડીમાં સ્વ. ઠાકોરભાઇ ડાહયાભાઇ નાયકની વાડીમાં રહી અંગ્રેજો સામે ભૂગર્ભ પ્રવૃતિ કરતા હતા. એમની જોડે સ્વ. લાલભાઇ નાયક (નવસારી) વગેરે આગેવાનો હતા. આ ચળવળના ગામના હળપતિ અને હરિજનોએ પણ સહકાર આપ્યો હતો.
આઝાદીના કરેંગે યા મરેંગે લડત
આઝાદી બાદ ગાંધીજીની રચનાત્મક પ્રવૃતિના આદેશને માથે ચઢાવી સ્વ. પરાગજી નાયક અને સ્વ. ગુલાબભાઇ મહેતાએ સહકારી પ્રવૃતિ અને આદિવાસી ઉત્થાનની પ્રવૃતિના ફળ સ્વરૂપ આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવીના સંચાલન હેઠળ આશ્રમશાળા અજરાઇ તરીકે સ્થાપના થઇ હતી. આજે પણ કાર્યરત એવી આશ્રમશાળા શરૂ કરવામાં સ્વ. મોંધાભાઇ નાયકનો પણ સિંહ ફાળો હતો. આ આગેવાનોએ સમાજમાં કુરિવાજો બંધ કરાવવા પણ પ્રયત્નો કર્યા હતા. સને ૧૯૬૮ની અંબિકા નદીમાં આવેલ રેલથી તાલુકાના અનેક હળપતિના ધર તણાઇ ગયા, ત્યારે પરાગજીભાઇ અને ગુલાબભાઇએ તાલુકાના અન્ય આગેવાનો સાથે રહી ત્રણ હજાર જેટલા હળપતિ આવાસો બનાવ્યા હતા. આ બંને ઉપરાંત સ્વાતંત્ર સેનાની દયાળજી નાયકનો સક્રિય ભાગ રહયો હતો. એમણે કરેંગે યા મરેંગેની લડત ચલાવી હતી. તેમણે ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લેનારાઓમાં ખંડુભાઇ દુર્લભભાઇ નાયક, લાલભાઇ ભગવાનજી નાયક, ધીરૂભાઇ ડાહયાભાઇ નાયક, મગનલાલ ઝીણાભાઇ મહેતા, છગનલાલ ડાહયાભાઇ નાયક, નાનુભાઇ કલ્યાજી નાયક તથા ઠાકોરભાઇ ડાહયાભાઇ નાયકનો સમાવેશ થાય છે. આ ગામના સહકારી આગેવાન તરીકે રમેશભાઇ નાયક-સામરાવાડી, પ્રબોધભાઇ નાયક, હાથિયાવાડી, નરેન્દ્રભાઇ મહેતા તથા સ્વ. મનુભાઇ નાયક-અજરાઇનો પણ સહકારી ક્ષેત્રે ફાળો રહયો છે.
ઢીંમર સમાજની કૂળદેવી માતાનું મંદિર
અજરાઇ ગામમાં હાથિયાવાડીમાં રામજી મંદિર, મંગલી માતાનુ મંદિર અને અજરાઇ પટેલ ફળિયામાં રામજી મંદિર, આહિરવાસમાં ખોડીયાર માતાનું મંદિર અને ગામના તળાવ કિનારે ખોડીયાર માતાના મંદિર, બાલાજી હનુમાન મંદિર તથા ઢીમ્મર સમાજનું કુળદેવી માતાનું મંદિર આસ્થાના પ્રતિક રહયા છે.
હળપતિના બાળકોમાં શિક્ષણની જ્યોત જગાવતી અજરાઇ આશ્રમ શાળા
પરંતુ જ્યાં પેટનો ખાડો પુરાતો ન હોય ત્યાં શિક્ષણ ક્યાંથી ? એ સ્થિતિમાં હળપતિ સમાજના બાળકોને ભણાવવા હોય તો તેમને રહેવાની, ભણવાની વ્યવસ્થા કરી શકાય તો શિક્ષણ મળી શકે એ બાળકોનો ખર્ચ પણ પરિવારના માથે રહે નહિ. આ હળપતિ પરિવારો બાળકોને ભણવા મોકલી એવી સંભાવના જણાતી ન હતી તેથી કેટલાક આગેવાનોએ અજરાઇ આશ્રમશાળા ચાલુ કરવા માટે પ્રયાસ કરતા હતાં ત્યાં અજરાઇ ગામના ગુલાબભાઇ મહેતા મળી ગયા અને ઉત્કર્ષની એક શિક્ષણની પ્રવૃતિના મંડાણ થયા આ પ્રવૃતિ માટે આદિવાસી સંસ્કાર મંડળની રચના કરવામાં આવી અને તેના નેજા હેઠળ આશ્રમશાળા ચલાવવાનો પ્રયાસ શરૂ થયો. ગુલાબભાઇ મહેતાના અથાગ પ્રયાસથી મંજુરી તો મળી ગઇ પરંતુ આશ્રમશાળા ક્યાં બનાવવી તેની જમીન મળતી ન હતી.
તેથી ગણદેવી ખાતે રામજી મંદિરમાં એ આશ્રશાળાની તા. ૧૬-૬-૧૯૫૯ ના રોજ શરૂઆત કરી હતી. પછી સને ૧૯૬૧-૬૨માં અજરાઇ ખાતે આશ્રમશાળા શરૂ થઇ હતી. હાલના આદિવાસી સંસ્કાર મંડળના પ્રમુખ ભગુભાઇ દરજી સને ૧૯૭૮ થી પૂર્ણ સમય આપીને જોડાયા હતા. ૧૯૭૯ માં મંડળની પ્રવૃતિ વિસ્તારવા સાથે તાલુકાના ગણદેવા, એંધલ, વેગામ તથા ગણદેવી અને અજરાઇ ખાતે બાલવાડી શરૂ કરી હતી. એ પછી એવું થયુ કે આશ્રમશાળામાં સાતમા ધોરણ સુધીનું શિક્ષણ તો મળે પરંતુ એ પછી એ બાળકો કશુ કરી ન શકે એ પ્રશ્ન ભગુભાઇને સતત સતાવતો રહયો અને પરાગજી નાયક સાથે વિચાર વિમર્સ કરી આ હળપતિ સમાજના બાળકોને આગળ ઉપર શિક્ષણ મળે એવું કંઇક થવું જોઇએ એનો વિચાર કરી આ વિભાગમાં ઉત્તર બુનિયાદી, આશ્રમશાળા શરૂ થાય તી બાળકોને માધ્યમિક શિક્ષણ મળી શકે અને તો જ તેમનો આગળ વિકાસ થઇ શકે. આખરે, પરાગજીકાકાના પ્રયાસથી અંભેટા ગામે ઉત્તર બુનિયાદી આશ્રમશાળાની મંજુરી મળી પરંતુ ત્યાં કોઇ જમીન ન હતી અને ભાડાનું મકાન પણ મળે એવું ન હતુ તો ઉત્તર બુનિયાદી આશ્રમશાળા શરૂ કરવી કઇ રીતે ? વળી મંજુરી મળે તે પણ અડધુ શૈક્ષણિક સત્ર પુરૂ થઇ ગયા પછી તેથી અડધેથી કયા બાળકો ભણવા માતે આવે ? તેમનો એ સ્પષ્ટ જવાબ સાંભળીને અધિકારીએ નવા સત્રથી શાળા શરૂ કરવાની મંજુરી આપી દીધી એ સાથે જ ૧૯૮૦ થી અંભેટા ખાતે ઉત્તર બુનિયાદી આશ્રમશાળા શરૂ થઇ છે. જેમાં આદિવાસી સમાજના ૧૦૦ જેટલા બાળકો શિક્ષણ સાથે જીવન ધડતરની તાલીમ લઇ રહયા છે. શૈક્ષણિક પ્રવૃતિ ઉપરાંત હળપતિના ઉત્કર્ષની બીજી પ્રવૃતિઓ પણ કરતુ રહયુ છે. જેમાં સમુહ લગ્નની પહેલ પણ મંડળે જ કરી હતી. આ ઉપરાંત સર્વોદય યોજના હેઠળ હળપતિઓને અંબર ચરખા આપીને તેમને પગભર કરવાની જવાબદારી પણ મંડળે નિભાવી છે. ૧૯૮૦માં રહેજ, સોનવાડી, ઇચ્છાપોર, એંધલ ખાતે ધર બાંધવાની યોજના પણ ઉપાડી હતી.
સંસ્થા દ્વારા આશ્રમશાળાઓ ઉપરાંત દેવસર, તા. ગણદેવી ખાતે કુમાર-કન્યા છાત્રાલયનું સંચાલન પણ કરવામાં આવે છે. આ બંને છાત્રાલયના મકાન જર્જરીત થઇ જતા એક ઇગ્લેનડની સેવાભાવી સંસ્થા કેર એજ્યુકેશન ટ્રસ્ટ-યુ.કે. તરફથી રૂપિયા બે કરોડની ઉમદા સહાય પ્રાપ્ત થતાં સગવડતા વાળા સુંદર મકાનો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આદિવાસી સમાજના ૧૫૦ જેટલા બાળકો સ્થળ ઉપર રહીને બીલીમોરાની શાળામાં અભ્યાસ કરી રહયા છે. આ આશ્રમશાળા તથા છાત્રાલય ચલાવવા માટે સરકારી તરફથી નિભાવ ગ્રાંટ મળતી હોય છે. પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી બાળકોની સંખ્યાના પ્રમાણમાં શિક્ષકોની ભરતી સરકાર તરફથી કરવામાં આવતી ન હોવાથી બાળકોનું શિક્ષણ ન બગડે એનો ખ્યાલ કરીને સંસ્થાએ દાન મેળવીને બાકીના વધારાના શિક્ષકો રોકી બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે. આશ્રમશાળામાં બાળકોને પોષક આહાર તથા દરરોજ તાજુ દુધ મળી રહે તે માટે ગૌશાળાનું સંચાલન કરવામાં આવે છે. બાળકોમાં જાહેર હિંમત કેળવાય તે માટે જુદી-જુદી શૈક્ષણિક સ્પર્ધા, સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત હળપતિ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા ધમેઋણ યોજના, વિઘાર્થી સન્માન જેવા કાયક્રમો મારફત પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા મારફત આરોગ્ય સારવાર શિબિર, શિક્ષકોની તાલીમ, ઉપરાંત અનેક રચનાત્મક કાર્ય કરવામાં આવે છે.
આદિવાસી સંસ્કાર મંડળ મારફત છેલ્લા કેટલાય વર્ષથી આ વિભાગમાં અમેરિકાની સેવાભાવી સંસ્થા યુવા પ્રગતિ-યુ.એસ.એ. મારફત જુદા-જુદા વિસ્તારમાં યુથ વેલનેસ કેમ્પના આયોજન જેઠળ આશ્રમશાળા અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા આદિવાસી સમાજના બાળકો માટે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવે છે. જેમાં અમેરિકાના નિષ્ણાંત ડોક્ટર્સ ટીમ મારફત બાળકોની તપાસ કરી જરૂરી સારવાર તથા મફત દવા આપવામાં આવે છે. ઉપરાંત બાળકોને સ્થળ ઉપર દાંતની સારવાર આપવાનું પણ આયોજન કરવામાં આવે છે. આજદિન સુધીમાં આશરે ૧૦,૦૦૦ જેટલા બાળકોએ લાભ લીધો છે. ઉપરાંત યજમાન સંસ્થાઓને પણ જરૂરી મદદ કરવામાં આવે છે.
તેમજ એક મહત્વના યોજના જેમા. કન્યાઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકાની સેવાભાવી સંસ્થા યુવા પ્રગતિ-યુ.એસ.એ. ના સહયોગથી કન્યા શિક્ષણ સહાય આપવામાં આવે છે. જેમાં આજદિન સુધી અનેક કન્યાઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણમાં મદદરૂપ થઇ રહી છે. આમ સંસ્થા મારફત આ વિભાગમાં આશ્રમશાળાઓ અને છાત્રાલયો મારફત શિક્ષણ અને આરોગ્યની પ્રવૃતિ ઉપરાંત ગાંધી ચિંધ્યા માર્ગે અનેક રચનાત્મક પ્રવૃતિઓ થઇ રહી છે.
અખિલ ભારતીય સેવાદળ ગુજરાતના પ્રમુખ ભગુભાઇ દરજી
આદિવાસી સંસ્કાર મંડળ સંચાલિત આશ્રમશાળાઓ અને છાત્રાલયોનું છેલ્લા ૬૦ વર્ષથી સંચાલન કરી રહયા છે. એઓ અખિલ ભારતીય સેવાદળના સૈનિક છે. સને ૧૯૨૩માં હિન્દુસ્તાની સેવાદળ ચાલતુ હતુ. ૧૯૩૧ માં મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસ સેવાદળને તરીકે અસ્તિત્વ જાળવી શક્યુ છે. ભગુભાઇ દરજી એ સંગઠનના ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સેવાદળના પ્રમુખ છે. એઓ દર વર્ષે રાષ્ટ્રધ્વજનું તાામ કઇ રીતે જાળવી શકાય, સલામી કઇ રીતે આપવી, ધ્વજ સ્તંભ ઉપર ધ્વજ કઇ રીતે લગાવવો એ અંગેની વિસ્તૃત માહિતી ભગુભાઇ દરજી આપે છે.