Gujarat

એલ.ડી. એન્જીનિયરીંગનાં પ્રાધ્યાપકની આત્મહત્યાની તટસ્થ તપાસ કરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ: એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજના (L.D. Engineering College) પ્રોફેસરની આત્મહત્યાની (Suicide) ઘટના ઘણી દુ:ખદ છે. આશાસ્પદ પ્રાધ્યાપકને જીવન ટુકાવવું પડે તે હદે કામનું ભારણ છે. મોટાપાયે અધ્યાપકોની ખાલી જગ્યાને કારણે અન્ય કામોનું અતિ ભારણ હોય છે. વિદ્યાર્થીઓની ફી ઉઘરાવવી, બીલ બનવવા, સહિતની કામગીરીઓ પ્રોફેસરો પાસે કરાવવામાં આવી રહી છે. પ્રોફેસરો પાસે વર્ગ ૩-૪ની કામગીરી કરાવવામાં આવી રહી છે. કઈ રીતે વર્કશોપ-લેબરોટરી વર્ક ભાવિ ઈજનેરો કરતા હશે ? તે તપાસનો વિષય છે.

કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક નિવૃત્તિ, વય નિવૃત્તિ, રાજીનામું, અન્ય નોકરીમાં જવું, બઢતી મળવી અને અવસાન થવું જેવી વિવિધ કારણોસર ડિગ્રી થતાં ડીપ્લોમાં ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની લાંબા સમયથી મોટા પાયે ખાલી જગ્યા છે. સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-૧ની ૨૭૬ જગ્યા ખાલી, જેના કારણે પ્રોજેક્ટ, રીસર્ચ, ઇનોવેશનમાં પુરતું કામ થતું નથી. ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજમાં વર્ગ-૧૮૯, વર્ગ-૩ની ૪૭૮માંથી ૩૧૦ અને વર્ગ -૪ની ૨૬૫માંથી ૧૯૭ બેઠકો ખાલી છે. જે ઇજનેરી શિક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

ઇજનેરી કોલેજમાં ૨૭૪૪ મંજુર અધ્યાપકની જગ્યાઓમાંથી એક હજારથી વધુ ખાલી છે. મોટાપાયે અધ્યાપકોની ખાલી જગ્યાને કારણે અન્ય કામોનું અતિ ભારણ હોય છે. ડૉ.મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ઈજનેરી ડીગ્રી-ડીપ્લોમાં કોલેજના અધ્યાપકો પાસેથી શિક્ષણ સિવાય વહીવટી કામનું અતિ ભારણ, શિક્ષણ પર પણ અસર જેના લીધે પ્રાધ્યાપકો માનસિક તાણ અનુભવી રહ્યા છે. વારંવારની રજૂઆત છતાં ટેકનીકલ શિક્ષણ પ્રત્યે ભાજપ સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે. ભાજપ સરકારની અનિર્ણયકતાને કારણે સરકારી ઈજનેરી કોલેજના આધ્યાપકોને ૧૨ વર્ષે પણ ઉચ્ચ પગાર ધોરણ મળ્યું નથી. ડીગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં ખાલી પડેલી પ્રાધ્યાપકની ભરતી સત્વરે ભરવામાં આવે, શિક્ષણ સિવાયના અન્ય કોઈ કામગીરી ન આપવામાં આવે અને એલડી એન્જીનીયરીંગનાં પ્રાધ્યાપકની આત્મહત્યાની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Most Popular

To Top