હથોડા: સુરત જિલ્લા એલસીબી (LCB) પોલીસે (Police) બાતમીના આધારે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા(Limodra) નજીક એક ફાર્મા રેડ કરી રૂપિયા દોઢ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો.સુરત એલસીબી પોલીસને કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા ગામે આવેલા એક શિવાલિક નામના ફાર્મ હાઉસમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો બુટલેગરોએ ઉતાર્યો છે એવી બાતમી મળી હતી. જેથી સુરત જિલ્લા એલસીબીએ લીમોદરાની સીમમાં આવેલા શિવાલિક ફાર્મ હાઉસમાં (Farm House) રેડ કરી મકાનના બાથરૂમમાં સંતાડી રાખેલો રૂપિયા દોઢ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઇંગ્લિશ દારૂ તેમજ બે મોટરસાઇકલ મળી 1,65,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો સંતાડી રાખનાર બુટલેગર કિશન પ્રવીણ પટેલ (રહે.,લીમોદરા) અને વિરલ ધનસુખ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વરલી મટકાના અંક પર જુગાર રમતા 6 ઝડપાયા
બારડોલી : બારડોલીના શેઠ ફળિયામાં વરલી મટકાના અંક પર જુગાર રમતા 6 શખ્સને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રંગેહાથ પકડી લીધા હતા. પોલીસ તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.32 હજાર 340નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના બારડોલી ટાઉન પોલીસમથક વિસ્તારમાં શેઠ ફળિયામાં શશિકાંતભાઈના મકાનના ઓટલા પર ખુલ્લામાં કંચનભાઈ નામનો ઈસમ મળતીયા માણસો સાથે મળી વરલી મટકાના અંક પર જુગાર રમાડી રહ્યા છે.
કુલ 32,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો
આ બાતમીના આધારે પોલીસે છાપો મારી સ્થળ પર જુગાર રમી રહેલા શશિકાંત ભાણા રાઠોડ, રાકેશ સાનિયા રાઠોડ, રાજુ ભાણા રાઠોડ, સંજય નટવર પાટણવાડિયા, પરેશ રવજી રાઠોડ અને ઠાકોર ભીખુ ચૌધરીને ઝડપી લીધા હતા. જ્યારે કંચન, રાહુલ અને વિરલ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.26 હજાર 340 અને 2 મોબાઈલ ફોન કિંમત રૂ.6 હજાર મળી કુલ 32,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.