ચકલાસી હદમાં સ્ટેટ મોનીટરીંગના આંટા ભાળી ગયેલી સ્થાનિક પોલીસ સાવધાન થઈ ગઈ
જે વહીવટદારની રહેમ નજર હેઠળ વેપલો ચાલતો હતો, તેમણે જ રેઈડમાં જવાની ફરજ પડી હોવાની ચર્ચા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.30
નડિયાદ તાલુકાના મહોળેલમાં વર્ષોથી વિદેશી દારૂનો વેપલો ચલાવતા અને પોલીસ ચોપડે લિસ્ટેડ બનેલા બુટલેગરના ત્યાં એક જ રાતમાં 2 જુદી-જુદી પોલીસની ટીમોએ સપાટો બોલાવ્યો છે. ચકલાસી હદ વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગની ટીમના આંટાફેરા વધી ગયા હોવાથી લોકલ ક્રાઈમ બ્રાંચ અને ચકલાસી પોલીસે એકાએક બુટલેગરની ત્યાં દરોડા પાડ્યા છે અને બે ઠેકાણે જુદા-જુદા મકાનના ભોંયરામાં બોલાવેલા સપાટામાં LCBએ 5.72 લાખ અને ચકલાસી પોલીસે 4.11 લાખ મળી કુલ 9.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ ચકલાસી પોલીસના હદ વિસ્તારમાં આવતા મહોળેલમાં જાફર ઉર્ફે અરવિંદ સોઢાપરમાર વર્ષોથી વિદેશી દારૂનું રેકેટ ચલાવી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ રેકેટ પર સ્થાનિક તમામ પોલીસ વિભાગોના આશીર્વાદ હતા તેવી ચર્ચા હતી. આ વચ્ચે છેલ્લા સપ્તાહથી ચકલાસી પોલીસના હદ વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ ટીમના આંટાફેરા વધ્યાં હતા. જેની લોકલ ક્રાઈમ બ્રાંચને ગંધ આવી ગઈ હતી અને તેના પગલે ચકલાસી હદ વિસ્તારનો સૌથી મોટો અને લિસ્ટેડ બુટલેગર જાફર ઉર્ફે અરવિંદ સોઢા પરમાર હોય, તેના ઠેકાણે સ્ટેટ મોનીટરીંગની ટીમ પહોંચે તે પહેલા કાર્યવાહી દર્શાવવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ સફાળી જાગી હતી. એટલુ જ નહીં, લોકલ ક્રાઈમ બ્રાંચના વહીવટદાર કહેવાતા એક પોલીસ કર્મીની આ વિદેશી દારૂના અડ્ડા પર આશીર્વાદ હોવા છતાં, તેમણે આ કાર્યવાહીનો ભાગ બનવુ પડ્યુ હતુ. જ્યાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને ચકલાસી પોલીસે તાત્કાલિક આ જાફરના બે અલગ અલગ મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે જાફરના પાલડી સ્થિત વાસણજી ફળીયાના મકાનમાં રેઈડ કરતા મકાનના ગુપ્ત ભાગમાંથી કુલ 5,72,400 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો છે. જ્યારે ચકલાસી પોલીસે મહોળેલ-પાલડી રોડ પરના જાફરના મકાનમાં ભોંયરામાંથી 4,11600નો વિદેશી દારૂ ઝડપ્યો છે. જેથી બંને ટીમો દ્વારા કરાયેલી કાર્યવાહીની ચકલાસી મથકે પ્રોહીબીશનના ગુના મુજબ ફરીયાદ નોંધાઈ છે અને તેમાં LCBના ગુનામાં જાફર અને તેના દિકરા જયેશ સોઢાપરમારને ફરાર આરોપી બતાવ્યા છે, જ્યારે ચકલાસી મથકે જાફર અને તેના ભત્રીજા નિર્મલ સોઢાપરમારને ફરાર આરોપી બતાવ્યા છે.