‘લવ જિહાદ’ શબ્દસમૂહ બહુ છેતરામણો છે. મુસ્લિમો પોતાના ધર્મની રક્ષા કરવા જે ઝુંબેશ ચલાવતા હતા તેને જિહાદ કહેવામાં આવતું હતું. તેવી રીતે ખ્રિસ્તીઓ પોતાના ધર્મની રક્ષા કરવા જે યુદ્ધ લડતા હતા તેને ક્રુસેડ કહેવામાં આવતી હતી.
કેટલીક કટ્ટરતાવાદી હિન્દુ સંસ્થાઓ દ્વારા વર્ષોથી પ્રચાર કરવામાં આવે છે કે મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે લગ્ન કરવાની ઝુંબેશ ચલાવે છે, જેને તેઓ લવ જિહાદ તરીકે ઓળખે છે.
હકીકતમાં મુસ્લિમો દ્વારા કોઈ સુગ્રથિત લવ જિહાદ ચલાવવામાં આવતી હોય તેવા કોઈ નક્કર પુરાવા આજ દિન સુધી મળ્યા નથી. હિન્દુત્વવાદી સંસ્થાઓ દ્વારા જે કોઈ કિસ્સાઓ ટાંકવામાં આવે છે તે હિન્દુ યુવતીઓ અને મુસ્લિમ યુવાનો વચ્ચેના પ્રેમલગ્નના કિસ્સાઓ છે.
તેમ છતાં તેને મોટો મુદ્દો બનાવીને કેટલીક સંસ્થાઓ લવ જિહાદ સામે યુદ્ધ કરી રહી છે. આ તથાકથિત લવ જિહાદને રોકવા માટે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પછી હવે ગુજરાતમાં પણ કાયદો ઘડાઈ રહ્યો છે.
નવાઇની વાત છે કે ગુજરાત વિધાનસભામાં પસાર કરેલા ખરડામાં લવ જિહાદ શબ્દનો ઉપયોગ જ કરવામાં આવ્યો નથી. આ ખરડો બળજબરીથી કરવામાં આવતાં હિન્દુ યુવતીઓના મુસ્લિમ યુવાનો સાથેના લગ્નને રોકવા માટે છે; પણ તેમાં સૂકા સાથે લીલું બળી જવાની સંભાવના પણ રહેલી છે.
તથાકથિત લવ જિહાદ પર નિયંત્રણ મૂકવા ગુજરાતની વિધાનસભા દ્વારા કોઈ નવો કાયદો પસાર નથી કરવામાં આવ્યો પણ ૨૦૦૩ ના ધર્માંતરણ વિરોધી કાનૂનમાં સંશોધન કરવામાં આવ્યું છે. ૨૦૦૩ ના કાયદામાં બળજબરીથી કે પ્રલોભનથી થતાં ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
તેને કારણે ગુજરાતમાં વટાળપ્રવૃત્તિ પર બ્રેક લાગી હતી. હવે તેમાં સુધારો કરીને હિન્દુ યુવતીનું લગ્નના હેતુથી ધર્માંતરણ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ સૂચિત કાયદાનો ભંગ કરે તો તેને ત્રણથી દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
હિન્દુત્વવાદી સંસ્થાઓ જેને લવ જિહાદ કહે છે તેવા કોઈ કિસ્સા આ લખનારના ધ્યાનમાં આવ્યા નથી, પણ જેમાં મુસ્લિમ યુવાન અને હિન્દુ યુવતી સંડોવાયેલાં હોય તેવાં અનેક પ્રેમપ્રકરણ ધ્યાનમાં આવ્યાં છે. એક પ્રકરણમાં વલસાડની જૈન યુવતી કોલેજમાં ભણતાં ભણતાં ગરીબ મુસ્લિમ યુવકના પ્રેમમાં પડી હતી અને લગ્ન કરવા માગતી હતી. યુવતીનાં માતાપિતા તે માટે તૈયાર નહોતાં, માટે પ્રેમીપંખીડાઓ ભાગી ગયાં હતાં.
આ કિસ્સામાં જે મુસ્લિમ યુવાન હતો તે કોઈ ટપોરી નહોતો પણ સંસ્કારી પરિવારનું સંતાન હતો. તેને કોઈએ હિન્દુ યુવતીને ભગાડી જવા માટે રૂપિયા આપ્યા હોય તેવું પણ જણાતું નહોતું. યુવતી નાદાન હતી. તે યુવાનના પ્રેમમાં પડી હતી અને ભાગી ગઈ હતી. તેના માતાપિતાએ સમજાવી ત્યારે તે પાછી આવી ગઈ હતી અને પોતાની જ્ઞાતિમાં પરણી ગઈ હતી.
જો કે બધા કિસ્સાઓનો સમાન અંત આવતો નથી. કેટલાક કિસ્સાઓમાં યુવક-યુવતી મક્કમ રહે છે અને પરણી પણ જાય છે. આવાં આંતરધર્મીય લગ્ન સફળ થાય તેવી સંભાવના બહુ ઓછી હોય છે. તેનું કારણ એ હોય છે કે બંને કોમના આચાર, વિચાર, પરંપરા, ધર્મ અને સંસ્કૃતિમાં બહુ અંતર હોય છે. હિન્દુ યુવતી લગ્ન કરીને મુસ્લિમ પરિવારમાં આવે ત્યારે તેના પર ઇસ્લામ અંગિકાર કરવાનું બહુ દબાણ હોય છે.
તેનો અંતરાત્મા તે માટે તૈયાર થતો નથી. વળી તે શાકાહારી પરિવારમાં ઉછરી હોય તો માંસાહારી વાનગીઓ રાંધવા માટે તૈયાર થતી નથી. તેને કારણે ઘરમાં સતત સંઘર્ષનું વાતાવરણ રહે છે. પ્રેમનો ઉભરો ઓસરી જતાં જિંદગીની વરવી વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે ત્યારે ઘણી યુવતીઓ તલ્લાક લઈને પાછી આવી જાય છે. જો કે તે પાછી પિયર આવી જાય તે પછી સુખી નથી થતી; કારણ કે તેની સાથે લગ્ન કરવા કોઇ તૈયાર નથી થતું.
આજનો જમાનો સહશિક્ષણનો, સહવ્યવસાયનો અને સહજીવનનો છે. હિન્દુ પરિવારની દીકરી કિશોરાવસ્થામાં આવે ત્યારથી જ સ્કૂલમાં, કોલેજમાં, ટ્યૂશન ક્લાસમાં, પડોશમાં કે નોકરીમાં મુસ્લિમ યુવાનોના પરિચયમાં આવતી હોય છે. મોબાઇલ નામના સાધન વડે તે માતાપિતાની જાણ બહાર પોતાના બોયફ્રેન્ડ સાથે ગૂફતેગૂ કરતી હોય છે.
જો માબાપો પોતાની દીકરીને વિધર્મી યુવાનોના પ્રેમમાં પડતાં અટકાવવા માગતા હોય તો તેમણે તેને કોલેજમાં ભણવા ન મોકલવી જોઈએ અને નોકરી કરવા જાય તે પહેલાં પરણાવી દેવી જોઈએ. જો તેમ કરવું શક્ય ન લાગતું હોય તો જુવાની પોતાનું કામ કરવાની છે. માતાપિતાની પોતાની દીકરી પર નજર નહીં હોય તો તે પ્રેમમાં પડવાની જ છે. પ્રેમ દિવાનો હોય છે અને આંધળો હોય છે. પ્રેમ કદી જ્ઞાતિ કે ધર્મ જોતો નથી હોતો.
ભારતમાં જેમ મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરે છે તેમ હિન્દુ યુવાનો મુસ્લિમ યુવતીઓ સાથે લગ્ન કરે તેવા કિસ્સા પણ બને છે. ગુજરાત વિધાનસભામાં જ્યારે લવ જિહાદના બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના વિધાનસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું કે ‘‘છેલ્લા એક વર્ષમાં હિન્દુ યુવાનો સાથે પરણી હોય તેવી ૧૦૦ મુસ્લિમ યુવતીઓની યાદી મારી પાસે છે.’’
જે રીતે સહશિક્ષણને કારણે હિન્દુ યુવતીઓ મુસ્લિમ યુવાનોને પરણી રહી છે તેવી જ રીતે મુસ્લિમ યુવતીઓ મોટી સંખ્યામાં હિન્દુ યુવાનોને પરણી રહી છે, પણ કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓ તે બાબતમાં મૌન છે. શું તેનો અર્થ એવો થાય છે કે હિન્દુ સંસ્થાઓ પણ લવ ઝુંબેશ ચલાવી રહી છે?
આજકાલ લવ જિહાદનો વિરોધ કરી રહેલા ભાજપના ઘણા મુસ્લિમ નેતાઓ હિન્દુ યુવતીઓને પરણ્યા છે. કેન્દ્રમાં લઘુમતી ખાતાંના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી હિન્દુ યુવતીને પરણ્યા છે, જેનું નામ સીમા છે. તેમણે ત્રણ વિધિથી લગ્ન કર્યાં હતાં. પહેલાં તેમણે કોર્ટ મેરેજ કર્યા, પછી મુસ્લિમ વિધિ મુજબ નિકાહ પઢ્યા અને પછી હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. ભાજપના પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈનની પત્ની રેણુ પણ હિન્દુ છે.
શરૂઆતમાં રેણુ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરવા તૈયાર નહોતી, પણ નવ વર્ષ રાહ જોવડાવ્યા પછી તે તૈયાર થઈ ગઈ હતી. ભાજપના દિવંગત નેતા સિકંદર બખ્તની પત્ની પણ હિન્દુ હતી. જો ઉત્તર પ્રદેશમાં જે કાયદો આજે લાગુ છે તે કાયદો ભૂતકાળમાં બન્યો હોત તો કદાચ ભાજપના મુસ્લિમ નેતાઓ હિન્દુ યુવતીઓ સાથે શાદી ન કરી શક્યા હોત. કદાચ તેમણે કાયદો તોડવા બદલ જેલમાં જવાનો વારો પણ આવત.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં જે કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે તેમાં આંતરધર્મીય લગ્નો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યો, પણ તેને દુષ્કર બનાવી દેવામાં આવ્યા છે. કોઈ મુસ્લિમ યુવાન સાથે હિન્દુ યુવતી ભાગી જાય અને યુવક સામે પોલીસ ફરિયાદ થાય તે પછી પણ યુવતી મક્કમ રહે કે તેને કોઈ ધમકી કે પ્રલોભન આપવામાં આવ્યાં નથી; તો સરકાર કે અદાલત તેવાં લગ્ન રોકી શકતી નથી. પોતાના મનગમતાં પાત્ર સાથે લગ્ન કરવાનો પુખ્ત વયના દરેક નાગરિકને અધિકાર છે.
તેવી રીતે પોતાનો મનગમતો ધર્મ પાળવાનો પણ મૂળભૂત અધિકાર છે. કાયદા દ્વારા તે અધિકાર નાબૂદ કરી ન શકાય, પણ તેમાં ધમકી કે પ્રલોભન નથી તે જોવાનું કામ સરકારનું અને કોર્ટોનું છે. જો મુસ્લિમ યુવાન સાથે ભાગી જનારી હિન્દુ યુવતી પાછળથી ફરી જાય તો યુવાનને સજા થઈ શકે છે. તેને કારણે આંતરધર્મીય લગ્નો ઘટી જશે તે નક્કી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.