Charchapatra

કાયદાઓએ અલંગશીપ બ્રેકિંગ ઉદ્યોગ બ્રેક કર્યો છે

પહેલાં આપણા અલંગના શીપ બ્રેકિંગ યાર્ડમાં 12 મહિને લગભગ 25 જેટલા જહાજો તોડાવવા માટે આવતા હતા. તેમાં લાખો લોકોને રોજગારી મળતી હતી. પણ આપણી સુપ્રીમ કોર્ટ, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દેશદ્રોહી એનજીઓને રવાડે ચઢી જાતજાતના કાયદાઓ પ્રદૂષણ નિવારવાના નામે લગાવી દીધા. તેને લીધે આપણા દેશમાં તોડાવવા આવતા જહાજોને આંતરરાષ્ટ્રીય જળસીમામાં મહિનાઓ સુધી ઊભા રહેવું પડે છે. તેને આપણી જળસીમામાં આવવાની પરવાનગી અપાતી નથી.

તેથી તેને ખરીદનારાઓને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આથી આપણો જહાજ તોડવાનો ઉદ્યોગ મૃત:પ્રાય અવસ્થામાં આવી ચૂક્યો છે. એટલે અલંગના ઉદ્યોગપતિઓ બાંગ્લાદેશ જતા રહ્યા છે. જ્યાં આપણાં કરતાં ખૂબ ઓછા કાયદા છે. પાકિસ્તાને પણ ગ્વાદરમાં એક મોટો શીપ બ્રેકિંગ યાર્ડ બનાવી દીધો છે અને હવે સાઉદી અરબમાં પણ આવો યાર્ડ બની રહ્યો છે. પ્રદૂષણ વધી ન જાય તે માટે આપણો સમુદ્ર ચોખ્ખો રાખીશું પણ બાંગ્લાદેશ, પાકિસ્તાનના શીપ બ્રેકિંગ યાર્ડને લીધે થતા પ્રદૂષણથી આપણો સમુદ્ર પ્રદૂષિત ન થશે?

આપણા દેશમાં દુનિયાભરના કાયદાઓ પ્રદૂષણને છેલ્લાં દશ વર્ષથી રોકવાના નામે શા માટે લાખો લોકોને બેરોજગાર બનાવી દેવાયા છે? છેલ્લાં દસ વર્ષથી અલંગમાં આવતા જહાજોની વાર્ષિક સંખ્યા 300 હતી. તેની સામે હમણાં માર્ચના અંત સુધી ફક્ત 140 જહાજો જ આવ્યા છે. એની સામે બાંગ્લા દેશમાં 360 અને પાકિસ્તાનમાં 150 જહાજ ગયા વર્ષે તોડાયાં છે. આમ, આવનારા દિવસોમાં અલંગનો શીપ બ્રેકિંગ યાર્ડ ઈતિહાસ બની જશે. આમ આપણા શીપ બ્રેકિંગ ઉદ્યોગને ગ્રહણ લાગી ચૂકયું છે. જેને માટે સુપ્રીમ કોર્ટ, એનજીટી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ
જવાબદાર છે.
બારડોલી  – જતિન માહ્યાવંશી   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top