નાનકડી દસ વર્ષની મિયાની સ્કૂલમાં આવતા અઠવાડિયે ‘જોય ઓફ ગીવીંગ’ ની ઇવેન્ટ હતી એટલે બધાં બાળકોને સૂચના આપવામાં આવી હતી કે તમારે જે આપવું હોય તે લઈને આવજો. પૈસા,કપડાં, બુક્સ,પેન્સિલ ,રબર ,કંપાસ ….જુનું કે નવું જે લાવવું હોય તે લાવી શકો છો અને સાથે કોમ્પીટીશન હતી કે જે બાળક સૌથી વધારે વસ્તુઓ લાવશે તેને ઇનામ મળશે અને તે ‘સ્ટાર ઓફ ઇવેન્ટ’ બનશે. મિયા ખૂબ ઉત્સાહથી ઘરે આ વિષે વાત કરી રહી હતી અને ઘરમાં બધાને કૈંક આપવા કહી રહી હતી. પોતે પણ પોતાના કબાટમાંથી વસ્તુઓ કાઢવા લાગી હતી.મમ્મી બોલી, ‘આ સ્કૂલના ગોરખધંધા છે બધા પાસેથી વસ્તુઓ અને પૈસા પડાવવાના.ઇનામ જીતવા બધાં બાળકો વધુ વસ્તુઓ આપવાની ઘરે જીદ કરશે.મિયા, એક બે જુનાં કપડાં આપી દે એટલે વાત પૂરી થાય.
દાદાએ આ વાત સાંભળી અને મિયાને પોતાની પાસે બોલાવી કહ્યું, ‘લે બેટા, આ ૧૦૦ રૂપિયા મારા તરફથી અને મારા કબાટમાં ઘણી વાંચવાની ચોપડીઓ છે તે પણ કાઢી આપું છું.તારા પપ્પાને કહીને પેન્સિલ રબર મંગાવી લઈશું તે પણ તું આપજે.’ મિયા ખુશ થઇ ગઈ અને મમ્મીએ બડબડ કરી, ‘તમે ખોટો ખર્ચ અને મહેનત કરો નહિ.આ સ્કૂલ તો આવું બધું પોતાના ફાયદા માટે કરતી જ રહે છે.’ દાદા બોલ્યા, ‘વહુ બેટા, એ જે હોય તે.પણ હું તો આ ઇવેન્ટથી એટલે ખુશ થયો છું કે આજકાલ બધાને બસ લેવું જ છે,આપવું કોઈને નથી.મારો ફાયદો શું? મને શું મળશે? બસ બધા એ જ વિચારે છે.પણ આ ઇવેન્ટને કારણે નાનપણથી બાળકોમાં આપવાના સંસ્કાર પડે છે.
સમજ આવે છે કે આપની પાસે હોય તો બીજાને આપવું જ જોઈએ.આ ઇવેન્ટનું નામ છે ‘જોય ઓફ ગીવીંગ.’ એટલે કે આપવાનો આનંદ …તમારી પાસે કોઈ વસ્તુ હોય તે તમે બીજા જેને જરૂર છે તેને આપો તો તે કાર્ય તમને આનંદ આપે છે અને મિયા દીકરા, હું તને સમજાવું ‘લો ઓફ ગીવીંગ’ જેમ આપવામાં આનંદ મળે છે…ખરા મનથી ખુશ થઈને આજે તમે કોઈને કંઈ પણ આપો છો તે ચોક્કસ આવતી કાલે કોઈ ને કોઈ સ્વરૂપે અને વધીને તમને મળશે.આ કુદરતનો નિયમ છે. માટે હંમેશા આપતાં રહો.વહેંચતાં રહો.માત્ર સ્કૂલમાં ઇવેન્ટ છે એટલે કે ઇનામ જીતવા નહિ, પણ હંમેશા તમારી પાસે જે હોય, જેટલું હોય, તેમાંથી આપતાં રહો.’ મમ્મીને પોતાની ભૂલ સમજાઈ. તે બોલી, ‘હા મિયા, તને જે આપવું હોય તે આપજે.હું પણ સ્કૂલમાં આપવા માટે જુનાં સારાં કપડાં અને વાસણ તને આપીશ .’ મિયા ખુશ થઇ ગઈ.દાદાજીએ કુદરતનો નિયમ સરળતાથી સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.