Entertainment

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે રણબીર કપૂરની ‘રામાયણ’નું લોન્ચિંગ ખોરંભે ચઢ્યું

નિતેશ તિવારી દ્વારા નિર્મિત ‘રામાયણ’ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી અને સૌથી વધુ અપેક્ષિત ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે. જેમાંથી પહેલો ભાગ 2026ની દિવાળી પર થિયેટરમાં આવવાનો છે. ફિલ્મ અંગે સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ નિર્માતાઓએ લગભગ 3 મિનિટનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેના પછી ચાહકો ટ્રેલર અને આગામી જાહેરાતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ દરમિયાન ‘રામાયણ: ભાગ એક’ માટે 26 માર્ચ 2026ના રોજ રામ નવમીના અવસરે એક ભવ્ય પ્રમોશનલ ઈવેન્ટ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે થનારા આ કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારોના લુક્સ પણ જાહેર થવાના હતા. જોકે હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક તણાવને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે. અહેવાલો મુજબ કાર્યક્રમ માટે સ્થળ બુક થઈ ચૂક્યું હતું અને મહેમાનોને આમંત્રણો પણ મોકલવામાં આવ્યા હતા. છતાં, ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ હાલના આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમોશનલ લોન્ચમાં ઉતાવળ ન કરવા અને તેને થોડો સમય માટે આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ ભવ્ય ઈવેન્ટ માર્ચના બદલે આશરે બે મહિના પછી, મે મહિનામાં યોજાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top