નવી દિલ્હી: અધીર રંજન ચૌધરીએ બુધવારે લોકસભામાં (Loksabha) ‘રાષ્ટ્રપતિ’ પદ માટે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દનો (Word) ઉપયોગ કર્યો હતો. ‘રાષ્ટ્રીય પત્ની’ તરીકે સંબોધન બાદના આ નિવેદન પર ભાજપે (BJP) ગુરુવારે સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગૃહમાં અધીર રંજન ચૌધરીનો જોરદાર વિરોધ કર્યો હતો. જેના પગલે અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને આ નિવેદન માટે માફી માંગી છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શાસક પક્ષ તરફથી વિરોધ નોંધાવવાની જવાબદારી લીધી હતી. તેમણે આ ધટનાને દ્રૌપદી મુર્મુનું અપમાન તેમજ આદિવાસી સમુદાય અને મહિલાઓનું અપમાન ગણાવ્યું હતું. આ માટે તેમણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી માફી માંગવાની પણ માંગ કરી છે. અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને આ નિવેદન માટે માફી માંગી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પત્રમાં કહ્યું કે ભૂલથી અયોગ્ય શબ્દનો ઉપયોગ કરવા માટે હું દિલગીર છું. મારો ઉદ્દેશ્ય તમને ઠેસ પહોંચાડવાનો ન હતો મારી ફક્ત જીભ લપસી જવાને કારણે આવું થયું હતું. હું આ માટે માફી માંગુ છું અને આશા રાખું છું કે તમે મને માફ કરશો.
મામલો બગડતો જોઈને અધીર રંજન ચૌધરીએ પોતાના નિવેદન બદલ માફી માંગી અને તેમની જીભની લપસી જવાના કારણે આ શબ્દનો ઉપયોગ થયો હોવાનું જણાવ્યું છે. તેમણે વધારામાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે તેઓએ કહ્યું છે તેમજ સમય પણ માંગ્યો છે જેથી કરી તેઓ તેમની માફી માંગી શકે. અધીર રંજનની માફી માંગવા છતાં આ મુદ્દે વિવાદ અટક્યો ન હતો. તેના બદલે ગૃહની અંદર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે હવે અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને આ મામલે માફી માંગી છે.