Latest News

More Posts

દાહોદ:

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગત તા.૧૬મી નવેમ્બરના રોજ લીમખેડાના વટેડા ગામેથી પસાર થતાં અમદાવાદથી ઈન્દૌર તરફ જતાં હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં લીમખેડાના ભુરીયા ફળિયામાં રહેતાં સુનિલભાઈ વાઘાભાઈ ભુરીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ટ્રેલરના ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતાં સુનીલભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે સુનીલભાઈ શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને પરિવારજનો દ્વારા તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સુનીલભાઈનું મોત નીપજતાં આ સંબંધે બીપીનભાઈ કસનાભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ગરબાડાના દેવધા ગામેથી પસાર થતાં દાહોદ નેશનલ હાઈવે પર ગત તા.૧૬મી નવેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં દાહોદ જિલ્લાના ધાનપુરના કાળાખુંટ ગામે રહેતાં રાકેશભાઈ સબુરભાઈ નિનામા, અજમલભાઈ ભારતાભાઈ પરમા, બાબુભાઈ ભારતાભાઈ ભુરીયા, સુમલભાઈ ભરતભાઈ ભુરીયા, ગોવિંદભાઈ અરવિંદભાઈ ભુરીયા તથા ભાવસીંગભાઈ જંગલસિંહ પરમારનાઓ એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રાકેશભાઈ સબુરભાઈ નિનામાએ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં દેવધા ગામે દાહોદ નેશનલ હાઈવે રોડ પર રસ્તાની સાઈડમાં આવેલ એક ઝાડ સાથે ફોર વ્હીલર ગાડી ધડાકાભેર અથડાવતાં ગાડીનો કચ્ચરઘાણવળી ગયો હતો. જેને પગલે ગાડીમાં સવાર ઉપરોક્ત વ્યક્તિઓ પૈકી ગાડીના ચાલક રાકેશભાઈ સબુરભાઈ નિનામા તથા ભાવસીંગભાઈ જંગલસિંહ પરમારને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા તેમજ પરિવારજનો ઉમટી પડ્યાં હતાં. માર્ગ અકસ્માતમાં રાકેશભાઈ તથા ભાવસીંગભાઈનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

આ સંબંધે સબુરભાઈ દલાભાઈ નિનામાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————–

To Top