Latest News

More Posts

દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થનાર બ્રિજની કામગીરી મંથર ગતિએ :

કોન્ટ્રાક્ટર દ્વારા 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા,પરંતુ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

વડોદરામાં ઘણી વખત તંત્રના અણગઢ વહીવટ અને યોગ્ય સંકલનના અભાવે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાની ફરજ પડી છે. ત્યારે, માંજલપુર દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થવાનો હતો. પરંતુ હાલ આ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે. પાલિકા રેલવે વિભાગને ખો આપી રહી છે. ત્યારે પાલિકા અને રેલવે વિભાગના વિવાદો વચ્ચે જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 41 કરોડના ખર્ચે 5 વર્ષ પહેલા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ છે. આ બ્રિજને 7 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી. જેના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. બ્રિજની કામગીરીમાં વિલંબ થતા પાલિકા દ્વારા રેલવે પર તમામ જવાબદારી થોપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

પાલિકાના કાર્મચારાીઓ રેલવેની કામગીરીને કારણે કામ અટક્યુ હોવાનો બચાવ કરી રહ્યા છે. આ તરફ ચાલબાઝ કોન્ટ્રાક્ટરે પણ બ્રિજ પર લગાવેલા 2022માં કામગીરી પૂર્ણ કરવાના બેનર સિફતતાથી હટાવી લીધા છે. કોઈપણ રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. રોજ આ માર્ગ પરથી 2 લાખ જેટલા લોકો પસાર થાય છે. 5 વર્ષ પહેલા શરૂ કરાયેલી કામગીરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ પરંતુ કામગીરી હજુ અધ્ધરતાલ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઈ જોવાવાળુ નથી. લોકોને અહીંથી અવરજવરમાં અકસ્માતનો પણ ભોગ બનવુ પડે છે, પરંતુ કોન્ટ્રાક્ટર વારે વારે સમય મર્યાદાના બોર્ડ બદલ્યા કરે છે પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કલાલી, પાદરા અને અટલાદરા તરફ જતા લોકોને ફાયદો થઈ શકે છે .તેમને ફરી ફરીને જવુ ન પડે. લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ તંત્રને કંઈ પડી નથી. માત્ર પૈસાની પડી છે.

બ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા. પરંતુ, બ્રિજ પૂર્ણ થયો નથી. આસપાસના સ્થાનિકો આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી ચુક્યા છે. ત્યારે પણ તેમને તુમાખી સાથે જવાબ આપવામાં આવે છે કે, તમારે જ્યા રજૂઆત કરવી હોય ત્યા કરો. વરિષ્ઠ નાગરિકોનો સીધો આક્ષેપ છે કે, પાલિકાના અધિકારીઓ મંથર ગતિએ બ્રિજની કામગીરી કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષથી કોઈ પ્રગતિ જણાતી નથી. બ્રિજની કામગીરી પૂર્ણ ન થવાને કારણે ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. રેલવેની દિવાલ તોડી નાખી હોવાથી રેલવેવાળા જ્યા સુધી કામ પૂર્ણ ન કરે ત્યા સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય. સ્થાનિક કાઉન્સિલરો પણ આવતા નથી.

To Top