Latest News

More Posts

ખરાબ હવામાન અને મોંઘા શાકભાજીને કારણે સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધીને 5.49% થઈ ગઈ છે. ઓગસ્ટમાં તે 3.65% હતી. આ 9 મહિનામાં સૌથી વધુ સ્તર છે. ખાદ્ય મોંઘવારી દર 5.66% થી વધીને 9.24% થયો છે. શહેરી ફુગાવો પણ મહિના દર મહિનાના આધાર પર 3.14% થી વધીને 5.05% થયો છે. ગ્રામીણ ફુગાવો 4.16% થી વધીને 5.87% થયો છે.

જથ્થાબંધ ફુગાવાના આંકડા બાદ છૂટક ફુગાવાના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ભારતનો છૂટક ફુગાવો વધીને 5.49 ટકા થયો છે. આ વધારો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાને કારણે થયો છે. છૂટક ફુગાવો ગયા મહિને નોંધાયેલા 3.65% ના પાંચ વર્ષના નીચલા સ્તર કરતાં ઘણો વધારે છે. જુલાઈ પછી પ્રથમ વખત તેણે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 4%ના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને પાર કર્યો છે.

ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) બાસ્કેટનો અડધો ભાગ છે તે સપ્ટેમ્બરમાં 9.24% પર પહોંચી ગયો છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક મોંઘવારી દર 5.66 હતો. અગાઉ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવાનો દર જુલાઈ 2024માં 3.6 ટકા અને ઓગસ્ટ 2024માં 3.65 ટકા હતો. જુલાઈ-ઓગસ્ટ બંને મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યાંકની અંદર હતો. બીજી તરફ ઓગસ્ટ 2023માં CPI આધારિત રિટેલ ફુગાવાનો દર 6.83 ટકા હતો.

જથ્થાબંધ મોંઘવારી પણ વધી
શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો મોંઘા થતાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો વધીને 1.84 ટકા થયો હતો. ઓગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો 1.31 ટકા હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમાં 0.07 ટકાનો ઘટાડો થયો હતો. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં ખાદ્ય ફુગાવો વધીને 11.53 ટકા થયો હતો, જ્યારે ઓગસ્ટમાં તે 3.11 ટકા હતો.

આનું કારણ શું છે?
તેનું કારણ શાકભાજીની મોંઘવારી હતી, જેમાં સપ્ટેમ્બરમાં 48.73 ટકાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં તેમાં 10.01 ટકાનો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બરમાં બટાટાનો મોંઘવારી દર 78.13 ટકા અને ડુંગળીનો ફુગાવો 78.82 ટકા પર રહ્યો હતો. ઓગસ્ટમાં 0.67 ટકાની સરખામણીએ સપ્ટેમ્બરમાં ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં 4.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

To Top