આણંદ : આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા અમૂલ પોલ્ટ્રી ફીડનું લોચીંગ કરવામાં આવ્યું છે. જેનું વેચાણ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ અને મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. આ પોલ્ટ્રી ફીડ મરઘીના વિકાસ તથા ઇંડાના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇંડા ઉત્પાદક દેશ છે. આરોગ્ય સંભાળ, વ્યવસ્થાપક અને પોષણમાં નવીનતા સાથે વધારે ઇંડા અને બ્રોઇલરની જાતોના વિકાસથી આ ક્ષેત્રમાં વિકાસને વેગ મળ્યો છે. દેશમાં મરઘી આહારનો અંદાજીત ફાળો રૂ.873 અબજ કરતા પણ વધારે છે. આ ધંધામાં રોજગાર આપવાની વિપુલ તકો રહેલી છે.
હાલમાં મરઘી આહારમાં ઘણા જ પ્રાણીજન્ય અવશેષનો ઉપયોગ થાય છે. જેને લીધે મરઘી ક્યારેક વધારે બિમાર પડી જાય છે. ઉત્પાદન ખર્ચ વધે છે, તેમજ તેમાંથી બનતી બનાવટો આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. જેને ધ્યાનમાં લઇ અમૂલ ડેરી દ્વારા મરઘીઓ માટે શાકાહારી સ્ત્રોતમાંથી બનાવેલા કાચામાલનો ઉપયોગ કરી બ્રોઇલર તેમજ લેયર જાતી માટે અમૂલ પોલ્ટ્રી ફીડ બનાવવામાં આવ્યું છે. આણંદ અમૂલ ડેરી ખાતે બુધવારના રોજ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર તેમજ મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસના હસ્તે અમૂલ પોલ્ટ્રી ફીડનું લોચીંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમૂલ ડેરીના નિયામક મંડળના સભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, અમૂલ ડેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. આ પોલ્ટ્રી ફીડનું ઉત્પાદન તેમજ વેચાણ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ અને મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. સંઘે વર્ષ 2023-2024 દરમિયાન પાંચ હજાર મેટ્રીક ટન અમૂલ પોલ્ટ્રી ફીડનું વેચાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરેલો છે. અમૂલ પોલ્ટ્રી ફીડમાં 20થી 23 ટકા પ્રોટીન અને 3.5 થી 4 ટકા ફેટ તેમજ અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. જે મરઘીના વિકાસમાં તથા ઇંડાના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે.