આજે તો એવો એક પણ દિવસ નહીં હશે કે લતા મંગેશકરના નામ ઉચ્ચારાયા વિના કોઈ રેડિયો રહી શકે. કદાચ કોઈ એટલે જ નહીં માને કે લતાજી ખુદ પણ પોતાનું નામ રેડિયો પર ઉચ્ચારાય તે માટે તરસ્યા હોય. પણ એવું બન્યું છે. 1945-46ના વર્ષોની એ વાત છે. લતાજીનું નામ તો ‘મહલ’પછી રેડિયો પર ઉચ્ચારાવા માંડ્યું ને રોકોર્ડ પર પણ આવવા માંડ્યુ. પણ તે પહેલાં તો રેડિયો પર કાર્યક્રમ જ ઓછા, ફિલ્મ સંગીતનું પણ ખાસ સ્થાન નહીં. 1945-46માં રેડિયો પર ‘આપકી ફરમાઈશ’નામે એક કાર્યક્રમ શરૂ થયો જેમાં પહેલીવાર શ્રોતાઓની પસંદના ફિલ્મી અને ગૈરફિલ્મી ગીતો સંભળાવાતા. અનેક શ્રોતા પોતાનું નામ રેડિયો પર ઉચ્ચારાતું સાંભળી રોમાંચિત થતા.
લાતાજીને ય થયું કે મારું પણ નામ રેડિયો પરથી સાંભળવા મળે તો કેવું સરસ તે વખતે તે ઓ પાર્શ્વગાયિકા તરીકે તો હજુ ગોઠવાયા નહોતા એટલે પોતાનું જ ગીત સાંભળવાની ફરમાઈશ તો કરી શકે તેમ ન હતા. તેમણે લાલચથી બેગમ અખ્તરની ગઝલ ‘દીવાના બનાના હૈ તો દીવાના બના દે’ની ફરમાઈશ મોકલી. રોજ ભારે ઉત્સાહથી રેડિયો પાસે બેસે ને રાહ જુએ કે મારું નામ ઉચ્ચારાશે ને મારી ફરમાઈશ સંભળાવાશે અને એક દિવસ તેમની પ્રતિક્ષા પુરી થઈ અને ‘લતા મંગેશકર કી ફરમાઈશ પર બેગમ અખ્તરકી ગઝલ ‘દીવાના બનાના હે’સુનાઈ ગઈ. લતાજી તો તે દિવસે પોતાનું નામ રેડિયો પર સાંભળી હવામાં ઉડવા લાગ્યા અને એવું બે-ચાર દિવસ ચાલ્યું.
પછી તો એ સમય આવ્યો કે તેઓ સ્વયં પાર્શ્વગાયિકા તરીકે જાણીતા થવા માંડ્યા. લતાજી કહે છે કે ‘બરસાત’અને ‘બડીબહન’ના દિવસોમાં ક્યારેક ક્યારેક રેડિયો પર પોતાનું નામ સાંભળવું સારું લાગતું હતું. એવું એકાદ-બે વર્ષ એટલે કે 1949-50 સુધી રહ્યું પછી તો પોતાનું નામ યા પોતાનું ગીત સાંભળવાની ય તમન્ના ન રહી. પણ એ હકીકત છે કે રેડિયો પર લતા મંગેશકરનું નામ પહેલીવાર ત્યારે ગુંજેલુ જ્યારે તેઓ સ્વયં પાર્શ્વગાયિકા ન હતા.