National

મહાશિવરાત્રી પર છેલ્લું મહાસ્નાન: 45 દિવસમાં 65 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું

આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. છેલ્લા 45 દિવસમાં 65 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો વિશ્વના 100થી વધુ દેશોની કુલ સંખ્યાથી વધુ છે. અમેરિકાની વસ્તી લગભગ 34 કરોડ છે. તેના કરતા બમણા લોકોએ કુંભમાં સ્નાન કર્યું છે. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું સમાપન આજે મહાશિવરાત્રી પર્વ સ્નાન સાથે થશે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 2025ના મહાકુંભમાં ભાગ લેવા માટે છેલ્લા દિવસે પણ ભક્તોનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના રોજ શરૂ થયેલ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો આજે સમાપ્ત થઈ રહ્યો છે. મહાશિવરાત્રીના અવસરે બપોરે 2 વાગ્યા સુધીમાં 1.18 કરોડ ભક્તોએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે. મહાકુંભના છેલ્લા દિવસે ભારતીય વાયુસેનાએ પણ પોતાની શૈલીમાં આ કાર્યક્રમને સલામી આપી. વાયુસેનાના વિમાનોએ મેળા વિસ્તારમાં એર શોનું આયોજન કર્યું હતું.

સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા વિશ્વના 193 દેશોની વસ્તી કરતા પણ વધુ છે. મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં ફક્ત ભારત અને ચીનની વસ્તી વધુ છે. યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં આવ્યા છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 1.18 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. મહાશિવરાત્રી પર ૩ કરોડ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે એટલે કે કુલ આંકડો 66 થી 67 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.

બીજી તરફ છેલ્લા દિવસે પણ નેતાઓ અને અભિનેતાઓનો સંગમ સ્નાન માટે આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ છેલ્લા દિવસે સ્નાન કર્યું હતું. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ મહાકુંભમાં સ્નાનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું કે મને જે અનુભવ થયો તેનું હું વર્ણન કરી શકતી નથી. દરમિયાન મહાકુંભમાં ચર્ચાનો વિષય બનેલી હર્ષા રિચારિયાએ એક વીડિયોમાં કહ્યું કે મારા જૂના વીડિયો ફરતા થઈ રહ્યા છે. હું ગમે ત્યારે આત્મહત્યા કરી શકું છું. જતા પહેલા હું બધાના નામ લખી લઈશ.

મહાકુંભમાં મહાશિવરાત્રી પર ભક્તોની શ્રદ્ધા ચરમસીમાએ
મહાકુંભના છેલ્લા પવિત્ર સ્નાન મહોત્સવ મહાશિવરાત્રી માટે મંગળવાર રાતથી દેશ-વિદેશના ભક્તો મહાકુંભનગરમાં આવવા લાગ્યા હતા. મહાશિવરાત્રીના તહેવાર પર ભક્તોની શ્રદ્ધા ચરમસીમાએ છે જેના પરિણામે બપોરે 1 વાગ્યા સુધીમાં એક કરોડ લોકોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું. સંગમમાં ભક્તોની આટલી મોટી ભીડનું સુરક્ષિત આગમન અને પવિત્ર સ્નાન પછી તેમના સુરક્ષિત પાછા ફરવાની ખાતરી કરવા માટે મંગળવાર રાતથી જ મેળા વિસ્તારમાં મોટા વેરિયેબલ મેસેજિંગ ડિસ્પ્લે (VMD) પર મહત્વપૂર્ણ સંદેશાઓ પ્રસારિત થવાનું શરૂ થયું હતું. ભીડ વ્યવસ્થાપન પ્રત્યે સતર્ક રહીને વહીવટીતંત્રે બધા ભક્તો માટે સુગમ સ્નાનનો માર્ગ મોકળો કર્યો હતો.

Most Popular

To Top