National

2023નું છેલ્લું ચંદ્રગ્રહણ: ભારતમાં ક્યારે અને કેટલાં વાગ્યે દેખાશે?

નવી દિલ્હી: સૂર્યમંડળમાં ગ્રહણની ઘટના ખગોળીય હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેના ફાયદા અને નુકસાન ભવિષ્યના દૂરગામી પરિણામો ધરાવે છે. વર્ષ 2023માં કુલ બે ચંદ્રગ્રહણ છે, જેમાં પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ થયું હતું. હવે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમાની રાત્રે 28-29 ઓક્ટોબરે દેખાશે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ અગાઉ 14 ઓક્ટોબરે ગ્રહણ દેખાયું હતું.

જ્યોતિષીઓ પ્રમાણે એક જ મહિનામાં બે ગ્રહણ બિલકુલ ફાયદાકારક નથી. એટલે કે 14 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીના સમગ્ર 20 દિવસ ખગોળીય ઘટનાઓની દૃષ્ટિએ ખાસ હોવાનું કહેવાય છે. જેની અસરના ભાગરૂપે પૃથ્વી પર કુદરતી આફતો, ધરતીકંપ, મહામારી, સુનામી, મોટા દેશોમાં યુદ્ધની સ્થિતિ અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે.

ભારતમાં કયારે અને કેટલા વાગ્યે શરૂ થશે ગ્રહણ?
ભારતીય સમય અનુસાર, ચંદ્રગ્રહણનો પ્રારંભિક તબક્કો 28 ઓક્ટોબરે રાત્રે 11.30 વાગ્યે શરૂ થશે અને માડી રાત્રે 2.24 વાગ્યે પૂરું થશે. ચંદ્રગ્રહણ 01.05 કલાકે સ્પર્શશે, તેનો મધ્યકાળ 01:44 કલાકે અને મોક્ષ 02:24 કલાકે થશે. એટલે કે ભારતમાં સમગ્ર ગ્રહણનો સમયગાળો ચાર કલાક અને ચોવીસ મિનિટનો રહેશે.

જો આપણે ચંદ્રગ્રહણના સૌથી મહત્વપૂર્ણ અને ટોચના સમયગાળા વિશે વાત કરીએ, તો તે 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર, પશ્ચિમ અને દક્ષિણ પેસિફિક મહાસાગર, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ ઉત્તર અમેરિકામાં પણ જોવા મળશે.

28-29 ઓક્ટોબરના ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા એટલે કે 28 ઓક્ટોબરે સાંજે 04:05 વાગ્યાથી શરૂ થઇ જશે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર સુતક કાળમાં ભોજનનો ત્યાગ કરી ધાર્મિક કાર્યો કરવા જોઈએ. ગ્રહણ દરમિયાન મંત્રનો જાપ હંમેશા ફાયદાકારક સાબિત થાય છે. બાળકો, વૃદ્ધો અને દર્દીઓ સિવાય દરેકે તેનું પાલન કરવું જોઈએ.

ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઇએ

  • ચંદ્રગ્રહણ દરમિયાન ગુસ્સો ન કરો, ગુસ્સો કરવાથી આગામી 15 દિવસ તમારા માટે જોખમી બની શકે છે.
  • ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન ન કરવું. આ ઉપરાંત પૂજા-પાઠ કરવાને પણ વર્જિત માનવામાં આવે છે.
  • ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ નિર્જન સ્થાન કે સ્મશાન પર ન જવું જોઈએ. આ સમયગાળા દરમિયાન, નકારાત્મક શક્તિઓ ખૂબ જ પ્રબળ હોય છે.
  • ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ કોઈ નવું કામ શરૂ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધુ હોય છે.
  • ગ્રહણના સમયગાળા દરમિયાન પતિ-પત્નીએ શારીરિક સંબંધો ન રાખવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરની સુખ-શાંતિ બગડી શકે છે.

ગ્રહણ દરમિયાન શું કરવું જોઇએ

  • ચંદ્રગ્રહણ દરમિયાન માત્ર ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ જે દસ ગણા ફળદાયી માનવામાં આવે છે.
  • ચંદ્રગ્રહણ પછી શુદ્ધ પાણીથી સ્નાન કરવું જોઈએ અને ગરીબોને દાન કરવું જોઈએ.
  • ચંદ્રગ્રહણ પછી આખા ઘરને શુદ્ધ કરવું જોઈએ. આમ કરવાથી ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે.
  • ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન અને જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.

શું હોય છે આંશિક ચંદ્રગ્રહણ?
ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી તેની સૂર્યની આસપાસની પ્રદક્ષિણા દરમિયાન પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે તેનો પડછાયો ચંદ્ર પર પડે છે. અને આવી સ્થિતિમાં જ્યારે આપણે પૃથ્વી પરથી ચંદ્રને જોઈએ છીએ ત્યારે તે ભાગ આપણને કાળો દેખાય છે. અને આંશિક ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીની છાયામાં પ્રવેશ કરે છે. આમાં ચંદ્રનો તે ભાગ કપાયેલો દેખાય છે.

Most Popular

To Top