મણિપુર: બુધવારે રાત્રે સતત ભારે વરસાદ પડવાને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનની(Landslide in Manipur) ઘટના બની છે. આ ભૂસ્ખલનના લીધે સામાન્ય લોકોની સાથે આર્મીના (Army) 55 થી વધુ જવાનો કાદવમાં દટાઈ જતા ઘાયલ થયા છે. આ ઘટના તુપુલ રેલ્વે સ્ટેશન પાસે બની છે. 7 સૈનિકોના મૃતદેહ કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. મોટા પ્રમાણમાં કાટમાળ પડવાને કારણે ઈજેઈ નદીનો પ્રવાહ અવરોધાયો છે. જેના લીધે એક જળાશય બની ગયું છે જેમાં નીચાણવાળા વિસ્તારોને ડૂબી જાય તેવી દહેશત ઉભી થઈ છે.
- તુપુલ રેલવે સ્ટેશન પાસે બની ઘટના
- આર્મીના રેલવે કન્સ્ટ્રક્શન કેમ્પને નુકસાન
- 45થી વધુ લોકો ગાયબ, ગ્રામજનો પણ દટાયા
દરમિયાન નોનીના ડેપ્યુટી કમિશનર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં આર્મી કેમ્પ પાસે ભૂસ્ખલન થયું છે. ટુપુલ રેલ્વે સ્ટેશન પાસે ભારતીય સેનાની 107 ટેરિટોરિયલ આર્મીનો કેમ્પ હતો. લેન્ડ સ્લાઈડમાં તે લોકેશનને પણ નુકસાન થયું છે. તુપુલ યાર્ડ રેલ્વે કન્સ્ટ્રક્શન કેમ્પમાં દુર્ભાગ્યપૂર્ણ ભૂસ્ખલનને કારણે 55 થી વધુ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે જ્યારે 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 45 લોકો મિસિંગ છે.
માહિતી અનુસાર, જીરીબામને ઇમ્ફાલ સાથે જોડવા માટે એક રેલ્વે લાઇન બનાવવામાં આવી રહી હતી, જેની સુરક્ષા માટે 107 ટેરિટોરિયલ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જબરદસ્ત ભૂસ્ખલન થયું હતું. જેમાં અનેક યુવાનો દટાયા હતા. ગુરુવારે સવારે આર્મી, આસામ રાઈફલ્સ, મણિપુર પોલીસ દ્વારા મોટા પાયે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર ઉપલબ્ધ ઈજનેરી સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમે ટ્વીટ કર્યું કે તેમણે આ ઘટના વિશે મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી હતી.