આણંદ : આણંદ શહેરના સામરખા ગામમાં આવેલી રૂ.સાત કરોડની કિંમતની જમીન તેના માલિકની જાણ બહાર રાતોરાત વેચાઇ ગઇ હતી. જમીન દલાલ સહિત પાંચ ગઠિયાએ મૃતક નોટરીના સહિ સિક્કા કરી તેને રજીસ્ટ્રાર ઓફિસમાં રજુ કરી વેચાણ દસ્તાવેજ કરી નાંખ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હોત. વિદ્યાનગરના ભાઇકાકા કોમ્પ્લેક્સમાં રહેતા મનુભાઈ કેશવભાઈ પટેલ (ઉ.વ.90)ના પરિવારજનો વિદેશ રહે છે. તેમની ઉંમર થઇ જતાં તેઓએ સામરખા ગામમાં આવેલી તેમની જમીન વેચવા કાઢી હતી.
જેથી 2022ના ઓગષ્ટ મહિનામાં તેમના સગા રાજુભાઈ પટેલ મારફત નિરંજન રમેશ પટેલ (રહે.લવારીયા કુવો, વલાસણ)ને મળ્યાં હતાં. આ સમયે નિરંજને પોતે જમીન દલાલ હોવાનો પરિચય આપ્યો હતો અને સામરખાની જમીન વેચવા માટે બે ગ્રાહકો હોવાનું જણાવ્યું હતું. બાદમાં નિરંજન પટેલે સત્તાર ગની વ્હોરા (રહે. સંદલી પાર્ક, આણંદ) અને ઇરફાન ઉસ્માન વ્હોરા (રહે. પ્રજાપતિ નિવાસ, તારાપુર)ની ઓળખાણ કરાવી હતી. આ મુલાકાતમાં એક ગુંઠે 8.51 લાખ લેખે કુલ સાત કરોડ પંદર લાખમાં સોદો નક્કી થયો હતો.
આથી, મનુભાઈ પટેલે પોતાની જમીન સત્તાર અને ઇરફાનને વેચાણ આપવા સંમતિ દર્શાવી હતી.જેના બાનાપેટે રૂ.8 લાખ 15મી સપ્ટેમ્બર,2022ના રોજ બેન્ક મારફતે આપ્યાં હતાં. આ જમીનના દસ્તાવેજ માટે નિરંજન પટેલે 21મી સપ્ટેમ્બર,22ના રોજ સબ રજીસ્ટ્રારમાં ઓનલાઇન ટોકન લીધું હતું. આથી, મનુભાઈ પટેલ જરૂરી કાગળો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં. જ્યાં બહારના ભાગે નિરંજન તથા સત્તારને મળ્યાં હતાં. તેઓએ કાગળો બતાવ્યાં હતાં. જોકે, મનુભાઈએ નક્કી કરેલા રૂપિયા મળ્યાં નથી. તેમ કહેતાં બન્ને શખસે તમે એક વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં અંદર આવી રૂપિયા મળી ગયા છે.
તેવું જણાવશો એટલે બહાર તમને રૂપિયા આપી દઇશું. તેવી ખાતરી આપી હતી. જોકે, દાળમાં કંઇક કાળુ લાગતા મનુભાઈ તેમના કાગળો લઇને ઘરે જતાં રહ્યાં હતાં. આ સમયે તેમની આધારકાર્ડની નકલ નિરંજન પટેલ પાસે રહી ગઈ હતી.
દરમિયાનમાં સામરખા ગામમાંથી મનુભાઈને જાણવા મળ્યું હતું કે તેમની જમીનનો વેચાણ દસ્તાવેજ 7મી ઓક્ટોબર,22ના રોજ થઇ ગયો છે. આથી, ચોંકી ગયેલા મનુભાઈએ તપાસ કરતાં જમીનનો વેચાણ દસ્તાવેજ પ્રકાશ ઇશ્વરભાઈ પટેલ (રહે. મુખીવાળુ ફળીયું, ગામડી)ના નામનો હતો. ચોંકી ગયેલા મનુભાઈએ આગળ તપાસ કરતાં સત્તાર ગની વ્હોરા અને ઇરફાન ઉસ્માન વ્હોરાએ તેમના નામનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવ્યો હતો.
જેમાં તેમની સહી પણ ખોટી હતી. આ પાવર ઓફ એટર્નીમાં ઇશ્વરીબહેન શર્મા નોટરી સમક્ષ કરેલો હતો. જોકે, મનુભાઈએ ક્યારેય કોઇને પાવર આપેલો નથી. તેઓએ ખંભાત જઇ સતીષ આર. દતારા (સ્ટેમ્પ વેન્ડર) પાસે જઇ વેચાણ દસ્તાવેજ માટે બનાવવામાં આવેલ પાવર ઓફ એટર્નીમાં વપરાયેલા રૂ.100ના સ્ટેમ્પની તપાસ કરતાં તે હિરજીભાઈ તરશીભાઈએ ખરીદ્યો હતો. જોકે, ઇશ્વરીબહેન શર્માના ઘરે જઇ તપાસ કરતાં તેમનું અવસાન થયાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઘરે પડેલા રેકર્ડ તપાસ કરતાં તેમણે પ્રકાશ ઇશ્વર પટેલ નામનો કોઇ પણ જમીન વેચાણ કે પાવર આપેલો નહતો.
આમ, ખોટો જનરલ પાવર ઓફ એટર્ની બનાવી, આ પાવર ઓફ એટર્નીનો ખોટો ઉપયોગ કરી ઇશ્વરીબહેન શર્મા (નોટરી)ના સહી – સિક્કાનો દુરઉપયોગ કરી પાવર ઓફ એટર્નીમાં ખોટી સહીઓ કરી હતી. જે બાદમાં 7મી ઓક્ટોબરના રોજ પ્રકાશ ઇશ્વર પટેલે જમીન સત્તાર ગની વ્હોરા અને ઇરફાન ઉસ્માન વ્હોરાને કરી આપી હતી. આ દસ્તાવેજમાં નિરંજન રમેશ પટેલ, લાલભાઈ ભઇલાલ ઠાકોર (રહે.સામરખા)એ ખોટી રીતે સાક્ષી તરીકે સહીઓ કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં અનિસ ઇનુસ વ્હોરા (રહે. સો ફુટ રોડ, આણંદ)એ ખોટા પાવર ઓફ એટર્ની બનાવવા સ્ટેમ્પની ખરીદી કરાવી હતી.
બાદમાં સ્ટેમ્પ પેપર ઉપર પાવર ઓફ એટર્નીનું લખાણ ટાઇપ કરાવી, નોટરી કરનારા ઇશ્વરીબહેન શર્માનું અવસાન થયું હોવા છતાં ખોટી રીતે આ પાવર ઓફ એટર્નીમાં નોકરીનાં સહી સિક્કા કરાવી પ્રકાશ ઇશ્વર પટેલ અને સતાર ગની વ્હોરાને આપેલો હતો. આમ પ્રકાશ ઇશ્વર પટેલ, સત્તાર ગની વ્હોરા, અનીસ ઇનુસ વ્હોરા, નિરંજન રમેશ પટેલ તથા લાલ ઠાકોરે ભેગા મળી કૌભાંડ આચર્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે અનીસ ઇનુસ વ્હોરા, પ્રકાશ ઇશ્વર પટેલ, નિરંજન રમેશ પટેલ, લાલ ભઇલાલ ઠાકોર, સત્તાર ગની વ્હોરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સબરજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અને અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યાં
આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ દસ્તાવેજથી જમીનોના સોદાના એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યાં છે. દર વખતે તપાસનો એક છેડો સબરજીસ્ટ્રાર કચેરી સુધી પહોંચે છે. આથી, સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અને અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યાં છે. આ અંગે કોમ્પ્યુટર ઓપરેટરથી લઇ અધિકારી સુધી તમામની તપાસ થવી જરૂરી છે.
પોલીસ મથકે અરજી કરતાં ઇરફાને સમાધાન કર્યું
આણંદના મનુભાઈ પટેલે સામરખાની જમીનના બોગસ દસ્તાવેજ અંગે પોલીસ મથકે અરજી કરતાં ઇરફાન ઉસ્માન વ્હોરા દોડતો થઇ ગયો હતો અને મનુભાઈને મળી પ્રકાશ ઇશ્વર પટેલે તેમને ખોટા પાવર એટર્નીના આધારે દસ્તાવેજ કરી આપ્યો હોવાનું કબુલ્યું હતું. પોતે દસ્તાવેજના દિવસે સબ રજીસ્ટ્રાર સમક્ષ ગયા નહોય અને તેઓને આ ખોટા પાવર ઓફ એટર્ની બાબતની જાણ ન હતી અને તેઓ પોતે ખોટી રીતે જમીન લેવા માંગતા ન હોવાથી સ્વૈચ્છાએ જમીન પરત કરી આપવા જણાવી કરાર કર્યાં હતાં.