સુરત: (Surat) નવસારી બાદ સુરતમાં પણ બોગસ ખેડૂત (Fake Farmer) બનીને જમીનની ખરીદી કરવાનો રેલો જે રીતે પોદ્દાર બંધુઓ પર આવ્યો છે તે જોતાં પોદ્દાર બંધુઓનું કૌભાંડ આખા ગુજરાતમાં (Gujarat) જમીનનું સૌથી મોટું કોભાંડ (Land Scam) બની રહેશે. સુરત કલેકટર કચેરી (Collector) દ્વારા પોદ્દાર બંધુઓની મોકાની અને કરોડો રૂપિયાની ગણાતી ચાર જેટલી ખેતીલાયક જમીન સરકાર હસ્તક કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોદ્દાર બંધુઓની સાથે સાથે સુરતમાં અન્ય પણ બોગસ ખેડૂત બનેલા કરોડપતિઓની નીચે પણ રેલો આવવાની સંભાવના જોવાઈ રહી છે.
રાજેશ પોદ્દાર તેમજ સંજય પોદ્દાર સહિત તેમના પરિવારજનોએ ભરૂચના ઓમાદ આણંદના ધાનેરાના બોગસ ખેડૂતના દાખલા બનાવી સરકારની આંખોમાં ધૂળ નાખી હતી. જોકે, નવસારીમાં થયેલી પોલીસ ફરિયાદ બાદ હવે મામલો સુરત સુધી લંબાયો છે. સુરતમાં પણ જિલ્લા નાયબ કલેકટર જમીન સુધારણાએ પોદ્દાર બંધુઓની મોજે. ભરથાણા, તાલુકો મજુરા બ્લોક નંબર 94/1 અને 2 તેમજ ભરથાણા વેસુના બ્લોક નંબર 226 સહિત, ) મોજે રૂંઢ, તાલુકો મજુરા સરવે નંબર-46 સહિત, મોજે સરસાણા, તાલુકો મજુરાના બ્લોક નંબર230માં ગણોતધારા કલમ-84 સી હેઠળ જમીન સરકાર હસ્તક કરવાની કામગીરી શરૂ કરીને નોટીસો આપી દીધી છે. જેમાં આગામી દિવસોમાં સુનાવણી શરૂ થશે. જોકે, જે પોદ્દાર બંધુઓ ખેડૂત જ નથી ત્યારે તેઓ સુનાવણીમાં શું પુરાવા રજુ કરે છે તે જોવું રહ્યું.
નવસારીમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી તો સુરતમાં પોદ્દાર બંધુઓ સામે પોલીસ ફરિયાદ કેમ કરાતી નથી?
નવસારીમાંથી બહાર આવેલા પોદ્દાર બંધુઓના કૌભાંડમાં સુરતમાં પણ તેઓના કૌભાંડો બહાર આવે તેમ છે. પોદ્દાર બંધુઓ દ્વારા જે તે સમયે સુરતના કલેકટરને પણ ઉંઠા ભણાવીને રૂંઢની જમીન બિનખેતીની કરાવી લેવામાં આવી હતી. જેથી આ કેસમાં સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાથી આ મામલે તાકીદના ધોરણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. જમીન બિનખેતીની કરવા માટે પોદ્દાર બંધુઓ દ્વારા બોગસ સોગંદનામાની સાથે અનેક બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યાં હોવાથી આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
- પોદ્દાર બંધુઓની આ જમીનોમાં કૌભાંડ કરાયાની આશંકા
- ગામનું નામ તાલુકો બ્લોક નંબર જમીનનું ક્ષેત્રફળ
- ભરથાણા-વેસુ મજુરા 226 10117 ચો.મી.
- રૂંઠ મજુરા 46 37700 ચો.મી.
- સરસાણા મુજરા 230 20437 ચો.મી.