ખેડા: ખેડા જિલ્લામાં બેફામ બનેલાં ખનન માફિયાઓ દ્વારા સરકારી જમીનોમાં મોટાપાયે ખોદકામ કરી, માટીની ચોરી કરવામાં આવી રહી છે. ખનન માફિયાઓ દ્વારા અત્યાર સુધી સરકાર હસ્તકની ખરાબાની જમીનો તેમજ ગૌચરની જમીનોમાં જ ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટીની ચોરી કરવામાં આવતી હતી. જોકે, હદ વટાવી ચુકેલાં ખનન માફિયાઓએ હવે સરકાર દ્વારા પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ કરેલી જગ્યામાં પણ ગેરકાયદેસર રીતે માટીખનન કરવાની હિંમત કરી છે. જોકે, આ અંગેની જાણ તંત્રને થતાં, પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને મામલતદારની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી બે હિટાચી મશીન તેમજ 13 ડમ્ફર મળી રૂપિયા 3.20 કરોડના કુલ 15 વાહનો જપ્ત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે માટે સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે ઉનાળામાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષ પણ તળાવો ઉંડા કરવાની કામગીરીનો આરંભ થઈ ગયો છે. ત્યારે, ખેડા નગરપાલિકા વિસ્તારમાં આવેલ મલકણીયા વહેરાને સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ઉંડો કરવાનું કામ આર.આર એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જેથી આર.આર એન્ટરપ્રાઈઝની ટીમ ખોદકામ માટેનું હિટાચી મશીન તેમજ માટી ભરવા માટેના ડમ્ફરો લઈને સ્થળ પર પહોંચી હતી. જોકે, તે વખતે વહેરામાં વીસેક ફુટ જેટલું પાણી હોવાથી ખોદકામ શક્ય ન હતું.
જેથી આર.આર એન્ટરપ્રાઈઝ દ્વારા વહેરો ઉંડો કરવાનું કામ પડતું મુક્યું હતું અને તેને બદલે વહેરાની ઉત્તર અને પશ્ચિમ બાજુમાં આવેલ સર્વે નં 415-અ વાળી ગૌચર માટે નીમ કરાયેલી જમીન તેમજ 415-બ વાળી પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ કરાયેલી જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટી કાઢવાનું શરૂ કરી દીધું હતું. આ અંગેની જાણ તંત્રને થતાં, પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને મામલતદારની ટીમે શનિવારના રોજ સાંજના સમયે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી બે હિટાચી મશીન, માટી ભરેલાં 12 ડમ્ફર અને 1 ખાલી ડમ્ફર મળી રૂપિયા 3.20 કરોડ કિંમતના 15 વાહનો જપ્ત કર્યા હતાં. જે બાદ નગરપાલિકાની ટીમને સાથે રાખીને ત્રણેય વિભાગની ટીમે જમીનની માપણી સહિતની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ સાથે સંકલન કરી દરોડો પાડ્યો – મામલતદાર
આ મામલે ખેડા મામલતદાર અગરસિંહ ચૌહાણ જણાવે છે કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખેડામાં આવેલ મલકણીયો વહેરો ઉંડો કરવા માટે આર.આર એન્ટરપ્રાઈઝને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, વહેરામાં 20 ફુટ પાણી હોવાને કારણે આર.આર એન્ટરપ્રાઈઝ દ્વારા તેની બાજુમાં આવેલ સર્વે નં 415-અ વાળી ગૌચર તેમજ પોલીસ ફાયરીંગ બેટ માટે નીમ થયેલી જગ્યામાં ખોદકામ કરી, માટી કાઢવાનું શરૂ કર્યું હતું. આ અંગેની જાણ થતાં અમે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ સાથે સંકલન કરીને દરોડો પાડી 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમે અમારી હદમાં જ ખોદકામ કર્યું છે, અમને ખોટી રીતે હેરાન કરાય છે
આ મામલે આર.આર એન્ટરપ્રાઈઝના સંચાલક સાથે વાત કરતાં, તેઓ જણાવે છે કે, અમોએ અમારી હદમાં જ ખોદકામ કર્યું છે. અમને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે. અમે જમીનની માપણી પણ કરાવવાના છે.