સંતરામપુર : સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે ત્રણએક વર્ષ પહેલા જમીન ખેડવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં લાકડાના દંડાથી માથામાં મારતા એકનું મોત નિપજ્યું હતું. આ અંગે કોર્ટે હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. સંતરામપુરના બટકવાડા ગામે 23મી જુલાઇ, 19ના રોજ જમીન ખેડવા બાબતે મારામારી થઈ હતી. દિનેશ ઉર્ફે મેહુલ નવલ પારગીએ વિજયભાઇને જણાવેલ કે, તારા પિતાની જમીન મારે જ ખેડવાની છે. જેથી વિજયે કહેલ કે મારા પિતાની જમીન તું કેમ ખેડવા માંગે છે ? તેવું કહેતાં આરોપી દિનેશભાઈ ઉર્ફે મેહુલ નવલ પારગીએ ઉશ્કેરાઈ જઈને વિજયને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડામાં માલતીબેન પારગી વચ્ચે છોડાવવા જતાં તેમને પણ મારમાર્યો હતો. આ ઉપરાંત વચ્ચે પડેલા મનહરભાઇ પારગી વચ્ચે છોડાવવા જતાં આરોપી દિનેશ પારગીએ લાકડાંના ફટકા મનહરભાઇને માથામાં મારતા તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે માલતીબહેનની ફરિયાદ આધારે સંતરામપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી દિનેશ ઉર્ફે મેહુલની ધરપકડ કરી ચાર્જશીટ રજુ કર્યું હતું.
આ કેસ મહિસાગર જીલ્લા સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં જુબાની, પુરાવા અને સરકારી વકીલ સરજન ડામોરની દલીલો ગ્રાહ્ય રાખીને સેસન્સ જજ એચ.એ. દવેએ આરોપી દિનેશ ઉર્ફે મેહુલ નવલ પારગીને કલમ 302ના ગુનામાં આજીવન કેદની સજા અને રુપિયા દસ હજારનો દંડ અને આ દંડની રકમ આરોપી ન ભરે તો વધુ એક વરસની સાદી કેદની સજા અને કલમ 323ના ગુનામાં તકસીરવાન ઠરાવીને છ માસની સાદી કેદની સજા અને રુપિયા પાંચસો દંડ અને આ દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.