સુરત: (Surat) ગુજરાત સ્ટેટ એવિએશન લિમિટેડના ડિરેક્ટર ઓફ એવિએશન વિભાગના નિયામક કેપ્ટન અજય ચૌહાણે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ અને સુડાના મુખ્ય કારોબારી અધિકારીને સુરત એરપોર્ટના (Airport) સુચિત પેરેલલ રન-વે (Parallel Runway) સંદર્ભે પત્ર લખી સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સુરત એરપોર્ટના હયાત રન-વેને સમાંતર પેરેલલ રનવે માટે જમીન સંપાદન (Land acquisition) કરવાનુ કામ મોકૂફ રાખવામાં આવ્યું છે.
એક આરટીઆઇ અરજીના ઉત્તરમાં આ પત્ર વ્યવહારને લગતી વિગતો આપવામાં આવી છે જેમાં કેપ્ટન અજય ચૌહાણે 12નવેમ્બર 2020ના રોજ કલેક્ટર અને સુડાના મુખ્ય કારોબારી અધિકારીને સરકારે લીધેલા નિર્ણયની જાણ કરતા જણાવ્યુ છે કે સુરત એરપોર્ટના બીજા રન-વે એટલે કે 04આર/22એલનું વિસ્તરણ કરવા જમીન સંપાદનનું કામ મોકૂફ રાખવામાં આવે છે. તેમ છતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉચાઇના નિયંત્રણો હજુ ચાલુ રાખવામાં આવ્યા છે. જે તાત્કાલિક ધોરણે હટાવવાની ટેક્નિકલ જરૂરત છે.
પરંતુ ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા સુરત સહિતના રાજ્યના પાંચ મુખ્ય શહેરોમાં મહત્તમ 70 માળ સુધીના બિલ્ડિંગનું નિર્માણ થઇ શકે તે માટે સુરત એરપોર્ટના પેરેલલ રન-વે માટે જમીન સંપાદનનું કામ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયા છે. તેની જાણ રાજ્યના મુખ્યમંત્રીને પણ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ખુડા)ના સીઇઓ અને ડ્રીમ સિટીના જનરલ મેનેજર દ્વારા સુરતના એરપોર્ટ ડાયરેકટર અમન સૈનીને 2 ડિસેમ્બરના રોજ પત્ર લખી સુરત એરપોર્ટના સમગ્ર ડેવલપમેન્ટ માટે કેટલી જમીનની જરૂરીયાત છે તેની દરખાસ્ત મોકલવા જણાવ્યું હતું. અગાઉ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગ જુદા પાડવા સાથે સુરતના હયાત રન-વેને સમાંતર બીજો પેરેલલ રન-વે બનાવવા માટે 800 હેકટર જમીનની જરૂરીયાત હોવાની દરખાસ્ત મોકલાવી હતી. તે જોતા એરપોર્ટ ઓથોરિટી જો ખુડાની પહેલી ટીપી જાહેર થાય તે પહેલા દરખાસ્ત મોકલવાનું ચૂકી જશે તો જમીનનો મામલો સંપૂર્ણપણે લટકી જશે. ખુડાના સીઇઓ દ્વારા 10 ડિસેમ્બરના રોજ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સંજોગોવશાત આ બેઠક રદ કરી દેવામાં આવી હતી.
સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મગદલ્લાની આસપાસ જ ડેવલપ કરી શકાય તે માટે ખુડા દ્વારા આભવા, વેસુ, મગદલ્લા, વાટા, ગવીયર, ભીમપોર, ડુમસ અને સુલ્તાનાબાદની જમીનોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે તે નકશો પણ એરપોર્ટ ઓથોરિટીને મોકલી આપવામાં આવ્યો હતો.