SURAT

‘ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે’, એવું કહી મહિલા સાથે દુષ્કર્મ કરનાર તાંત્રિક પકડાયો

સુરત: ‘ઘરમાં માતા લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે’ એવી લોભામણી વાતો કરી મહિલા સાથે દુષ્કર્મ કરનાર બોગસ તાંત્રિકને સુરતની પાંડેસરા પોલીસે પકડી પાડ્યો છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાને થોડા સમય પહેલાં એક તાંત્રિકનો ભેંટો થયો હતો. આ તાંત્રિકે ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવી લોભામણી વાતો કરીને મહિલાને લલચાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મળતી માહિતી અનુસાર ડિંડોલીમાં રહેતી મહિલા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી. આ બાબતે તેણીએ પડોશી મહિલાને વાત કરી હતી. પડોશી મહિલા તેને એક તાંત્રિક અહેમદનૂર પઠાણ પાસે લઈ ગઈ હતી. આ તાંત્રિકે વિધિ કરવાથી લક્ષ્મીજી ઘરમાં પધારશે, રૂપિયાનો વરસાદ થશે એવા દાવા કર્યા હતા.

દરમિયાન એક અઠવાડિયા પહેલાં તાંત્રિક અહેમદનૂર પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તાંત્રિક વિધિના નામે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. તાંત્રિકે ખોટી વાતોમાં ફસાવી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનું ભાન મહિલાને થતાં તેને પરિવારજનોને વાત કરી હતી.

પરિવારજનોની મદદથી મહિલાએ તારીખ 29/12/2023 ના રોજ તાંત્રિક દ્વારા દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ આપતા ડીંડોલી પોલીસે ઈ.પી.કો કલમ 376, 406 મુજબ ફરિયાદ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી આધારે લિંબાયત વિસ્તારમાંથી આરોપી તાંત્રિક અહેમદનૂર અલ્લાનૂર પઠાણ (ઉં.વ.56, રહે- ઘર નંબર 52 ગોવિંદનગર લિંબાયત સુરત)ને ડીટેઇન કરી પૂછપરછ હાથ ધરી હતી.

Most Popular

To Top